Charchapatra

કૃપા કરી આ રસ ન પીઓ

આપણે વિવિધ પ્રકારના રસ પીએ છીએ. કેરીનો રસ, શેરડીનો રસ તથા ફળોના રસ આપણે સૌ પીએ છીએ. એનાથી આપણને ફાયદો પણ થાય છે. અલબત્ત આ રસો ઘણા મોંઘા પણ હોય છે. પરંતુ એક રસ એવો છે જે સાવ સસ્તો અને મગજને થોડી વાર માટે ઉત્તેજિત કરતો હોય છે. બે-ચાર વ્યક્તિઓ મળીને જ આ રસનું પાન કરી શકે છે અને તે છે નિંદારસ અથવા કૂથલી, પંચાત. આ રસ પીનારાં પોતાને સમાજના ડાહ્યા માણસો ગણતા હોય છે. કોઇ પણ વ્યક્તિનો અવગુણ શોધી તેના પર નિંદા કરવા માંડે છે. સમયનું ભાન પણ તેમને રહેતું નથી. પરંતુ આવાં લોકો સાથે બીજો પણ એક વર્ગ છે, જે ઉત્તમ પુસ્તકોનું વાચન કરે છે. સાહિત્યની ચર્ચા કરે છે. શહેરમાં જે કોઇ સદ્દકાર્ય થયું હોય તો તેની પ્રશંસા કરે છે. સમાજને પ્રગતિશીલ બનાવવા તેઓ અનેક પ્રયત્ન કરે છે. આ બધાં કાર્યો પણ એક સ્વાદિષ્ટ રસ જેવાં છે, જેનાથી આ લોકોના જીવનનું ઘડતર થાય છે. એટલે નિંદારસ પીનારાઓને એટલું જ કહેવાનું તમે નિંદારસ છોડો. એનાથી તમારું મગજ ક્રોધિત થાય છે.
સુરત     – રેખા પટેલ આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top