લવ જિહાદ જેવા સંવેદનશીલ વિષય પર બનેલી ફિલ્મ કેરળ સ્ટોરીનો પહેલો ભાગ પ્રદર્શિત થયો ત્યારે તેણે વિવાદો જગાવ્યા હતા. હવે તેનો બીજો ભાગ પણ વિવાદો વકરાવી રહ્યો છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના નાલાસોપારામાં PVR કેપિટલ મોલમાં ૫ માર્ચે હિન્દુ જાગરણ મંચ નામની સંસ્થા દ્વારા ફિલ્મ કેરળ સ્ટોરી ૨નું આયોજન કરવામાં આવ્યું હતું. ફિલ્મના પ્રદર્શન પછી, સિનેમા હોલમાં પ્રતિજ્ઞા લેવામાં આવી હતી કે હિન્દુઓ સિવાય અન્ય કોઈ સાથે કોઈ સંબંધ રહેશે નહીં અને બિનહિન્દુઓ સાથે મિત્રતા નહીં રહે.
આ પ્રતિજ્ઞાના વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યા છે, જેમાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ અન્ય સમુદાયને કાપડનો એક ટુકડો પણ વેચવા દેવામાં આવશે નહીં. ફિલ્મ દરમિયાન ઉપસ્થિતોને પ્રતિજ્ઞા લેવામા આવી હતી કે જો તમારે શાકભાજી ખરીદવા હોય તો હિન્દુઓ પાસેથી ખરીદો, અને જો તમારે વાળ કાપવા હોય તો હિન્દુ હજામ પાસે કપાવો. કોંગ્રેસે આને બે સમુદાયો વચ્ચે તિરાડ પાડવાના હેતુથી કરાયેલું પગલું ગણાવ્યું છે. કોંગ્રેસના નેતા હુસૈન દલવાઈએ કહ્યું કે પોલીસે આ ઘટનાની નોંધ લેવી જોઈએ અને પોતાની રીતે કાર્યવાહી કરવી જોઈએ કારણ કે નફરત ફેલાવવી એ ગંભીર ગુનો છે. જોકે, એક સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે આ ઘટના અંગે કોઈએ ફરિયાદ નોંધાવી નથી.
નાલાસોપારામાં ફિલ્મ શોના આયોજક અને હિન્દુ જાગરણ મંચના કન્વીનર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે અમે ભારતમાં હિન્દુઓ પર થતા અત્યાચાર તથા સામૂહિક ધર્માંતરણની વાસ્તવિકતા દર્શાવવા અને હિન્દુ સમુદાયમાં જાગૃતિ લાવવા માટે આ ફિલ્મનું આયોજન કર્યું છે. કેટલાક લોકો અમારા પર ચૂંટણી પ્રચાર અને નફરત ફેલાવવાનો આરોપ લગાવી રહ્યા છે. અમારો મુખ્ય ઉદ્દેશ્ય હિન્દુઓ વિરુદ્ધ ધર્માંતરણ અને અત્યાચાર રોકવાનો છે. અમારા કાર્યક્રમ અંગે કોઈએ ફરિયાદ કરી નથી. આ ઘટના વિશે પૂછવામાં આવતા સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર સુજીત કુમાર પવારે જણાવ્યું કે આ અંગે કોઈ ફરિયાદ મળી નથી, તેથી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.
આ નવી ફિલ્મ ધ કેરળ સ્ટોરીની સિક્વલ છે, જે મે ૨૦૨૩ માં કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલાં રિલીઝ થઈ હતી, જેમાં કોંગ્રેસે જીત મેળવી હતી. ધ કેરળ સ્ટોરી ૨ની રિલીઝ ભારતીય જનતા પાર્ટીને કેરળમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં વધુ મદદ નહીં કરે, પરંતુ તે ભવિષ્યમાં કેરળમાં કોમી ધ્રુવીકરણનાં બીજ વાવવામાં મદદ કરશે. ફિલ્મના શીર્ષકમાં કેરળ રાજ્યના નામનો ઉપયોગ હાઇકોર્ટ સમક્ષ વિવાદનો વિષય બન્યો હતો. કેરળ હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે સિંગલ જજ દ્વારા લાદવામાં આવેલો સ્ટે ઉઠાવી લીધો હતો અને ફિલ્મના પ્રદર્શનને મંજૂરી આપી હતી.
