Business

કાળુડી કૂતરીને આવ્યાં ગલુડિયાં…!

ભાગ્યે જ એવો કોઈ ‘બાળ-મર્દ’ હશે કે, જેણે નિશાળના પહેલા દિવસે રડતાં-રડતાં શાળામાં પગલાં ના પાડ્યાં હોય..! રડ્યા વગર આ દુનિયામાં અવાય નહિ, એમ ભેંકડો તાણ્યા વગર નિશાળમાં જવાય નહિ. મને પણ ધામધૂમથી શાળામાં જમા કરાવવા લઇ ગયેલા, પણ શિક્ષકો કંટાળી ગયેલા, એટલે બે જ કલાકમાં ધામધૂમથી પાછા ઘરે મૂકવા આવેલા. ઠોઠ નિશાળિયાને વરતણાં ઘણાં હોય એમ, ક્યાં તો નિશાળ નહિ ગમતી, ક્યાં તો શિક્ષક નહિ ગમતા. વાસ્તવમાં શિક્ષકોને જ હું નહિ ગમતો. હાલત એવી થઇ જતી કે, નિશાળે જાઉં તો શિક્ષક મારતા, ને ઘરે રહું તો ઘરવાળા લાકડી કાઢતા. એના કપાળમાં કાંદા ફોડું, ટકા લાવવા કરતાં, ‘ટકો’ વધારે વાર કરવો પડતો..! પણ ભણવામાં આવતી કવિતાઓ અમારો હોંશલો વધારી દેતી.

કવિતા હોય કે, ગાયન હોય, ખોરાક હોય કે, પહેરવેશ હોય, બોલ-ચાલ હોય કે, હાલ-હવાલ હોય, ઠેર ઠેર ભેળસેળ તો રહેવાની. ચલાવી લેવાનું. કહેવાય છે ને કે, માણસને કૂતરો કહેવાય, કૂતરાને માણસ કહીએ તો અભદ્ર લાગે. માટે બહુ વાંધા-વચકા નહિ કાઢવાના. ધનુર ઉપડે..! પાડ માનવો પરમેશ્વરનો કે, આપણું ગાડું ગબડે છે ને..? ફરતેથી સળગેલું હોય તો કેટલાનું ટાઢું પાડવા જવાના..? તંઈઈઈઈ..? અમે ભણતા ત્યારે કવિતાનો શું રૂઆબ હતો? આજે તો કેટલીક કવિતા સમજવા, ચાર-પાંચ વેકેશન ભાડે રાખ્યા હોય તો પણ એના શબ્દો નહિ સમજાય. શબ્દો તો સંવેદનાથી ભરેલા હોય. એને છંછેડવા-છાવરવા- છેતરવા કે છુપાવીને છલકાવવાથી સાથિયા નહિ પુરાય. ચુટકીમાં સમજાય એવા હોતા નથી. પ્રાથમિક શાળામાં ભણતા ત્યારે, દાઢે વળગી જાય એવી કવિતા આવતી. સાદા ઢોસા, ઈડલી કે બાફેલાં ઇંદડાં જેવા એમાં શબ્દો રહેતા ને ટેસ્ટી લાગતા. આ બાળગીત યાદ આવે છે..?

રીંછ એકલું ફરવા ચાલ્યું હાથમાં લીધી સોટી,
સામે રાણા સિંહ મળ્યા, આફત આવી મોટી
કવિતા ભણતા ત્યારે રીંછને ખોળામાં લઈને બેઠા હોય, એવો ભાવ જાગતો. ભલે અમે ગંધારા જેવા ભણવા જતા, પણ કવિતાઓ અમને ખભે ઉપાડી લેતી. અમારી સ્વજન હોય એમ, રડારોળને ટાઢી પાડી દેતી. મને કહો ને પરમેશ્વર કેવા હશે, આ તો કેવી અજબ જેવી વાત છે, મારો છે મોર મારો છે મોર, મોતી ચરંતો મારો છે મોર, મંગલ મંદિર ખોલો, એક બિલાડી જાડી, તેણે પહેરી સાડી, કાળુડી કૂતરીને આવ્યાં ગલુડિયાં, ચાર કાબરાં ને ચાર ભુરીયાં હોજી, વગેરે વગેરે …! આજે પણ આ કવિતાઓ અમારા હોઠ ઉપર લટકે છે..!

મગજમાં માળો બાંધીને સચવાયેલી છે બોલ્લો..! અમારી શાળા-શિક્ષક-વર્ગ ખંડ અને અમારા બાળ ભૈરવ દોસ્તો, કવિતાઓને કારણે હૈયામાં જીવંત છે. હજી ભુલાયાં નથી. કાળુડી કૂતરીવાળી કવિતા તો એવી જચી ગયેલી કે, અમે ઉંમરના કાંઠે પહોંચ્યા પીછો મૂક્યો નથી. કૂતરાઓ આજે પણ ઘરની ચોકીદારી કરે..! રસ્તે કોઈ ગલુડિયાં જોવા મળે તો, BMW ગાડીમાંથી ઊતરીને પણ ગલુડિયાં ને ગલગલિયાં કરવાની ઉપડે..! એટલે તો અમે ‘વિશ્વ કૂતરા દિવસ’ ક્યારેય ઉજવ્યો નથી. એ કઇડે, ભસે તો પણ અમે ક્યારેય એમને કઇડા નથી કે, એની જેમ ભસ્યા નથી..! આવો છે અમારો શ્વાન-પ્રેમ..! આ કવિતા માટે ચોક્કસ રાષ્ટ્રીય શાયર સ્વ. ઝવેરચંદ મેઘાણી સાહેબને યાદ કરવા પડે. કારણ કે, ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલુડિયાં’ વાળી કવિતા એમણે રચેલી.

