• મેગા ડિસકનેક્શન ડ્રાઈવના પ્રથમ દિવસે 524 ગ્રાહકોએ ભર્યા બાકી વીજ બિલ
• ચુકવણી ન કરનાર 72 ગ્રાહકોના કનેક્શન કપાયા, 25ના મીટર ઉતારાયા
કાલોલ, તા.14
મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આક્રમક અભિગમ અપનાવવામાં આવ્યો છે. કાલોલ નગરમાં તા.13 માર્ચથી શરૂ કરાયેલી **‘મેગા ડિસકનેક્શન ડ્રાઈવ’**ના પ્રથમ જ દિવસે તંત્રને મોટી સફળતા મળી છે. વીજ કંપનીએ કડક કાર્યવાહી કરતા એક જ દિવસમાં કુલ ₹19.41 લાખની વસૂલાત કરી છે.
ઝુંબેશ શરૂ કરતા પહેલા MGVCL દ્વારા શહેરમાં રિક્ષા ફેરવી, માઈક દ્વારા જાહેરાત કરી અને ચોપાનિયાં વહેંચીને ગ્રાહકોને બાકી બિલ સમયસર ભરવા માટે અગાઉથી સૂચના આપવામાં આવી હતી.
માહિતી મુજબ કુલ 664 ગ્રાહકો પાસેથી ₹26.54 લાખ જેટલી રકમ વસૂલ કરવાની હતી. જેમાંથી 524 ગ્રાહકોએ ઓનલાઇન અથવા કેશ કાઉન્ટર મારફતે ₹19.41 લાખ જમા કરાવ્યા, જેથી વીજ કંપનીને સફળ વસૂલાત મળી છે.
તેમ છતાં ચેતવણી આપ્યા બાદ પણ બિલ ન ભરનાર ગ્રાહકો સામે MGVCLએ કડક કાર્યવાહી હાથ ધરી છે. જેમાં 72 ગ્રાહકોના વીજ કનેક્શન કાપી નાખવામાં આવ્યા, જેમની બાકી રકમ આશરે ₹1.54 લાખ હતી. ઉપરાંત 25 ગ્રાહકોના વીજ મીટર પણ ઉતારી લેવામાં આવ્યા, જેમની બાકી રકમ ₹0.81 લાખ જેટલી હતી.
MGVCL દ્વારા જણાવાયું છે કે આ વસૂલાત અભિયાન તા.31 માર્ચ સુધી ચાલુ રહેશે. બાકીદારોને તાકીદ કરવામાં આવી છે કે તેઓ વહેલી તકે બાકી બિલની ચુકવણી કરી દે, અન્યથા કડક કાર્યવાહી કરવામાં આવશે.
રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા