Vadodara

કોટણા અને દિવેર બીચનું બ્યુટીફિકેશન કરવા રાજ્ય સરકારમાં દરખાસ્ત મોકલાઈ


*જિલ્લાના વિવિધ પ્રવાસ સ્થળોના વિકાસ પ્રોજેક્ટની કલેકટર ડો.અનિલ ધામેલિયાએ કરી સમીક્ષા*

*વડોદરામાં જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક મળી*

વડોદરા: જિલ્લા કલેકટર ડો.અનિલ ધામેલિયાએ જણાવ્યું છે કે, વડોદરા જિલ્લામાં ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા શિનોર,ડભોઈ,પાદરા, વડોદરા અને કરજણ તાલુકામાં રૂ.૧૪.૬૪ કરોડના ખર્ચે યાત્રાધામ વિકાસના ૧૪ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે.આ ઉપરાંત યાત્રાધામ,પ્રવાસન પ્રોજેક્ટ હેઠળ રૂપિયા પાંચ કરોડના ખર્ચે નારેશ્વર પ્રોજેક્ટનું કામ પૂર્ણ કરવામાં આવ્યું છે.કલેકટરશ્રીએ વડોદરા જિલ્લામાં હાથ ધરવામાં આવેલ પ્રવાસન અને યાત્રાધામ વિકાસ પ્રોજેક્ટના કામોની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

વડોદરામાં કલેકટર ડો.અનિલ ધામેલિયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પ્રવાસન સમિતિની બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મહિડા, ધારાસભ્યો સર્વશ્રી શૈલેષભાઈ મહેતા, અક્ષયભાઈ પટેલ,ચૈતન્યસિંહ ઝાલા,ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉપસ્થિત રહ્યા હતા.

કલેક્ટરે ઉમેર્યું હતું કે પ્રવાસન નિગમ દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકામાં આવેલ દક્ષિણ પ્રયાગ તીર્થ સમા ચાંદોદ વિકાસ પ્રોજેક્ટ રૂ.૨૫ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યો છે. આ ઉપરાંત રૂ.૩.૦૭ કરોડના ખર્ચે તેન તળાવ વિકાસ પ્રોજેક્ટ,રૂ.૭.૪૦ કરોડના ખર્ચે સાવલીમાં કમળ તળાવ વિકાસ પ્રોજેક્ટ તેમજ પાદરા તાલુકામાં ગણપતપુરા ગામ પાસે પૌરાણિક કલ્પવૃક્ષ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે.

વડોદરા જિલ્લામાં વર્ષ ૨૦૨૩- ૨૪ અને વર્ષ ૨૦૨૪- ૨૫માં રૂ.૧૦.૯૯ કરોડના કોટણા બીચ,દીવેર બીચ અને રણુ તુળજા ભવાની મંદિર પાસે આવેલ તળાવ બ્યુટિફિકેશનના ત્રણ પ્રોજેક્ટ માટેની દરખાસ્ત રાજ્ય સરકારમાં મોકલી આપવામાં આવી છે.વર્ષ ૨૦૨૪- ૨૫ માં વિવિધ ૦૯ પ્રોજેક્ટની દરખાસ્ત સરકારમાં મંજૂરી અર્થ મોકલી આપવામાં આવી છે.

જિલ્લા આયોજન અધિકારી એમ.આર.રાઉલજીએ વડોદરા જિલ્લામાં પ્રવાસન,યાત્રાધામ પ્રોજેક્ટ અંગેની વિસ્તૃત વિગતો આપી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા,નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ, પ્રાંત અધિકારીઓ સહિત સમિતિના સભ્યો હાજર હતા.

Most Popular

To Top