Vadodara

કાલાઘોડા બ્રિજનું ગનેટિંગ ટેક્નોલોજીથી સમારકામ પૂર્ણતાના આરે, આરાધના બ્રિજ પર કામ શરૂ

બ્રિજના ઈન્સ્પેક્શન રિપોર્ટ બાદ પાલિકાના બ્રિજ વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી

કાસમઆલા બ્રિજ તથા બાલભવન પાસે આવેલ હયાત બ્રિજના સમારકામ માટેનુ પણ આયોજન

વડોદરા શહેરના વિવિધ બ્રિજના તાજેતરમાં આવેલા ઈન્સ્પેક્શન રિપોર્ટ બાદ પાલિકાના બ્રિજ વિભાગે તાત્કાલિક કામગીરી હાથ ધરી છે. કાલાઘોડા બ્રિજમાં જરૂરી મરામતનું કામ ગનેટિંગ ટેક્નોલોજી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કામ હવે પૂર્ણતાના આરે પહોંચ્યું છે. બ્રિજ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે આ પદ્ધતિથી કરવામાં આવેલું કામ વધુ મજબૂત અને ટકાઉ બને છે. કાલાઘોડા બ્રિજનું કામ પૂર્ણ થવા જઈ રહ્યું છે ત્યારે હવે બ્રિજ વિભાગ દ્વારા આરાધના પાસે આવેલ બ્રિજનું સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. આ બ્રિજ પર પણ સમયાંતરે તિરાડો તથા અન્ય નુકસાન દેખાવા લાગ્યા હતા. ઈન્સ્પેક્શન રિપોર્ટમાં આ બાબત સ્પષ્ટ થયા બાદ તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં બ્રિજ પર જરૂરી મરામત માટેના પ્રાથમિક તબક્કાનું કામ શરૂ થઈ ગયું છે.

બ્રિજ વિભાગના અધિકારીઓએ વધુમાં જણાવ્યું કે આરાધના બ્રિજ પછી શહેરના અન્ય જૂના અને મહત્વના બ્રિજ પર પણ મરામતનું કામ હાથ ધરાશે. ખાસ કરીને કાસમઆલા બ્રિજ તથા બાલભવન પાસે આવેલ હયાત બ્રિજના સમારકામ માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બાલભવન પાસે બ્રિજ વિભાગ દ્વારા નવા બ્રિજનું પણ નિર્માણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું છે. ઈન્સ્પેક્શન દરમિયાન આ બ્રિજ પર પણ મરામતની જરૂરિયાત હોવાનું સામે આવ્યું હતું. શહેરના મુખ્ય બ્રિજોમાં સમયસર મરામત કરવામાં આવે તેનાથી વાહનવ્યવહાર સુરક્ષિત બની રહે છે તેમજ નાગરિકોને લાંબા ગાળે કોઈ મુશ્કેલી ન પડે. છેલ્લા કેટલાક મહિનાઓથી શહેરમાં જુદા જુદા બ્રિજની તિરાડો તથા અન્ય ખામીઓ બાદ હવે પાલિકાએ તબક્કાવાર કામગીરી શરૂ કરી છે. બ્રિજ વિભાગનું કહેવું છે કે આગામી મહિનાઓમાં વધુ બ્રિજના કામ હાથ ધરાશે.

ગનેટિંગ ટેક્નોલોજી શું છે?

ગનેટિંગ ટેક્નોલોજી એક એવી રીત છે જેમાં સિમેન્ટ અને રેતીનું મિશ્રણ મશીન દ્વારા ઊંચા દબાણથી જે તે સપાટી પર છાંટવામાં આવે છે. જેને ડ્રાય-મિક્સ શોટક્રીટ પણ કહેવામાં આવે છે. આ તકનીકનો ઉપયોગ મુખ્યત્વે પુલ અને કોંક્રિટના ભાગોમાં તિરાડો ભરવા, મરામત કરવા અને માળખાને મજબૂત બનાવવા માટે થાય છે. આ રીતથી ઊભી, આડી કે ઉપરની સપાટી પર સીમેન્ટનો મજબૂત અને ટકાઉ લેયર તૈયાર કરવામાં આવે છે, જેનાથી માળખાને વધુ સમય સુધી સલામત રાખી શકાય છે.

Most Popular

To Top