ગેસની અછતે હજારો પરિવારોની રોજીરોટી પર સર્જ્યું સંકટ
ગેસ વગર ચૂલા પર રસોઈ બનાવવાની ફરજ પડતા ગ્રાહકોને ભોજન માટે કલાકોનું વેઈટિંગ; વેપારીઓ ભારે દ્વિધામાં



વડોદરા: વર્તમાન યુદ્ધની વૈશ્વિક પરિસ્થિતિની સીધી અસર હવે સંસ્કારી નગરી વડોદરાના રસોડા અને વેપાર-ધંધા પર જોવા મળી રહી છે. શહેરમાં અચાનક સર્જાયેલી કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછતને કારણે હોટલ અને રેસ્ટોરન્ટ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે અનેક સ્થળોએ આધુનિક ગેસ સ્ટવને બદલે ફરી દેશી ચૂલા પર રસોઈ બનાવવાની નોબત આવી છે.
શહેરના પ્રખ્યાત ખાણી-પીણીના હબ ગણાતા કારેલીબાગ રાત્રી બજારમાં ગેસની અછતની સૌથી વધુ અસર જોવા મળી રહી છે. પૂરતા પ્રમાણમાં કોમર્શિયલ સિલિન્ડર ન મળવાને કારણે રાત્રી બજારની 15થી વધુ દુકાનો બંધ કરી દેવાની ફરજ પડી છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે જો આગામી દિવસોમાં વહેલી તકે સિલિન્ડર ઉપલબ્ધ નહીં થાય, તો તમામ ધંધા-રોજગાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ જશે.
ગેસના અભાવે જે રેસ્ટોરન્ટ સંચાલકોએ કામ ચાલુ રાખ્યું છે, તેઓએ લાકડાના ચૂલાનો સહારો લેવો પડ્યો છે. જોકે, ચૂલા પર રસોઈ બનાવવામાં વધુ સમય લાગતો હોવાથી ગ્રાહકોને ભોજન માટે કલાકો સુધી રાહ જોવી પડી રહી છે. આના કારણે વેપારીઓ અને ગ્રાહકો બંને પરેશાન જોવા મળી રહ્યા છે.
આ આર્થિક સંકટ માત્ર વેપારીઓ પૂરતું મર્યાદિત નથી. જો ગેસની અછત લાંબી ચાલશે અને ધંધા બંધ થશે, તો તેની સાથે જોડાયેલા અનેક પરિવારો બેરોજગાર થઈ જશે તેવી ભીતિ સેવાઈ રહી છે. હોટલ માલિકોમાં અત્યારે ભારે દ્વિધાની સ્થિતિ છે કે લાકડા પર કામ ચલાવવું કે ધંધાને તાળાં મારી દેવા.