Columns

કીમામલી: ઓલપાડ તાલુકામાંથી પસાર થતી કીમ નદીના કિનારે આવેલું અને રાજપૂતોની બહુમતી ધરાવતું ગામ

ઓલપાડ તાલુકામાંથી પસાર થતી કીમ નદીના કિનારે આવેલું કીમામલી ગામ રાજપૂતોની બહુમતી ધરાવતું ગામ છે. યુવા પંચાયત શાસકો અને વડીલોની દીર્ઘદૃષ્ટિથી વિકાસની રાહે ગામ આગળ વધી રહ્યું છે. કીમામલી ગામ તાલુકા મથક ઓલપાડથી 25 કિલોમીટરના અંતરે આવેલું છે. ગામમાં રાજપૂત પરિવારો સાથે બ્રાહ્મણ, માહ્યાવંશી, હળપતિ, આદિવાસી પરિવારો વસવાટ કરે છે. ગામજનોની આવકનો મુખ્ય સ્ત્રોત ખેતી અને પશુપાલન છે. પરંતુ ગામના યુવાનોએ પાછલા બે દાયકામાં શિક્ષણ અને ધંધાકીય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. 1960ની સાલમાં ગુજરાતના જાણીતા સંત પૂ.પુનિત મહારાજના પાવન પગલાં ભૂમિ ઉપર પડી ચૂક્યા છે. ગામમાં પ્રવેશ થતાં જ રમતગમત ક્ષેત્રે સિઝન ક્રિકેટનું વિશાળ ગ્રાઉન્ડ અને બિલકુલ સામે આવેલું બોક્સ ક્રિકેટ ગ્રાઉન્ડ, સ્વિમિંગ પુલ ગામની આગવી ઓળખ બની છે. દર વર્ષે કીમ નદીમાં આવતા પૂરથી ખેતીમાં ભારે નુકસાની વેઠતા ખેડૂતોની હાલત કફોડી બને છે. ગામ બેથી ત્રણ દિવસ સંપર્કવિહોણું બને છે. ગામના યુવાનોમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ જોવા મળે છે. ગામમાં 16 વ્યક્તિ ડોક્ટર બની છે. જે ગામની શિક્ષણ જાગૃતિનાં દર્શન કરાવે છે. હાલમાં નવું પંચાયત ઘર અને આંગણવાડી બનાવવામાં આવી છે. હળપતિવાસમાં કોમ્યુનિટી હોલ બનાવાયો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ ગૃહનિર્માણ જેવી અન્ય યોજના હેઠળ આવાસો જોવા મળે છે. ગામના દરેક ઘરે નલ સે જલની સુવિધા પહોંચી છે. વર્ષ 2015-16માં તેજલબેન સુરેન્દ્રસિંહ ચૌહાણના સરપંચ પદે અન્ય આઠ મહિલા પંચાયત સભ્યો સાથે મહિલા સમરસ ગામ બન્યું હતું. ગામમાં ફળ અને શાકભાજી મંડળી છે. જેના પ્રમુખ દિનેશસિંહ ઠાકોર છે. ગુજરાતની પ્રથમ રજિસ્ટર્ડ પિયત મંડળી (1978)માં ટીમ્બરવા ખાતે આવેલી મોહિની ઇરિગેશન બાદ રાજ્યની બીજી રજિસ્ટર્ડ થયેલી મંડળી કીમામલી પિયત મંડળી છે. જેના આદ્યસ્થાપક નરપતસિંહ ગોમનસિંહ ચૌહાણ છે. જ્યારે હાલ પ્રમુખ રાજેન્દ્રસિંહ પરમાર છે. ગામમાં ડોર ટુ ડોર ઘનકચરો ઉઘરાવવાની વ્યવસ્થા છે. સ્વ.અર્જુનસિંહ રાઠોડ ગામના પ્રથમ સાયન્સ ગ્રેજ્યુએટ છે. તેઓ ટકારમા ડેરીના માજી ચેરમેન, સાધના કુટિર હોસ્પિટલના પ્રમુખ અને નિવૃત્ત આચાર્ય રહ્યા છે. સ્વ.પ્રવીણસિંહ રણા પણ ડિપ્લોમા મિકેનિકલ એન્જિનિયરમાં પ્રથમ ગ્રેજ્યુએટ થયા હતા. ગામના ઈશ્વરસિંહ ઠાકોર જેઓ ગામના માજી સરપંચ રહ્યા છે. ગામ વિકાસમાં તેઓનું પણ યોગદાન રહ્યું છે. પ્રાથમિક શાળામાં ધો.1થી 5 સુધીના 40 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. મુખ્ય શિક્ષક પીનાકીનભાઈ છેલ્લાં પાંચ વર્ષમાં શાળામાં મોટી સંખ્યામાં વૃક્ષો ઉછેરી, બાળકોને રમતગમતનાં સાધનો પૂરાં પાડી સારું કાર્ય કરી રહ્યા છે.

