કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં મુસ્લિમોના મત મેળવવા માટે ભાજપ પણ તુષ્ટિકરણના માર્ગે ! વીડિયો વાયરલ થતા રાજકીય ગરમી
તાજેતરમાં જ કાલોલ નગરપાલિકાની ચૂંટણી યોજાઈ ગઈ જેમાં પરિણામો ભાજપ તરફી આવ્યા. વોર્ડ નં ૩ ના વિજેતા ઉમેદવાર દ્વારા ખુલ્લેઆમ પોતાના વિજય નો જશ ઘાંચી સમાજને આપવામાં આવ્યો. વોર્ડ નં ૭ માં લઘુમતી કોમના મતોથી વિજેતા બનેલા ઉમેદવાર દ્વારા લઘુમતી સમાજમાં ઝવેરીઓ વસે છે, જેઓ સાચા હીરા શોધે છે તેવા નિવેદનો અપાયા છે, જે નિવેદનો હિંદુ સમાજમાં ભારે ચર્ચામાં આવ્યા છે. કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સૌ પ્રથમ વખત મુસ્લિમને એક બેઠક પર ટિકિટ આપી હતી. જેનો પરાજય થયો છે, ત્યારે વોર્ડ નંબર ૩ મા અંદાજે ૩૦૦ થી વધુ લઘુમતી કોમના, જેમા મુખ્યત્વે ઘાંચી સમાજના મતો અંકે કરવા ખુદ ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને ઉમેદવારો સાથે ઘાંચી સમાજના અગ્રણીઓની બેઠકો યોજી તેઓને કેટલાક વચનો આપ્યા હોવાનું ચર્ચામાં આવ્યુ છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા વીડિયોમાં લોકસભાની ચૂંટણીના પ્રચારમાં ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ હિંદુ મતો મેળવવા માટે ખુલ્લેઆમ ભાષણ આપી કહી રહ્યાં છે કે,” દરેક બુથમાં ભાથીજી મહારાજને ઊભા કરો, પાકિસ્તાનીઓને વોટ નહી પડવા દેવાના બોલો તમે ભાથીજી વાળા છો કે મહંમદ બેગડા વાળા હાથ ઊંચો કરો ” આ ભાષણ નો વિડિઓ વાયરલ થયો છે અને પ્રશ્ન કરાયો છે કે કાલોલ નગરપાલિકાની ચૂંટણીમાં લઘુમતીઓના મત મેળવવા ભાજપે શું સોદાબાજી કરી?
અન્ય એક વીડિયોમાં ભાજપના નેતાઓ લઘુમતી વિસ્તારમાં મત માંગવા તેઓની ખુશામત કરતા જોવા મળે છે. વોર્ડ નં ૩ ની બે બેઠકો જીતવા માટે ભાજપે ભાથીજી મંદિર પાસે ના દબાણો કોઈ નહી હટાવે તેવી બાહેધરી આપી હોવાનુ પણ લોકચર્ચામા આવ્યુ છે. ત્યારે કાલોલમા માથાનો દુખાવો બનેલા ભાથીજી મંદિર પાસેના લારીના દબાણો બાબતે ભૂતકાળમાં છેક ગૃહમંત્રી સુધી રજૂઆતો કરવામાં આવી હતી. છાશવારે આ વિસ્તારમાં લારીધારકો સાથે રાહદારીઓ અને વાહનચાલકો વચ્ચે નાના મોટા ઝઘડાઓ પણ થતા આવ્યા છે. તેવા સમયે આ દબાણો નહી હટાવવાની બાહેધરી આપી હોય તો તે ખુબ શરમજનક બાબત હોવાનુ ચર્ચામાં છે. કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ કેસરીયા સિંહ તરીકે જાણીતા છે ચુસ્ત હિંદુવાદી છબી ધરાવતા ધારાસભ્ય આ ચૂંટણીમાં લઘુમતી સમાજ ઉપર કેમ ઓળઘોળ થયા તે પણ હિંદુ સમાજમાં ચર્ચાનો વિષય બન્યો છે. આવા બેવડા માપદંડો કોંગ્રેસ અપનાવતી હતી તે રસ્તે ભાજપ ચાલી રહી હોવાનું નગરજનોમા ચર્ચાઈ રહ્યુ છે. વિધાનસભાની અને લોકસભાની ચૂંટણીઓમા કટ્ટર હિંદુવાદી પ્રચાર અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મોટા નેતાઓ ને મોડી રાત સુધી ગામની ગલીઓમાં મત માંગવા ફરવુ પડે અને શામ દામ દંડ ભેદ ની નીતિઓ અપનાવવી પડે તેવી પ્રચાર ની રીત અલગ બનતા આ વીડિયો કાલોલ પંથકમાં ભારે વાયરલ થઈ રહ્યા છે.