પહેલી ફિલ્મની જેમ, આ ફિલ્મ પણ બતાવે છે કે કેવી રીતે મુસ્લિમ પુરુષો હિન્દુ કે ખ્રિસ્તી સ્ત્રીઓને વચનો આપીને આકર્ષે છે અને અંતે તેમને તેમના ધર્મના નિયમોનું પાલન કરવા દબાણ કરે છે. ઓછામાં ઓછું, ફિલ્મના ટ્રેલરે એવું જ સૂચવ્યું હતું, જેના કારણે કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી, પરંતુ ટ્રેલરમાં લોકોના ધર્મ પરિવર્તન અંગે ઉલ્લેખિત બાબતો કેરળ સરકારના ગેઝેટ નોટિફિકેશનથી સંપૂર્ણપણે ગલત સાબિત થઈ છે.
હકીકતમાં, ૨૦૨૦ અને ૨૦૨૪ નાં વર્ષોમાં ગેઝેટ સૂચનાઓના અભ્યાસ પર આધારિત બે અહેવાલો ફિલ્મમાં કરવામાં આવેલા દાવાઓને ખોટા સાબિત કરે છે. ૨૦૨૦ માં અન્ય કોઈપણ ધર્મ કરતાં વધુ લોકોએ હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. કુલ ૫૦૬ લોકોએ ધર્મ પરિવર્તન માટે નોંધણી કરાવી હતી, જેમાંથી ૨૪૧ લોકોએ ખ્રિસ્તી ધર્મ અથવા ઇસ્લામ છોડીને હિન્દુ ધર્મ અપનાવ્યો હતો. ઇસ્લામ ધર્મ અપનાવનારાઓની સંખ્યા ૧૪૪ હતી અને ખ્રિસ્તી ધર્મ અપનાવનારાઓની સંખ્યા ૧૧૯ હતી.
ઇસ્લામ અથવા ખ્રિસ્તી ધર્મ છોડીને હિન્દુ ધર્મ અપનાવનારાઓમાં મોટાભાગની મહિલાઓ હતી. ધાર્મિક પરિવર્તન અંગેના ૨૦૨૪ના ગેઝેટ નોટિફિકેશનના અભ્યાસમાં એક મીડિયાએ અહેવાલ આપ્યો છે કે જાન્યુઆરી અને ડિસેમ્બર વચ્ચે કેરળમાં ૩૬૫ લોકોએ હિન્દુ ધર્મ અપનાવ્યો. તેમાંથી ૨૬૨ દલિત ખ્રિસ્તી અને મુસ્લિમ હતા, જેમાંથી ઘણાને અનુસૂચિત જાતિના દરજ્જાના વચનથી લલચાવવામાં આવ્યા હતા.
ગેઝેટ નોટિફિકેશનને ટાંકીને અહેવાલમાં જણાવાયું છે કે ૧૫૪ હિન્દુ મહિલાઓ અને ૧૨૨ હિન્દુ પુરુષો (કુલ ૨૭૬) એ ઇસ્લામ ધર્મ અપનાવ્યો, જ્યારે ૪૨ મહિલાઓ અને ૨૫ પુરુષોએ ખ્રિસ્તી ધર્મ છોડીને ઇસ્લામ ધર્મ અપનાવ્યો. ખ્રિસ્તી ધર્મમાંથી હિન્દુ ધર્મમાં રૂપાંતરિત થયેલા ૧૮૦ મહિલાઓ અને ૧૪૯ પુરુષોએ ધર્માંતરણ કર્યું, જ્યારે ૨૪ મુસ્લિમ પુરુષો અને ૧૨ મુસ્લિમ મહિલાઓએ હિન્દુ ધર્મ અપનાવ્યો. હિન્દુ ધર્મમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવનારાઓમાં ૧૩૦ મહિલાઓ અને ૧૦૪ પુરુષો હતા, જ્યારે ઇસ્લામમાંથી ખ્રિસ્તી ધર્મ અપનાવનારાઓમાં ૧૩ મહિલાઓ અને આઠ પુરુષો હતા.
