રોજિંદા વપરાશના સાધનોને આવવા દઈ રેતીના તથા ડોલોમાઈટના ભારધારી વાહનોને બંધ રાખવામાં આવે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી
*બોડેલી મેરીયા બ્રિજ ઉપર ભારે વાહનોની રોક લગાવતા જગતનો તાત કહેવાતા ખેડૂતો મૂંઝવણમાં મુકાયા
*કેળાનો પાક તૈયાર છે પણ તેને લઈ જવા માટે મુશ્કેલીઓ વધી ગઈ*
*બોડેલી પ્રાંત અધિકારીને પોતાની વેદનાનુ આવેદન આપ્યું
બોડેલી: છોટાઉદેપુર જિલ્લામાં ગતરોજ રાત્રિના સમયથી બોડેલી જબુગામને જોડતા મેરીયા બ્રિજ ઉપર ભારધારી વાહનોની રોક લગાવવામાં આવી છે. જેથી કરીને નજીકના ગામો જબુગામ, સુષ્કાલ, કુકણા, સિહોદ, ચાપરગોટા, જેવા 20 થી 25 ગામો ના ખેડૂતો ખૂબ જ મૂંઝવણમાં મુકાયા હતા.ન જેને લઈ જબુગામના જાગૃત ખેડૂતો દ્વારા પ્રાંત અધિકારીને પોતાની વેદનાનું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જિલ્લા કલેકટર દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો છે, તેમાં થોડી બાંધછોડ કરવામાં આવે. કેમકે હાલ ખેડૂતોના કેળાના પાક તૈયાર થઈ ગયા છે. જેમાં 10% જેટલુ જ કેળ કટીંગ કરવામાં આવ્યું છે. જ્યારે અલગ અલગ ખેડૂતો દ્વારા અલગ અલગ દિવસે કેળા કાપવામાં આવે છે. તેને લેવા માટે મોટા વાહન જેવા કે આઇસર, ટ્રક આવે છે પરંતુ તેમનું વજન રેતીના ટ્રક જેટલું હોતું નથી .
જ્યારે ખેડૂતોને ખાતર માટે પણ તકલીફનો સામનો કરવો પડે એમ છે. જબુગામની આસપાસના ગામોમાં દૂધ ડેરીના ટેન્કર દ્વારા દૂધ સપ્લાય કરવામાં આવે છે .આવી અનેક રોજીંદી મુશ્કેલીઓ પડે એમ છે. જેથી કરીને રોજિંદા વપરાશના સાધનોને આવવા દઈ અને રેતીના તથા ડોલોમાઈટના ભારધારી વાહનોને બંધ રાખવામાં આવે એવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.