Charotar

કોઠંબા નજીક સ્કોર્પિયોને નડ્યો અકસ્માત, મળ્યું 250 કિલો અફીણ

પોલિસને બાગાસું ખાતા મળ્યું પતાસું, નમનાર ગામ પાસે 112ની ટીમે અકસ્માતગ્રસ્ત કાર જોઈ સ્થાનિક પોલીસને જાણ કરી

પોષડોડાના 11 થેલા ઉપરાંત પિસ્તોલ અને કારતુસ મળ્યા, આરોપી ફરાર

મહીસાગર.
મહીસાગર જિલ્લાના કોઠંબા પોલીસ તાબેના નમનાર ગામ પાસે અકસ્માત ગ્રસ્ત ગાડીમાંથી 258 કિલો અફીણ, પિસ્તોલ, કારતુસ મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી ફરાર ચાલક, ગાડી માલીક ની શોધખોળ હાથ ધરી છે.
મહીસાગર જિલ્લાના 112ની ટીમને પેટ્રોલીંગ સમયે કોઠંબા પાસે નમનાર ગામ પાસે અકસ્માત ગ્રસ્ત ગાડી મળી હતી. આ અંગે તપાસ કરતા તેમાં અફીણ અને પિસ્તોલ, કારતુસ મળી આવ્યા હતા. આ અંગે તાત્કાલીક સ્થાનિક પોલીસ ને જાણ કરતા કોઠંબા પોલીસ ની ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમીક તપાસમાં જ ગાડીમાં 258.60 કિલોગ્રામ અફીણ ભરેલા 11 થેલા કિંમત રૂ.38.79 લાખ મળી આવ્યા હતા. આ ઉપરાંત પિસ્તોલ, કારતુસ પણ મળ્યા હતા. જોકે અકસ્માત ગ્રસ્ત કાર ચાલક કે માલીકનો કોઈ અતોપતો નહતો.
આથી, કોઠંબા પોલીસે મહિન્દ્રા સ્કોર્પિયો (GJ 03 ML 4507) કિંમત રૂ. 10 લાખ, 11 થેલા ભરેલા 258.60 કિલોગ્રામ અફીણના જીંડવા (પોષડોડા) બજાર કિંમત રૂ. 38.79 લાખ, એક પિસ્તોલ 5 હજાર, ચાર જીવતા કારતૂસ સહિત કુલ રૂ. 48.84 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર પી.આર.બલાત, પોલીસ સબ-ઇન્સ્પેક્ટર આર.સી. સોલંકી સહિત સ્ટાફ જોડાયો હતો.

Most Popular

To Top