નારીવાદી સંશોધક અને તિરુવનંતપુરમના સેન્ટર ફોર ડેવલપમેન્ટલ સ્ટડીઝ (CDS) નાં પ્રોફેસર જે. દેવિકાએ જણાવ્યું કે આ ખતરનાક ઝુંબેશ ચલાવીને તેઓ મલયાલીઓને ભારતમાં બીજી લઘુમતી બનાવી રહ્યા છે. આ ઝુંબેશ મલયાલીઓને ખરાબ બતાવે છે. દેખીતી રીતે, સમય જતાં તેઓ જૂઠાણાંને સત્યમાં ફેરવે છે. કેરળ પણ એક એવું રાજ્ય છે જ્યાં વૃદ્ધ વસ્તી છે. શક્તિશાળી વંશીય સમુદાયો નોંધપાત્ર વસ્તી વિષયક દબાણનો અનુભવ કરી રહ્યા છે.
તેથી, સ્ત્રીઓ એક એવું સંસાધન છે જેનું રક્ષણ કરી શકાય છે. યુવા પેઢીને જોતાં, જેમને ખૂબ શિસ્તબદ્ધ માનવામાં આવતી નથી. એવો ડર છે કે તેઓ પોતાની પસંદગીનો જીવનસાથી પસંદ કરવા માટે માતાપિતાના નિયંત્રણનો અસ્વીકાર કરી શકે છે. આનાથી ધ્રુવીકરણનાં બીજ વવાશે અને આ માટે મુસ્લિમોને દોષી ઠેરવવામાં આવશે. ભારતના અન્ય ભાગોની જેમ અહીં મુસ્લિમોના ડરનો ઉપયોગ હિન્દુ છોકરીઓને હિન્દુત્વ સંગઠનોમાં ભરતી કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
એ વાતનો ઇનકાર કરી શકાય નહીં કે કેટલાક કિસ્સાઓ એવા છે જેમાં મુસ્લિમોએ હિન્દુ અથવા ખ્રિસ્તી છોકરીઓ સાથે લગ્ન કર્યાં છે, જેમાંથી કેટલીક આતંકવાદી સંગઠનોમાં જોડાવા માટે દેશ છોડીને ગઈ છે. પરંતુ અહીં આવી કોઈ સમસ્યા નથી. આ કેરળની વાર્તા નથી. તેઓ કેરળને નિશાન બનાવી રહ્યા છે, કારણ કે હિન્દુત્વવાદી શક્તિઓ અહીં નફરત ફેલાવીને પગપેસારો કરવા માંગે છે. પ્રોફેસર પ્રભાષને વિશ્વાસ છે કે આવી વાર્તાઓ બહાર આવતી રહેશે, જે સમાજનું ધ્રુવીકરણ કરશે અને ભાજપને મજબૂત બનાવશે. મને નથી લાગતું કે હાલમાં તેનો કોઈ નોંધપાત્ર રાજકીય પ્રભાવ પડશે, કારણ કે ભાજપ હજુ પણ રાજ્યમાં એક નાની શક્તિ છે.
ભાજપને ધીમે ધીમે ખ્રિસ્તીઓનો ટેકો મળશે, પરંતુ તેઓ તાજેતરની ઘટના તરફ પણ નિર્દેશ કરે છે, જેમાં લેફ્ટ ડેમોક્રેટિક ફ્રન્ટ (LDF) સરકારનું નેતૃત્વ કરતી કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્ક્સવાદી) એ શ્રી નારાયણ ધર્મ પરિપાલન યોગમ (SNDP) ના પ્રમુખ વેલ્લાપલ્લી નટેસનનો ટેકો પાછો ખેંચી લીધો છે, જેમણે એવાં નિવેદનો આપ્યા છે, જે મુસ્લિમોને CPM થી દૂર કરી દે છે. આ બધું આખરે ભાજપને મદદ કરશે.
સીપીએમ હિન્દુ સમુદાય અને તાડી ટેપિંગ સમુદાયના મોટા વંશીય જૂથનું પ્રતિનિધિત્વ કરવા માટે જાણીતું છે. ટૂંક સમયમાં લોકોને એ પણ ખ્યાલ આવશે કે તેમણે હિન્દુઓનું પ્રતિનિધિત્વ કરતી B ટીમને મત કેમ આપવો જોઈએ અને તેના બદલે A ટીમ, એટલે કે ભાજપને કેમ મત આપવો જોઈએ. અને પછી કેરળ ચર્ચના નેતાઓ છે, જેમણે તેમની આંતરિક સમસ્યાઓ ઉકેલવા માટે વડા પ્રધાન સાથે મુલાકાત કરી છે. ભાજપે પોતાના હિન્દુત્વના એજન્ડાનો અમલ કરવા ફિલ્મના માધ્યમનો વ્યાપક ઉપયોગ કર્યો છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.