આપ હી કી હૈ અદાલત આપ હી મુંસિફ ભી હૈ,
એ તો કહીએ આપ કે એબ-ઓ-હુનર દેખેગા કૌન…
જર ભોપાલીનો આ શેર આજકાલ ન્યાયતંત્રમાં બેઠેલાં અમુક જજને લાગુ પડે છે. અલ્હાબાદ હાઈકોર્ટના એક નિર્ણય અંગે ચર્ચા ચાલી રહી છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું હતું કે ‘સ્તનને પકડીને તેના પાયજામાનો દોર તોડી નાખવો એ બળાત્કાર કે બળાત્કારનો પ્રયાસ ગણાશે નહીં’, પરંતુ તેને ગંભીર જાતીય સતામણી ગણવામાં આવશે. જે કેસમાં કોર્ટે આ ચુકાદો આપ્યો તે માત્ર 11 વર્ષની છોકરી સાથે સંબંધિત હતો. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે આ વિવાદાસ્પદ નિર્ણયને ‘અન્યાયી’ ગણાવ્યો છે અને રાજ્ય સરકારને તેની સામે તાત્કાલિક અપીલ કરવા જણાવ્યું છે. વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે સુપ્રીમ કોર્ટને આ નિર્ણય સામે સ્વતઃ સંજ્ઞાન લેવાની વિનંતી કરી છે. આદેશ જાહેર થયા પછી, વિવાદ થશે તે નિશ્ચિત હતું અને આ પહેલી વાર નથી જ્યારે ન્યાયાધીશોનાં નિવેદનોને કારણે ન્યાયતંત્ર પર પ્રશ્નો ઊભા થયા હોય. ભૂતકાળમાં આવા ઘણા કિસ્સા બન્યા છે, જ્યારે હાઈકોર્ટની ટિપ્પણીઓ અને નિર્ણયો વિવાદનું મૂળ બન્યા હતા.
31 મે, 2017ના રોજ, રાજસ્થાન હાઈકોર્ટે એક પીઆઈએલની સુનાવણી કરતી વખતે કહ્યું હતું કે ગાયને ‘રાષ્ટ્રીય પ્રાણી’ જાહેર કરવી જોઈએ. કોર્ટે રાજ્ય સરકારને આ અંગે કાર્યવાહી કરવાની પણ ભલામણ કરી હતી. જસ્ટિસ મહેશચંદ્ર શર્મા જયપુરના હિંગોનિયા ગૌશાળા અંગે દાખલ કરાયેલી અરજી પર સુનાવણી કરી રહ્યા હતા. પોતાના આદેશમાં તેમણે ‘ગાય હત્યા માટે આજીવન કેદ’ ની જોગવાઈ કરવાની પણ ભલામણ કરી હતી.
પરંતુ જસ્ટિસ શર્મા ફક્ત તેમના આ નિર્ણય માટે જ ચર્ચામાં આવ્યા ન હતા. કોર્ટમાં ચુકાદો સંભળાવ્યા પછી, તે બહાર આવ્યા અને પત્રકારો સાથે વાત કરવા લાગ્યા હતા. આ વાતચીતમાં તેમણે કહ્યું, ‘’કાયદો ધર્મમાંથી ઉદભવ્યો છે. ધર્મ કાયદામાંથી આવ્યો નથી.’’ આ દરમિયાન તેમણે રાષ્ટ્રીય પક્ષી મોર અંગે એક વિચિત્ર નિવેદન પણ આપ્યું હતું. તેઓએ કહ્યું, મોરનો પણ પોતાનો ગુણ હોય છે. તે જીવનભર અપરિણીત રહે છે. તે મોર સાથે સમાગમ કરતો નથી. મોરના આંસુથી ફીમેલ મોર ગર્ભવતી બને છે. પછી મોર કે મોરનીનો જન્મ થાય છે. જસ્ટિસ શર્માનો આ નિર્ણય તેમની કારકિર્દીનો છેલ્લો નિર્ણય હતો.
આવો જ બીજો એક કિસ્સો 2012માં કર્ણાટક હાઈકોર્ટમાં બન્યો હતો. ન્યાયાધીશ કે. ભક્તવત્સલાએ પતિઓને તેમની પત્નીઓને માર મારવાને ન્યાયી ઠેરવ્યો હતો. તેમની ટિપ્પણીઓ એક પારિવારિક મામલાની સુનાવણી દરમિયાન આવી હતી. આમાં તેમણે કહ્યું હતું, લગ્નજીવનમાં બધી સ્ત્રીઓને તકલીફ પડે છે. તમે પરિણીત છો અને તમારાં બે બાળકો છે અને તમે જાણો છો કે એક સ્ત્રી તરીકે દુઃખ સહન કરવાનો શું અર્થ થાય છે. તમારા પતિનો વ્યવસાય સારો છે. તે તમારી સંભાળ રાખશે. તમે હજુ પણ તે તમને માર મારતો હોવાની વાત કેમ કરો છો?
