( પ્રતિનિધિ )વડોદરા,તા.8
વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં વીજ કનેક્શન માટે ગયેલી ટીમ સાથે સ્થાનિક વ્યક્તિએ ગેરવર્તણૂક કરી કામગીરીમાં અડચણનો પ્રયાસ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.
એમજીવીસીએલની રાવપુરા કચેરીમાં ફરજ બજાવતા લાઇન ઇન્સ્પેક્ટર રતિલાલ વસાવાએ પોલીસને કહ્યું છે કે,ગઇકાલે સવારે હું અન્ય કર્મચારીઓ સાથે કારેલીબાગના સાધનાનગરમાં નવા વીજ કનેક્શન માટે ગયો હતો. ત્યારે વીજ સપ્લાય બંધ કરતાં એક વ્યક્તિએ બૂમો પાડી અત્યારે લાઇટો કેમ બંધ કરી, વહેલા કેમ આવતા નથી,અમને તકલીફ પડે છે..તેમ કહ્યું હતું. અમે કનેક્શન ચાલુ કરી બૂમો પાડતા ભાઇને સમજાવવા ગયા ત્યારે તેમણે ગાળો ભાંડી પથ્થર ઉગામ્યો હતો. પરંતુ એક ભાઇ વચ્ચે પડતાં પથ્થર મૂકી દીધો હતો.તપાસ કરતાં તેમનું નામ મેહુલ કિરણભાઇ પટણી 10/2,સાધના નગર,કારેલીબાગ હોવાનું જાણવા મળ્યું હતું. બનાવ અંગે કારેલીબાગ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથધરી છે. અત્રે મહત્વની બાબત એ છે કે, હાલ આગામી ચોમાસાની સિઝન શરૂ થવાની છે તે પૂર્વે લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે વીજ કંપની દ્વારા મેન્ટેનન્સ સહિત રીપેરીંગ ની કામગીરી કરવામાં આવી રહી છે. ત્યારે ઘણી વખત વીજ પુરવઠો પણ ટેક્નિકલ ખામી વશ બંધ થતાં લોકોના રોષનો ભોગ વીજ કંપનીના કર્મચારીઓને બનવું પડતું હોય છે.