વડોદરા: મધ્ય ગુજરાતની સૌથી મોટી સયાજી હોસ્પિટલમાં વર્ગ-3 અને 4ના કોન્ટ્રાક્ટના કર્મચારીઓના પગાર નિયમિત અને પૂરતો મળે તે અંગેની માંગ સાથે કર્મચારીઓએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે. પરંતુ હજુ સુધી તેમની સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી.
સયાજી હોસ્પિટલમાં વર્ગ-3 અને 4ના અંદાજિત 1000થી વધુ કોન્ટ્રાક્ટર ડી.જી.નાકરાણી અને એમ.જે.સાેલંકી કોન્ટ્રાક્ટના કર્મચારીઓ કામગીરી કરે છે. છેલ્લા ઘણા મહિનાઓથી તેઓનો પગાર અનિયમિત અને અપૂરતો મળતો હોવાની અનેક ફરિયાદો ઉઠી છે. પરંતુ તેઓની વેદનાને વાચા આપવા હજુ સુધી નક્કર પગલાં ભરવામાં આવ્યા નથી.
કોન્ટ્રાક્ટર ડી.જી.નાકરાણી અને એમ.જે.સાેલંકી દ્વારા મહિનાઓ સુધી પગાર નહીં આપવામાં આવતો હોવાની બૂમો બાદ સરકાર દ્વારા તેમના એસ્ક્રો એકાઉન્ટ ખોલવામાં આવ્યા છે. જોકે તેમ છતાં પગારમાં વિસંગતતા ઊભી થતી હોવાના આક્ષેપો થયા છે.
જેથી રોષે ભરાયેલા કર્મચારીઓએ કોવિડ હોસ્પિટલની બહાર કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. સરકારે કોન્ટ્રાક્ટર નાકરાણી કંપનીને પે એકાઉન્ટ ખોલાવી ડાયરેક્ટ તેમાં પગાર નાખવા આદેશ આપ્યો હતો.