મોટી કોરલ પુનિત આશ્રમમાં ટ્રસ્ટી તરીકે સેવા આપતા પ્રભાતસિંહ ચૌહાણ


ગામના વડીલ આગેવાન પ્રભાતસિંહ માલજીબાવા ચૌહાણનું પણ ગામ વિકાસમાં મહત્ત્વનું યોગદાન છે. વર્ષ 1979-80ની સાલમાં સરપંચ તરીકે 10 વર્ષ તેમજ ઉપસરપંચ પદે 5 વર્ષ રહ્યા હતા. હાલ તેઓ વડોદરા જિલ્લામાં આવેલા જાણીતા તીર્થ એવા પ.પૂ પુનિત મહારાજના આશ્રમ મોટી કોરલના ટ્રસ્ટી તરીકે 2007થી પૂ.આનંદ મહારાજના માર્ગદર્શનથી આશ્રમની મુખ્ય દેખરેખ રાખી રહ્યા છે. પ્રભાતસિંહ ચૌહાણ આજે 84 વર્ષની જૈફ વયે ગામ વિસ્તારનું ગૌરવ છે. વિસ્તારમાં આવેલી સહકારી અને સામાજિક, શિક્ષણ સંસ્થામાં રહી સંસ્થાના વિકાસમાં સહભાગી થયા છે. ગામમાં પાણીની પાઇપલાઇન નાંખી મીઠું પાણી પહોંચાડવામાં તેમનો મુખ્ય ફાળો રહ્યો છે.
દર વર્ષે ચોમાસું આફત બને છે
દર વર્ષે કીમ નદીમાં ઘોડાપૂર આવતાં કીમામલી ગામ બેટમાં ફેરવાય છે. ગામ બે-ત્રણ દિવસ સુધી સંપર્કવિહોણું બને છે. લોકોનાં ઘરનાં પગથિયાં સુધી નદીના પાણી પહોંચે છે. હળપતિવાસ સહિત નીચાણવાળા વિસ્તારનાં ઘરોમાં પાણી ભરાતાં મોટું નુકસાન થાય છે. ખેતીના પાકને ભારે નુકસાન થતાં ખેડૂતોને મોટી નુકસાની વેઠવાનો વારો આવે છે.
વર્ષોપુરાણું રણછોડજી મંદિર આસ્થાનું પ્રતીક
ગામની મધ્યમાં વર્ષોજૂનું રણછોડજીનું મંદિર આવેલું છે. આ મંદિરે દૂર દૂરથી આવતા ભક્તોની ભીડ જામતી, પગપાળા સંઘો આવતા હતા. જેથી મંદિર આસ્થાનું કેન્દ્ર છે. ગામના ચંદ્રસિંહ મોહનસિંહ, અર્જુનસિંહ સોમસિંહ, પ્રભાતસિંહ કાળાભાઈ, ઈશ્વરસિંહ ગંભીરસિંહ, પ્રભાતસિંહ માલજીબાવા જયપુરથી રણછોડજીની પ્રતિમાં લાવી બહાદુરસિંહ ગોમાનસિંહ ઠાકોરના હસ્તે પ્રાણપ્રતિષ્ઠા થઈ. જેના પ્રથમ પૂજારી તરીકે નાથુરામ દયારામે રણછોડજી મંદિરની સેવા કરી હતી. વર્ષો અગાઉ પતરાના શેડમાં જોવા મળતું મંદિર આજે સુંદર અને ભવ્ય જોવા મળે છે. અહીં આશાપુરી માતા અને મહાકાળી માતા બિરાજમાન છે. હાલ કિરણસિંહ સોલંકી મંદિરનો વહીવટ કરે છે.
20 સીસીટીવી કેમેરાથી સજ્જ ગામ
કીમામલી ગામ ઓલપાડનું છેવાડાનું અને ઓલપાડ, હાંસોટ અને માંગરોળ તાલુકાની હદને અડતી હોય એવું નદી કિનારાનું ત્રિકોણીયું ગામ છે. કીમ જીઆઇડીસીનો વધતો વિસ્તાર અને વસતી તેમજ નદી કિનારાનું ગામ હોવાથી ચોરીનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. સરપંચ દિલીપસિંહ, ઉપસરપંચ સુરેન્દ્રસિંહ સહિત પંચાયત શાસકોની કટિબદ્ધતાથી 20 જેટલા સીસીટીવી કેમેરા ગામમાં મુકાયા છે. જેથી ચોરીનું પ્રમાણ નહીંવત થયું છે અને ગામની સુરક્ષામાં વધારો થયો છે.
વર્ષોથી ગામમાં એસટી બસ નથી આવી, પણ હવે બુલેટ ટ્રેન પસાર થશે
દેશને આઝાદી મળ્યા બાદ ગામને એસટી બસ સેવા મળી નથી. સમ ખાવા પૂરતી સરકારની એસટી બસ એકાદ મહિનો ગામમાં આવી હતી. ત્યારે વર્ષોથી જે ગામમાં એસટી બસ આવી નથી એ ગામમાં નજીકનાં વર્ષોમાં બુલેટ ટ્રેન પસાર થશે. જે બાબત ઉલ્લેખનીય છે. ગામના 15 જેટલા ખેડૂતોની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગઈ છે. જેથી કીમામલી ગામને અડીને પંચાયત પાછળથી બુલેટ ટ્રેન જશે. પિલરની મોટા ભાગની તમામ કામગીરી પણ પૂર્ણતાના આરે છે. ત્યારે વર્ષોથી જે ગામે એસ.ટી. બસ ગામમાં જોઈ નથી એ ગ્રામજનો હવે રોજ બુલેટ ટ્રેનને એકદમ નજીકથી નિહાળશે.
પૂ.રંગ અવધૂતજીનું સાંનિધ્ય પ્રાપ્ત કરનાર 78 વર્ષીય છીતુભાઈ (છત્રસિંહ) ઠાકોર

