Vadodara

કુબેર ભંડારી ખાતે દર્શનાર્થે નીકળેલા કેટલાક ભક્તોને રસ્તામાં અકસ્માત નડ્યો

કારમાં સવાર તમામ આઠ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે SSG હોસ્પિટલ ખસેડાયા
ત્રણ હાલત ગંભીર

પવિત્ર શ્રાવણ માસની આજે સોમવતી અમાસ અને શ્રાવણ માસનો અંતિમ દિવસ છે. ત્યારે કરનાળીના વિશ્વવિખ્યાત કુબેર ભંડારી સહીત રાજ્યભરના શિવાલયો પર ભક્તો ઉમટી પડ્યા છે. પરંતુ કુબેર ભંડારી ખાતે દેવાધિદેવના દર્શનાર્થે નીકળેલા કેટલાક ભક્તોને રસ્તામાં જ અકસ્માત નડ્યો હતો. તરસાના ચોકડી પાસે બે કાર વચ્ચે અકસ્માત સર્જાતા આઠ જેટલી મહિલાઓ ઈજાગ્રસ્ત થઇ હતી.
એક તરફ તો આજે પવિત્ર શ્રાવણ માસનો અંતિમ દિવસ છે અને સાથે જ આજે સોમવતી અમાસ છે. જેથી આજે વડોદરા નજીક આવેલ ડભોઇના કરનાળી ખાતેના કુબેર ભંડારી મંદિરમાં ભક્તો મહાદેવના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. સાથે જ આજે અમાસ હોય કુબેર ભંડારીમાં મોટો મેળો ભરાયો હતો. જેથી મોટી સંખ્યામાં લોકો અહીંયા પહોંચ્યા છે. પરંતુ આ બધા વચ્ચે વડોદરા નજીક આવેલ વાઘોડિયાના ગંભા ગામના રહીશોને અકસ્માત નડ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, વાઘોડિયાના ગંભા ગામમાં રહેતા કેટલાક શ્રદ્ધાળુઓ આજે કારમાં કુબેર ભંડારી મંદિર ખાતે જવા નિકળ્યા હતા. પરંતુ આ દરમિયાન રસ્તામાં જ તરસાના ચોકડી પાસે એક ઇકો કાર અને અન્ય એક કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં ઇકો કાર પલટી મારી ગઇ હતી. જેથી તેમાં સવાર તમામને ઈજાઓ પહોંચી હતી. આ અકસ્માતમાં આઠ જેટલી મહિલાઓ ઇજાગ્રસ્ત થઇ હતી.

તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે તાત્કાલીક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયારે 3 લોકો ગંભીર ઇર્જાગ્રસત હોય તેમને વધુ સારવાર અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ ઘટનાના પગલે લોકટોળા ઉમટી પડ્યા હતા. જેથી થોડા સમય માટે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ અંગેની જાણ થતા સ્થાનિક પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ઘરી છે.

Most Popular

To Top