કેટલીય સંવેદનાઓ ભેગી કરીને આ કવિતા લખી હશે, એ તો મેઘાણીસાહેબ જાણે, પણ એક વાત કહેવી પડે કે, મેઘાણી સાહેબ દીર્ઘદ્રષ્ટા હતા. એ વિના આજપર્યંત આ કવિતા જીવંત નહિ રહે..! વરસો પહેલાં આ કવિતા લખાઈ હોવા છતાં, આજે પણ તરોતાજા લાગે..! કોઈ પણ પ્રસંગ પકડો, એમાં ગમે તે રંગના ગલુડિયાં ‘ફીટ’ થઇ જાય. હમણાં જ ચૂંટણી ગઈ ને..? એનાં પરિણામ જોઈએ તો અંદાજ આવશે કે, એમાં પણ ચાર કાબરા ને ચાર ભુરિયાંની જ સરકાર બની છે ને..? આ તો એક હસવાની વાત..!

જ્યારે જ્યારે આ કવિતા મગજ ઉપર હુમલો કરે ત્યારે, મને પેલી કચ્છીમાડુ સંગીતકાર કલ્યાણજી આણંદજીની બેલડી યાદ આવી જાય. એટલા માટે કે, ૧૯૫૪ માં બનેલી ‘નાગિન’ ફિલ્મમાં એમનું એક ગાયન આવેલું, “મન ડોલે તેરા તન ડોલે..! ”.
આ ગીતની ધૂન એવી લોકપ્રિય બનેલી કે, દુનિયાને ડોલાવી દીધેલી. મરણપથારીએ સૂતેલો માણસ પણ આ ધૂન સાંભળે એટલે મોત ખંખેરીને ઊભો થઇ જતો, એવો એમાં જાદુ હતો.

‘કાળુડી કૂતરીને આવ્યાં ગલુડિયાં’ કવિતામાં પણ એવો જાદુ છે..! એટલે તો આ કવિતા આજે પણ લોકજીભે ફૂટબોલની જેમ રમે છે બોલ્લો..! ગાયક પ્રફુલ્લ દવેના કંઠે આ કવિતા એક વાર સાંભળવા જેવી છે. એવા મધુર ભાવથી ગાઈ છે કે, કાનમાં બેસીને કોઈ હળવેકથી પીંછું ફેરવતું હોય એવું લાગે. બે-ચાર ગલુડિયાંને ખોળે લઈને સાંભળવાનું મન થાય. આપણું શૈશવ યાદ અપાવી જાય દાદૂ..! કેટલીક કવિતાઓ બનતી નથી, પણ બની જાય છે, એવી કવિતા એટલે ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલુડિયાં..!’ કવિતાનો વૈભવ જ એટલો ઊંચો કે, રસ્તે રઝળતાં ગલુડિયાં પણ, આપણા રેશનકાર્ડના સભ્યો હોય એવું ‘ફીઇઈલ’ થઇ આવે.

આવી કવિતાઓ હતી એટલે તો, નિશાળમાં જવું ગમતું ને ભણવું પણ ગમતું. એટલું જ નહિ, જે ધોરણમાં એ કવિતા ચાલતી હોય, એમાં નાપાસ થઈને પડી રહેવાની લાલચ પણ થઈ આવતી. મઝા ત્યાં આવતી કે, એક બાજુ આ કવિતા ચાલતી હોય અને બીજી બાજુ, ગલુડિયાં પરિવાર સાથે શાળાના ઓટલે જ ધામો નાખીને પડ્યાં હોય. જાણે અમારી સાથે જ તેઓ ભણતાં હોય એવું લાગતું. અમને જીવદયા સાથે પ્રાણીપ્રેમના શિક્ષણ પણ મળતા. એક વાર અમારા ચમનિયાને પણ આવી કવિતા લખીને મશહુર કવિ થવાનો ચસ્કો જાગ્યો. હું સંપૂર્ણ જીવદયામાં માનતો હોવાથી, એમણે લખેલી આખી કવિતા અત્રે વ્યકત કરવાની હિંમત કરતો નથી. પણ માત્ર બે જ લીટીનું રસપાન કરાવું.
ભૂખરી ભેંસનું મોઢું ચોઈણાની કોર
કાળમેઘ વાદળી ને ચાંદની ચકોર

