‘હિન્દ બ્રિક્સ’ના માલિક સામે બાળ શ્રમ કાયદા હેઠળ ગુનો દાખલ
જિલ્લા ટાસ્ક ફોર્સની કાર્યવાહીથી બાળ મજૂરી કરાવતા તત્વોમાં ફફડાટ
કાલોલ:
પંચમહાલ જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી અભિયાન હેઠળ જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં રચાયેલી જિલ્લા બાળ મજૂર ટાસ્ક ફોર્સ દ્વારા કાલોલ તાલુકાના ફતેપુરી ગામે આવેલી ઈંટોના ભઠ્ઠા પર દરોડો પાડીને બે બાળ શ્રમિકોને મુક્ત કરવામાં આવ્યા હતા. અત્યંત કાળઝાળ ગરમી વચ્ચે મજૂરી કરતા 10 વર્ષીય એક બાળક અને 14 વર્ષીય એક તરુણને સ્થળ પરથી બચાવી સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
પંચમહાલ જિલ્લા સરકારી શ્રમ અધિકારી પ્રિયંકાબેન બારીયા, મદદનીશ શ્રમ અધિકારી, સામાજિક કાર્યકર જનકભાઈ પરમાર, ગ્રામ વિકાસ ટ્રસ્ટ (ગોધરા)ના પ્રોજેક્ટ કો-ઓર્ડિનેટર મીનાક્ષીબેન વણકર તથા પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઈની સંયુક્ત ટીમે કાલોલના ફતેપુરી સ્થિત ‘હિન્દ બ્રિક્સ’ ઈંટોના ભઠ્ઠા પર તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બાળ મજૂરીનો ભાંડો ફૂટતા બંને બાળકોને તાત્કાલિક શ્રમમાંથી મુક્ત કરાવવામાં આવ્યા હતા.
મુક્ત કરાયેલા બાળકોના નિવેદનો લઈ તેમને ચિલ્ડ્રન હોમ (બાળ અદાલત), ગોધરા ખાતે સોંપવામાં આવ્યા છે. બીજી તરફ, ભઠ્ઠાના માલિક ઉમ્મીદ નસરુલ્લા ખાન (રહે. બાશા પાર્ક, પાવાગઢ રોડ, હાલોલ) સામે બાળ અને તરુણ શ્રમ (પ્રતિબંધ અને નિયમન) અધિનિયમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
જિલ્લા વહીવટી તંત્રની આ કડક કાર્યવાહીથી વિસ્તારમાં બાળ મજૂરી કરાવતા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.
રિપોર્ટર; વીરેન્દ્ર મહેતા