ત્રણ કિમી રસ્તા પર ખાડા અને ઉખડેલી કપચીથી અકસ્માતનો ખતરો વધ્યો
દસ વર્ષથી માર્ગ સુધારણા નહીં, ગ્રામજનોમાં રોષ અને ચૂંટણીમાં પડઘાની શક્યતા
નસવાડી: નસવાડી તાલુકાના કાળીડોળીથી કોસીન્દ્રા તરફ જતો માર્ગ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં હોવાથી વાહનચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આશરે ત્રણ કિલોમીટર લાંબા આ માર્ગ પર ખાડાઓ અને ઉખડેલી કપચી-મેટલના કારણે રોજિંદી અવરજવરમાં જોખમ ઉભું થયું છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, રસ્તાની હાલત એટલી ખરાબ છે કે વાહનના ટાયરમાં કપચી વાગતાં ટાયર પંક્ચર થવાની ઘટના સામાન્ય બની ગઈ છે. ખાડામાં વાહન પટકાતાં ચાલકો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવી બેસે છે, જેના કારણે અકસ્માત અને ઈજાના બનાવો પણ બન્યા છે.
આ માર્ગ લગભગ 10 જેટલા ગામોને જોડે છે, છતાં છેલ્લા 10 વર્ષથી કોઈ સુધારણા કામગીરી કરવામાં આવી નથી. ગ્રામજનો દ્વારા પંચાયત માર્ગ અને મકાન વિભાગની નસવાડી કચેરીમાં અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા લોકોમાં રોષ ફેલાયો છે.
સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે કે તંત્રના અધિકારીઓ રસ્તાની મુલાકાત પણ લેતા નથી. સતત અવગણનાથી કંટાળેલા ગ્રામજનો હવે આવનારી ચૂંટણીમાં નેતાઓને સબક શિખવાડવાની તૈયારીમાં છે, જેના પડઘા રાજકીય સ્તરે જોવા મળી શકે છે.
રિપોર્ટર: સર્વેઝ મેમણ