આમાં તમને કંઈ સમજ પડી..? મને નહિ પડી તો તમને ક્યાંથી પડવાની? એના કપાળમાં કાંદા ફોડું, ગીતને સમજવા માટે (મળતો હોય તો ) શબ્દોનો પણ અર્થશાસ્ત્રી શોધવો પડે એવી ઝેરી કવિતા..! સમય સમયના ખેલ છે દાદૂ..! બધું જ ભમ્મ ચીકાચીક..ભમ્મ ચીકાચીક ચાલતું હોય એમાં, ચમનિયો પણ શું કરે..? ફરક આપણને પડે, મીઠી મીઠી વાતમાં સુગર વધે ને મગજ છટકે એટલે પ્રેશર વધે..! સંગીતમાં પણ એવું જ…! ચાહ કરતાં કીટલી વધારે ગરમ..! સંગીત કરતાં ઘોંઘાટનો વઘાર વધારે..! કાંદો-ટામેટું-બીટ-કોબીઝ-દૂધી-ચીભડું-કાકડી ભેગું કરીને ‘‘Salad-song’ બનાવ્યું હોય એમ, એવા ફૂંફાડા મારે કે, છેલ્લી ઓવર રમતા ડોહાઓની વાટ લગાવી દે..!

ક્યાં આપણા જુનાં ગીતો ને ક્યાં ઘોંઘાટવાળી ધમ્માલ..? આજનાં ગીતો ગમે એટલી વખત સાંભળો તો પણ, દાળ-ભાત ઝાપટ્યા પછી આવતા ઓડકાર જેવો, ઓડકાર તો નહિ જ આવે. એરેન્જ મેરેજ ને લવ મેરેજ જેટલો તફાવત..! સાવ એવું પણ નથી કે, આજની કવિતાઓમાં પ્રાણ નથી, એ અર્વાચીન છે, છાંદસ પણ છે, પણ પ્રાચીન કવિતાના પ્રમાણમાં લાંબુ કાઠું માંડ થોડાં કાવ્યો કાઢે. કવિતાને પણ ચોઘડિયાના ગ્રહણ લાધતાં હોય એમ, કવિતાના એવા કેકારવ થાય કે, કાન પણ ‘ Incoming free’ ની સુવિધા બંધ કરી દે..! ત્યારે ‘કાળુડી કૂતરી’વાળું ગીત આજે પણ સો ટચના સોના જેવું. એવું શુકનિયાળ કે છેલ્લા શ્વાસ સુધી સાથ નહિ છોડે.

પણ ઠરીઠામ થવામાં જો કોઈનો સિંહફાળો હોય તો ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલુડિયાં, ચાર કાબરાં ને ચાર ભુરિયાં હોજી..!’ વાળી કવિતાનો..! અમે પણ ગલુડિયાં જેવા જ, એટલે ગલુડિયાંની કવિતા વધારે ફાવતી. કવિતાનો પાવર પણ એટલો સોલ્લીડ કે, ડબલ પાવરની સોડા જેવો..! આ કવિતાને મોંઢે કરવા માટે, કયા શિક્ષકના કેટલા સોટા ખાધેલા, એની સ્મૃતિ હજી અખંડ છે. અમે નિશાળના ‘D-student’ ( D એટલે કે, ડફોળ વિદ્યાર્થી..! ) કહેવાતા. વર્ગ ખંડમાં ‘ Out standing’ વિદ્યાર્થી તરીકે અમારી નામના હતી યાર..! ( Out standing વિદ્યાર્થી એટલે “ક્લાસમાં ભણવા કરતાં ક્લાસની બહાર ઊભા રહેવામાં જ અમારા પીરીયડ પૂરા થતાં..!) આખું ‘રાષ્ટ્રગીત’ ગાવું હોય તો, આજે પણ મથવું પડે, બાકી કાળુડી કૂતરી…વાળી કવિતા તો ઊંઘમાંથી ઉઠાડીને પૂછો તો પણ આજેય ફફડાવી નાંખીએ. સમય જતાં સોટાના સોળ તો જતા રહ્યા, પણ ગલુડિયાંનો પરિવાર હજી મારા વાહન પાછળ દોડે છે..! માણસ ભલે ને ઈંગ્લીશ મીડીયમમાં ભણ્યો હોય તો પણ ‘હઅઅઅઅડ’ નું અંગ્રેજી એને આવડતું નથી. પણ ‘કાળુડી કૂતરીને આવ્યાં ગલુડિયાં’ વાળી કવિતા સંભળાવો તો કદાચ, વાહન પાછળ દોડતું અટકી જાય..! ટ્રાઈ કરવા જેવી..!

લાસ્ટ બોલ
પૃથ્વી ગોળ છે, એનું એક ઉદાહરણ આપો..!
ઉંદર બિલાડીથી ડરે
બિલાડી કૂતરાથી ડરે
કૂતરો માણસથી ડરે
ને કહેવાય છે કે, માણસ પત્નીથી ડરે
ને પત્ની ઉંદરથી ડરે…! આખો ચકરાવો પૂરો, એટલે પૃથ્વી ગોળ છે.
તારા કપાળમાં કાંદા ફોડું..!
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top