Vadodara

કેમ્પ ઓફિસ પર બેઠકોના ધમધમાટ બાદ વડોદરા મહાનગરપાલિકાની પેન્ડિંગ ફાઇલો સરકી

પાલિકાના અધિકારીઓના મતે, ઈ સરકાર પોર્ટલ પર ફાઇલ અપલોડ કરવાની પ્રક્રિયા હજુ સરળ નથી. માળખાકીય સુવિધાઓ તથા જરૂરી સ્ટાફની અછત હોવાને કારણે પ્રક્રિયામાં વિલંબ થાય છે

વડોદરા: મહાનગરપાલિકાના પશ્ચિમ ઝોનમાં તાજેતરમાં ઈજારદારોએ પેમેન્ટ ન મળતા કામ બંધ કરી દીધા હતા. ઈ સરકાર પોર્ટલ પર ફાઇલો અપલોડ ન થતાં કેટલાક ઈજારદારોના બિલોની ચુકવણી અટવાઈ હતી. આ સ્થિતિની જાણ થતા કેટલીક વોર્ડના કાઉન્સીલરો પણ આ મુદ્દે દોડધામમાં લાગ્યા હતા. આ મામલો ગંભીર બનતા શુક્રવારે કેમ્પ ઓફિસ ખાતે સવારથી જ વિવિધ બેઠકો યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ ઝોનના અધિકારીઓ ઉપરાંત મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. સૂત્રોના કહેવા પ્રમાણે, પેન્ડિંગ ફાઇલો અને ચુકવણી અટકાયેલા કામો અંગે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વનું છે કે, કેટલાક કામોની ફાઇલો મંજૂર પણ કરાઈ હોવાની માહિતી મળી રહી છે.

પાલિકાના અધિકારીઓના મતે, ઈ સરકાર પોર્ટલ પર ફાઇલ અપલોડ કરવાની પ્રક્રિયા હજુ સરળ નથી. માળખાકીય સુવિધાઓ તથા જરૂરી સ્ટાફની અછત હોવાને કારણે પ્રક્રિયામાં વિલંબ થાય છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં જ કમ્પ્યૂટર અને પ્રિન્ટરની ખરીદી માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત પણ રજૂ કરવામાં આવી હતી પરંતુ તે મંજૂર ન થવાને કારણે અડચણો વધી હતી. હાલ પેન્ડિંગ ફાઇલોને મંજૂરી મળતા કામ ફરી શરૂ થવાની શક્યતા છે અને બંધ કામની સ્થિતિમાંથી છુટકારો મળ્યો છે તેવું કેમ્પ ઓફિસ સૂત્રો જણાવી રહ્યા છે.

Most Popular

To Top