નડિયાદ: મહુધા તાલુકાના વડથલ ગામમાં રહેતાં ત્રણ યુવકોએ ૧૪ વર્ષની કિશોરીને તેના પ્રેમી સાથે મળાવવાની લાલચ આપી કઠલાલ ચોકડી બોલાવ્યાં બાદ તેનું અપહરણ કરી એક મકાનમાં ગોંધી રાખી હોવાના બનાવમાં કોર્ટે ત્રણેયને કસુરવાર ઠેરવી પાંચ વર્ષની કેદ તેમજ રૂપિયા ૬૩ હજારનો દંડ ફટકાર્યો છે. મહુધાના વડથલ ગામમાં આવેલ મોટી ભાગોળ વિસ્તારમાં રહેતો ૨૫ વર્ષીય શકીલબેગ જોરબેગ મીર્ઝા, ૩૪ વર્ષીય યાસીનબેગ જહીરબેગ મીર્ઝા અને ૩૫ વર્ષીય હૈદરબેગ મહંમદબેગ મીર્ઝાએ તારીખ ૨ માર્ચ ૨૦૨૧ ના રોજ ૧૪ વર્ષીય કિશોરીને તેના પ્રેમી સાથે મળાવવાના બહાને કઠલાલ ચોકડી બોલાવી હતી. જે બાદ આ ત્રણેય યુવકોએ કિશોરીનું અપહરણ કરી મહેમદાવાદના વરસોલા ગામની સીમમાં આવેલા લાલ બંગલા તરીકે ઓળખાતા મકાનમાં ગોંધી રાખી હતી. દરમિયાન શકીલબેગ કિશોરીને વડથલ ગામની સીમમાં આવેલ કેનાલ ઉપર લઈ ગયો હતો અને ત્યાં અડપલાં કરી આબરૂ લેવાની કોશીષ કરી હતી. તે વખતે કિશોરીએ આનાકાની કરતાં ઉશ્કેરાયેલાં શકીલબેગે જાતિવિષયક અપશબ્દો બોલી ઝપાઝપી કરી હતી. જેમાં કિશોરીને ઈજા પહોંચી હતી.
આ અંગેની ફરીયાદ કઠલાલ પોલીસમથકમાં નોંધાતાં પોલીસે ત્રણેય યુવકો સામે ઈ.પી.કો કલમ 363, 366, 120-B, 365, 354 (ક) (1), પોક્સો એક્ટની કલમ 12 તેમજ એટ્રોસીટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો. જે બાદ ગણતરીના દિવસોમાં જ ત્રણેયની અટકાયત કર્યા બાદ પોલીસે નડિયાદ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી. આ કેસ નડિયાદના એડી.સેસન્સ ન્યાયાધીશ ડી આર ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો. દરમિયાન સરકારી વકીલ ધવલ આર બારોટે રજુ કરેલાં ૧૨ સાક્ષીઓ, 10 દસ્તાવેજી પુરાવાઓ તેમજ ધારદાર દલીલોને ધ્યાનમાં રાખીને ન્યાયાધીશે ત્રણેય આરોપીઓને કસુરવાર ઠેરવી પાંચ વર્ષની સખત કેદની સજા અને રૂપિયા 63 હજારનો દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત કોર્ટે ત્રણેય આરોપીઓને રૂપિયા 21-21 હજાર મળી કુલ રૂપિયા 63 હજારનો દંડ ફટકાર્યો છે. દંડની આ રકમ પૈકી રૂપિયા 20 હજાર ભોગ બનનાર કિશોરીને ચુકવવામાં આવશે. જ્યારે સરકાર તરફથી ભોગ બનનાર કિશોરીને 50 હજાર રૂપિયા ચુકવાશે.
- કયાં ગુનામાં કેટલી સજા ?
- ઈપીકો કલમ ૩૬૩, ૧૧૪ સાથે વાંચતા કલમ ૧૨૦બી ના ગુનામાં તમામ આરોપીઓને પાંચ વર્ષની સખત કેદ તથા રૂ.૫૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદની સજા
- ઈપીકો કલમ ૩૬૫, ૧૧૪ સાથે વાંચતા કલમ ૧૨૦બી ના ગુનામાં તમામ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.૩૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા
- ઈપીકો કલમ ૩૬૬, ૧૧૪ સાથે વાંચતા કલમ ૧૨૦બી ના ગુનામાં તમામ આરોપીઓને પાંચ વર્ષની સખત કેદ તથા રૂ.૫૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૧ વર્ષની સાદી કેદની સજા
- ઈપીકો કલમ ૩૫૪(ક)(૧), ૧૧૪ સાથે વાંચતા કલમ ૧૨૦બી ના ગુનામાં તમામ આરોપીઓને ત્રણ વર્ષની સખત કેદ તથા રૂ.૩૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૬ માસની સાદી કેદની સજા
- એટ્રોસીટી એક્ટની કલમ ૩(૧)(ડબલ્યું)(૧)(૨) ના ગુનામાં તમામ આરોપીઓને બે વર્ષની સખત કેદ તથા રૂ.૨૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૭ દિવસની સાદી કેદની સજા
- એટ્રોસીટી એક્ટની કલમ ૩(૨)(૫-અ) ના ગુનામાં તમામ આરોપીઓને એક વર્ષની સખત કેદ તથા રૂ.૧૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૧ માસની સાદી કેદની સજા
- પોક્સો એક્ટની કલમ ૧૨ ના ગુનામાં તમામ આરોપીઓને બે વર્ષની સખત કેદ તથા રૂ.૨૦૦૦ નો દંડ, જો દંડ ન ભરે તો વધુ ૩ માસની સાદી કેદની સજા