Kalol

કાલોલની યુવતી પાસેથી કોરા કાગળોમાં સહીઓ કરાવી ગેરકાયદે લગ્ન રજીસ્ટર કરાવ્યાનો આક્ષેપ

તલાટી કમ મંત્રી, નોટરી સહિત 6 સામે ગંભીર આરોપો; યોગ્ય તપાસની માંગ
કાલોલ |
ગુજરાત રાજ્યમાં કેટલીક ગ્રામ પંચાયતોમાં તલાટી કમ મંત્રી અને મળતીયાઓ દ્વારા ગેરકાયદે રીતે લગ્ન રજીસ્ટર કરાવવાના રેકેટ અંગે ચર્ચાઓ ચાલી રહી છે, ત્યારે કાલોલમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. કાલોલના રાણાવાસ વિસ્તારમાં રહેતી યુવતી અંજલી સુરેશભાઈ રાણાએ જિલ્લા પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર, ગૃહમંત્રી તેમજ કાલોલ પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી કરી તલાટી કમ મંત્રી અને નોટરી સહિત કુલ છ ઇસમો સામે ગંભીર આક્ષેપો કર્યા છે.
અરજદાર યુવતીએ આરોપ લગાવ્યો છે કે આરોપી હાર્દિક અશોકભાઈ રાણા અને તેના બે મિત્રો ઘનશ્યામ પ્રદીપભાઈ કાછીયા તથા ઉત્તમ ભોગીલાલ કુશવાહ, તેમજ ગોર મહારાજ નરેશ રતીલાલ પુરોહિત (રે. દેવા તટપદ, તા. સોજીત્રા, જી. આણંદ), ઘુંડી તા. ઠાસરા ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી અને ગોધરાના એડવોકેટ નોટરીએ મળીને કાવતરું રચ્યું હતું. કોઈ પણ પ્રકારના લગ્ન થયા ન હોવા છતાં, યુવતીને અંધારામાં રાખી, ધમકી આપી અને કેફી પદાર્થ પીવડાવી કોરા કાગળો અને સોગંદનામા પર સહીઓ કરાવવામાં આવી હતી.
યુવતીએ આક્ષેપ કર્યો છે કે તેની મિત્રતાનો લાભ લઈ આરોપી હાર્દિક રાણાએ દસ્તાવેજો મેળવી, નોટરી સાથે સાંઠગાંઠ કરી, ખાલી વિગતો રાખેલા સોગંદનામા પર સહીઓ કરાવી અને ખોટી રીતે હિન્દુ વિધિથી લગ્ન થયાનું દર્શાવી તા. 11/03/2024ના રોજ ધુંડી તા. ઠાસરા ખાતે લગ્નનું સર્ટિફિકેટ બનાવડાવ્યું હતું. વધુમાં, તલાટી કમ મંત્રી પાસેથી મળેલી પ્રમાણિત નકલોમાં પણ ચેડા કરાયા હોવાનું યુવતીએ જણાવ્યું છે.
યુવતીએ સ્પષ્ટ કર્યું છે કે તેણીએ કોઈ બ્રાહ્મણ કે સાક્ષી રૂબરૂ લગ્ન કર્યા નથી. આ અંગે તેણીએ સોગંદનામું પણ આપ્યું છે. ગત તા. 30/08/2024ના રોજ ઘુંડી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દ્વારા આરોપી હાર્દિક રાણાને ખુલાસો કરવા નોટિસ આપવામાં આવી હતી, છતાં આજદિન સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
યુવતી અને તેના પરિવારે માંગ કરી છે કે તલાટી કમ મંત્રી દ્વારા અત્યાર સુધી કેટલા લગ્ન રજીસ્ટર કરાયા છે, તેમાં કેટલા વિવાદિત છે અને શું વાસ્તવમાં બ્રાહ્મણ તથા સાક્ષીઓ હાજર હતા—તે તમામ બાબતોની સઘન અને નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. સમગ્ર મામલે હવે કાલોલ પોલીસ અને વહીવટી તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર ટકેલી છે.

રિપોર્ટર: વીરેન્દ્ર મહેતા

Most Popular

To Top