સ્થાનિકોએ મહામહેનતે ઊંટને રેસ્ક્યુ કર્યું: મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ
વડોદરા: શહેરના કારેલીબાગ વિસ્તારમાં શનિવારે એક અજીબોગરીબ ઘટના સામે આવી હતી, જેમાં રસ્તા પરથી પસાર થઈ રહેલા એક ઊંટનો પગ અચાનક ગટરના ખુલ્લા હોલમાં ફસાઈ ગયો હતો. ઘટનાને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને મહામહેનતે ઊંટને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યું હતું.

મળતી વિગતો અનુસાર, કારેલીબાગ પાણીની ટાંકી પાસેના મુખ્ય માર્ગ પરથી એક ઊંટ પસાર થઈ રહ્યું હતું. આ દરમિયાન રસ્તા પર આવેલી ગટરનું ઢાંકણું કદાચ વ્યવસ્થિત ન હોવાથી અથવા ખુલ્લું હોવાથી ઊંટનો પગ તેમાં ઉતરી ગયો હતો. કદાવર પ્રાણી એવા ઊંટનો પગ ગટરમાં ફસાઈ જતાં તે હલનચલન કરી શકતું નહોતું અને રસ્તા વચ્ચે જ અટવાઈ ગયું હતું.

ઘટનાને જોતા જ સ્થાનિક રહીશો અને પસાર થતા રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. લોકોએ સાથે મળીને ભારે જહેમત ઉઠાવી હતી અને આખરે ઊંટના પગને ગટરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. સદનસીબે ઊંટને કોઈ ગંભીર ઈજા થઈ નથી અને તેને સહીસલામત રીતે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યું હતું.

આ ઘટનાને પગલે સ્થાનિકોમાં તંત્ર સામે રોષ પણ જોવા મળ્યો હતો. લોકોએ માગ કરી છે કે રસ્તા પરના આવા ખુલ્લા ગટરના હોલ કે તૂટેલા ઢાંકણા વહેલી તકે રિપેર કરવામાં આવે જેથી ભવિષ્યમાં કોઈ મોટી દુર્ઘટના કે પશુ-માનવને ઈજા ન પહોંચે.