કાલોલ:
ઇસ્લામ ધર્મના સ્થાપક અને અંતિમ પૈગમ્બર હજરત મુહમ્મદ સાહેબના દોહિત્ર હજરત ઇમામ હુસેનએ સત્યતાની કાજે ઈરાકના રેતાળ પ્રદેશ(કરબલા)ના તપતા મેદાનમાં યુધ્ધ ખેલી પોતાના ૭૨ પરિવારજનો અને સાથીદારો સાથે ભવ્ય શહિદી પામી ઇતિહાસના પાને અમર થઈ જતાં આ ભવ્ય બલિદાન યાદમાં સદીઓ વિત્યા છતાં આજે પણ સમગ્ર વિશ્વના મુસ્લિમ સંપ્રદાયના લોકો દ્વારા પરંપરાગત રીતે મોહર્રમ પર્વની ઉજવણી કરે છે અને તે ભાગરૂપે શહિદોની યાદ માં દર વર્ષે મોહર્રમ માસમાં તાજીયા બનાવવામાં આવે છે. કાલોલના તાજીયામાં અનેક પ્રકારની કલાત્મકતા દર્શાવવામાં આવે છે. તેમાં વિવિધ સજાવટો કરવામાં આવે છે.જો કે મોહર્રમ માસની ૯મી તથા ૧૦મી તારીખે આ તાજીયા (ઝરી) પોત પોતાના વિસ્તારમાંથી સરઘસ કાઢીને કાલોલ જુમ્મા મસ્જિદ પાસે નુરાની ચોકમાં દર્શાનાર્થે ખુલ્લા મુકવામાં આવે છે. નુરાની ચોકમાં મોહર્રમ માસની ૧૦ તારીખે યૌમે આશુરા આ દિવસે કરબલા ખાતે બનેલી આ કરૂણગાથાના માનમાં ધીરીધારે વરસતા વરસાદમાં યા હુસેન યા હુસેન નારા સાથે નાતેપાક, મનકબત, સલાતો સલામ, હુસેનની મહેફિલો યોજાઈ હતી અને શહિદોની સ્મૃતિમાં ઠેર ઠેર જાહેર સબિલો રચવામાં આવી હતી. નિયાઝે હુસેનની સરબત, ઠંડા પાણી, દૂધ કોલડ્રીકસ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

અશરની નમાજ અદા કરી સલાતો સલામ બાદ અલવિદા પડી નુરાની ચોકમાથી તાજીયાનું જુલુસ દરગાહ રોડ થઈ કાલોલ પોલીસ સ્ટેશન પાસે મામલતદાર કચેરીએ પહોંચી નાના મોટા બધાજ તાજીયા (ઝરી) ઉપર ગુલાબ જળ છાંટી યા હુસેન યા હુસેનના બુલંદ નારા સાથે ઠંડા કરીને વિવિધ જગ્યાઓ પર વિસર્જન કરવા લઇ જવામાં આવ્યા હતા. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષાના ભાગરૂપે આજે કાલોલ પોલીસ સ્ટેશનના સીનીયર પીઆઇ આરડી ભરવાડ, પીએસઆઇ એલએ પરમાર,પી.એસ.આઈ. પી.કે ક્રિશ્ચયન સહિત પોલીસ જવાનો દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.