પૂજારીની દાનપેટીઓ હટાવવાના નિર્ણયથી ભારે હોબાળો
કુબેર ભંડારી મંદિરમાં વહીવટના સંઘર્ષને લઈ તંગદિલી, પોલીસ ફરિયાદ સુધી મામલો પહોંચ્યો
મંદિરના વહીવટને લઈને ચેરિટી કમિશનર દ્વારા 11 એપ્રિલ સુધી વચગાળાનો મનાઈ હુકમ અપાયો હતો
વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના કરનાળી સ્થિત પ્રસિદ્ધ કુબેર ભંડારી મંદિરના વહીવટ અંગે આજે ગંભીર તંગદિલી સર્જાઈ છે. મંદિરના વારસાઈ પૂજારી તુષાર ભટ્ટને પરિસર બહાર કાઢી મૂકાતા વિવાદ ઉગ્ર બન્યો છે. પંચાયતી અખાડાના ટ્રસ્ટીઓએ કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટ દ્વારા મૂકવામાં આવેલી દાનપેટીઓને હટાવી મૂકી અને તેમના બદલે પંચાયતી અખાડા દાનપેટી અને રીસીપ્ટનો ઉપયોગ શરૂ કરી દીધો છે, જેના કારણે વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. મંદિરના વહીવટને લઈને સંયુક્ત ચેરિટી કમિશનર દ્વારા 11 એપ્રિલ સુધી વચગાળાનો મનાઈ હુકમ આપવામાં આવ્યો હતો. છતાં, હિન્દી ભાષી નવા બે ટ્રસ્ટીઓએ ચેરિટી કમિશનરના હુકમનું ઉલ્લંઘન કરીને કુબેરેશ્વર સોમેશ્વર ટ્રસ્ટની 24 દાનપેટીઓ ગાયબ કરી દીધી હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત, મંદિરમાં આવતા ભક્તોને પણ પંચાયતી અખાડાની રીસીપ્ટ આપવામાં આવી રહી છે, જે વિવાદને વધુ વધારતી પરિસ્થિતિ સર્જી રહી છે.
ટ્રસ્ટીઓએ બાઉન્સરો બોલાવી પૂજારી તુષાર ભટ્ટને મંદિરના કેમ્પસમાંથી બહાર કાઢી મૂક્યા, જેના કારણે માહોલ અત્યંત તંગ બની ગયો. મંદિરના મુખ્ય દરવાજાને પણ તાળા મારી દેવામાં આવ્યા છે, જેના કારણે ભક્તો અને મંદિરના સંચાલકોમાં રોષ ફેલાયો છે. પૂજારી તુષાર ભટ્ટ અને પ્રિતેશ ભટ્ટએ ચાણોદ પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાવવા માટે પહોંચ્યા છે અને પોલીસ દ્વારા તાત્કાલિક પગલા ભરવાની માગણી કરી છે.
