Vadodara

કોના બાપની દિવાળી ! વડોદરા પાલિકાએ પીવાના પાણીથી રોડ રસ્તા સાફ કર્યાં….



એક તરફ શુદ્ધ પીવાના પાણીને લઈને અનેક વિસ્તારોમાં સમસ્યા ત્યાં પાલિકા દ્વારા પાણીનો વેડફાટ જોવા મળ્યો


એક તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને સ્પેનના વડાપ્રધાન વડોદરાની મુલાકાતે આવી રહ્યા છે, ત્યારે વડોદરા નગરીને એક દુલ્હનની જેમ સજાવવામાં આવી રહી છે. અગાઉ ક્યારેય પણ ન જોઈ હોય તેવી રોશની કરવામાં આવી છે અને બધું સાફ સુથરૂ દેખાડવા હવે પીવાના પાણીથી રસ્તાઓ, દિવાલો, ફૂટપાથો સાફ કરવામાં આવી રહી છે. શુક્રવારની રાત્રે કાલાઘોડા સ્થિત રસ્તાઓ, ફૂટપાથો , દિવાલો અને વિશ્વામિત્રીની આસપાસના વિસ્તારને પીવાના પાણીથી ધોઈ સાફ કરવામાં આવ્યા . જેને માટે ખાસ ટેન્કરની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે પૂરના પાણી ઓસર્યા બાદ પણ અધિકારીઓ નગરજનોને પીવાનું પૂરતું પાણી આપી શકતા નથી. હજી પણ પાણીની સમસ્યાને લઈને અનેક વિસ્તારના લોકો વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરીએ ફરિયાદો લઈને આવી રહ્યા છે. નગરજનો ને શુદ્ધ પીવાનું પાણી નથી મળ્યું અને નથી મળી રહ્યું તેવા આક્ષેપો સાથે છેલ્લા કેટલા દિવસથી પાલિકા ની કચેરીની બહાર અનેક વિસ્તારના લોકો મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદન આપી પોતાને ત્યાં તહેવારોના સમયમાં શુદ્ધ અને પીવા લાયક પાણી મળે એની ફરિયાદ કરવા માટે પણ આવ્યા હતા. ત્યારે પાલિકાના સતાધીશો અને અધિકારીઓએ બુદ્ધિનું પ્રદર્શન કર્યું હોય તેમ જ્યાં રંગ રોગાન કર્યું હતું ત્યાં વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની પાણીની ટેન્કર મંગાવી રસ્તા, ફૂટપાથ અને દીવાલો સાફ કરવાનું કામ કર્યું હતું. જ્યાં લોકોને શુદ્ધ પાણી પીવા ન આપી શકતા હોય ત્યાં રોડ પર પીવાના પાણી આવી રીતના વેડફાટ કરવો તે કેટલો યોગ્ય છે?

Most Popular

To Top