Panchmahal

કાલોલના ગોળીબાર નજીક ફેકટરીમાં રાતે કેમિકલ ઓગળતા લોકોના શ્વાસ રૂંધાયા


કાલોલ:
કાલોલ નગરપાલિકાના વોર્ડ નંબર સાતમાં મલાવ ચોકડી પાસે ગોળીબાર ગામની નજીકમા ગુજરાત વિક્ટરી ફોર્જીંગ નામની કંપની આવેલી છે. જે કંપનીમાં મોટેભાગે રાત્રિના સુમારે કામ કરવામાં આવે છે. ગેરકાયદેસર રીતે કેમિકલ અને ધાતુ ઓગાળવામાં આવે છે. જેના લીધે હવામાં ધુમાડો પ્રસરે છે અને સ્થાનિકોને બળતરા અને શ્વાસમાં તકલીફ પડી રહી છે. વૃક્ષોના પાના ખરી પડે છે. પક્ષીઓ મરી જાય છે. આ વિસ્તારમાં 50થી વધુ રહેણાંક મકાનો આવેલા છે અને તેની બાજુની જ જગ્યામાં આ ફેક્ટરી આવેલી છે. ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને સરકારી નિયમોની એસી કી તેસી કરીને રાત્રિના સુમારે કામ ચાલુ કરવામાં આવે છે. જેથી ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાની પ્રબળ શક્યતાઓ છે. શુક્રવારે રાત્રે ફેક્ટરીમાં ભઠ્ઠી સળગાવી કેમિકલ ઓગાળવાની પ્રક્રિયા શરૂ કરતાં જ ગ્રામજનો ભેગા થયા હતા અને કંપનીના ગેટ પાસે આવી ગેટ ખોલાવી કંપનીમાં હલ્લાબોલ કરી કેમિકલ ઓગાળવાની પ્રક્રિયા બંધ કરાવી દીધી હતી. ગ્રામજનો એ જણાવ્યું છે કે જો આ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવશે તો ગ્રામજનો કોઈપણ કર્મચારીને ફેક્ટરીમાં કામ કરવા દેશે નહીં. મળતી માહિતી મુજબ આ ફેકટરી મા ગેરકાયદેસર કોપર, લોખંડ લાવવામાં આવે છે અને રાતે ઓગાળવાની પ્રક્રિયા શરૂ કરાય છે. ગ્રામજનોએ ફેક્ટરીના સંચાલકને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં પણ તેની આવી પ્રવૃત્તિ બંધ થતી નથી.

Most Popular

To Top