ગામના વતની, નિવૃત્ત ક્લાર્ક અને હાલમાં કીમ રહેતા રંગભક્ત છીતુભાઈ ઠાકોર (છત્રસિંહ)એ નારેશ્વરના પ.પૂ. સંત શ્રી રંગ અવધૂતજી મહારાજના સાંનિધ્યમાં રહીને જે સંતસેવા, સાધના અને ભજનાનંદનો પરમ અવસર પ્રાપ્ત કર્યો છે તે તેમના જીવનનો એક અધ્યાત્મમય અધ્યાય છે. નારેશ્વર ધામ ખાતે અવધૂતજીના સાંનિધ્યમાં રહીને દતબાવની આરાધના, રંગભજન અને અવધૂતી આનંદ અને મસ્તીની અનુભૂતિ તેઓએ કરી છે. પૂ.અવધૂતજી જ્યારે સુરતના કુંભારીયા ગામે સ્વ.મગનભાઈ પટેલ (દાજી)ના નિવાસે પધાર્યા ત્યારે છીતુભાઈ ઠાકોરે પોતાના જીવનનો અમૂલ્ય સમય બાપજીની સેવામાં સમર્પિત કર્યો. 22 મે-1963થી 20 જૂન-1963 આ પૂર્ણ એક માસ તેઓ સેવારત રહ્યા. જ્યાં તેમણે અવધૂતજીની નિત્ય ક્રિયાઓ, મૌનના મહિમા અને ભક્તિની ઊર્મિઓને પળેપળ નિહાળી છે. તેઓ જણાવે છે કે, જ્યાં પૂ.અવધૂતજીનો એક શબ્દ યોગ હતો, એક નજર ઉદ્ધાર હતી અને એક ભજન અમૃત હતું. આજે પણ એ અનુભવો તેમના હૃદયમાં ઝીલાઈ રહ્યા છે. 78 વર્ષની ઉંમરે પહોંચેલા છીતુભાઈ આજે નિવૃત્તિમય જીવનમાં નવીનભાઈ પટેલ (ઉમલ્લા) દ્વારા સંચાલિત સંગીતમય દત્તબાવની મંડળના સભ્ય છે. છેલ્લાં 10 વર્ષમાં ગુજરાત ઉપરાંત હરિદ્વાર, મહારાષ્ટ્ર, કર્ણાટક સહિત રાજ્ય વિસ્તારમાં અત્યાર સુધી 405 સ્થળે બાવન દત્તબાવનીના સંગીતમય પાઠો કરી શેષ જીવન પ્રભુ ભક્તિમાં વિતાવી રહ્યા છે.

Most Popular

To Top