ભક્તવત્સલા ફક્ત અહીં જ અટક્યાં ન હતાં. તેમણે વકીલો પર પણ ટિપ્પણી કરી, કહ્યું – પરિવારિક બાબતોમાં ફક્ત પરિણીત લોકોએ જ દલીલ કરવી જોઈએ, અપરિણીત મહિલાઓએ નહીં. તમારે જોવું જોઈએ, લગ્ન જાહેર પરિવહન વ્યવસ્થા જેવું નથી. બહેતર રહેશે તમે લગ્ન કરી લો તો તમને આવી બાબતોમાં દલીલ કરવાનો ઘણો અનુભવ મળશે.
અલબત્ત, આ પહેલી વાર નહોતું કે જસ્ટિસ ભક્તવત્સલાએ આવી મહિલા વિરોધી ટિપ્પણી કરી હોય. તેમણે અગાઉ પણ ન્યાયાધીશની ખુરશી પર બેઠેલી મહિલાઓને ઓછી આંકી હતી. 12 મે, 2011ના રોજ, એક કેસમાં ચુકાદો આપતી વખતે તેમણે કહ્યું હતું કે, 21 વર્ષની છોકરીઓ તેમના જીવનસાથીની પસંદગી કરવા માટે પૂરતી સક્ષમ નથી. ચુકાદામાં તેમણે કહ્યું, અમારા મતે, 21 વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ તેઓ જે છોકરાને પ્રેમ કરે છે તેના વિશે તર્કસંગત નિર્ણય લેવા સક્ષમ નથી. અમે સૂચવીએ છીએ કે 21 વર્ષથી ઓછી ઉંમરની છોકરીના પ્રેમસંબંધના કિસ્સામાં એવી શરત હોવી જોઈએ કે છોકરીનાં માતા-પિતા લગ્નને મંજૂરી આપે. અન્યથા આવા લગ્નોને અમાન્ય જાહેર કરવા જોઈએ.
વધુ એક કિસ્સો – 2021માં બોમ્બે હાઈકોર્ટે ચુકાદો આપ્યો હતો કે ‘સ્કિનથી સ્કિન’ સંપર્ક વિના ગુપ્તાંગોને સ્પર્શ કરવો એ જાતીય હુમલામાં નથી આવતું. આ નિર્ણય જસ્ટિસ પુષ્પા ગનેડીવાળાની સિંગલ બેન્ચે આપ્યો હતો. બેન્ચે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, જાતીય સતામણી માટે શારીરિક સંપર્ક, એટલે કે ‘સ્કિન ટુ સ્કિન’ સંપર્ક જરૂરી છે અને ફક્ત કપડાંને સ્પર્શ કરવાથી પોક્સો એક્ટ હેઠળ જાતીય સતામણી ગણવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે જો આરોપીએ બાળકનાં કપડાં કાઢ્યાં ન હોય કે કપડાંમાં હાથ ન નાખ્યો હોય, તો બાળકની છાતીને સ્પર્શ કરવો એ જાતીય હુમલો નહીં ગણાય.
જસ્ટિસ ગનેડીવાળાનો આ એકમાત્ર કેસ નહોતો જે વિવાદાસ્પદ બન્યો હોય. 29 જાન્યુઆરી, 2021ના રોજ, નાગપુર બેન્ચના જસ્ટિસ પુષ્પા ગનેડીવાળાએ એક કેસમાં આરોપીને બળાત્કારના આરોપોમાંથી મુક્ત કર્યો હતો. તેમણે કહ્યું કે એ ‘અત્યંત અશક્ય’ પ્રતીત થાય છે કે કોઈ એકલો પુરુષ પીડિતાનું મોઢું દબાવી શકે, પીડિતાનાં અને પોતાનાં કપડાં ઉતારી શકે અને કોઈ પણ સંઘર્ષ વિના બળજબરીથી જાતીય હુમલો કરી શકે. કોર્ટે એ પણ નોંધ્યું હતું કે તબીબી પુરાવા પીડિતાના દાવાને સમર્થન આપતા નથી. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં એક કેસની સુનાવણી દરમિયાન કર્ણાટક હાઈકોર્ટના જસ્ટિસ વી.શ્રીશાનંદે બેંગલુરુના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારની તુલના ‘પાકિસ્તાન’ સાથે કરી હતી. એક કેસની સુનાવણી કરતી વખતે, જસ્ટિસ વી. શ્રીશાનંદે ટ્રાફિક સંબંધિત સમસ્યાઓનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે જો તમે આજકાલ કોઈ પણ ખાનગી શાળામાં જાઓ છો, તો તમે જોશો કે એક સ્કૂટર પર ત્રણથી વધુ બાળકો સવારી કરી રહ્યાં છે. આચાર્ય અને વાલીઓ આ અંગે કોઈ કાર્યવાહી કરતા નથી. ઓટો રિક્ષામાં 13-14 વિદ્યાર્થીઓ છે. પોલીસ નિષ્ક્રિય છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું હતું કે, મૈસુર રોડ ફ્લાયઓવર તરફ, દરેક ઓટો રિક્ષામાં 10 લોકો હોય છે અને બજારથી ગોરીપાલ્યા સુધીનો મૈસુર રોડ ફ્લાયઓવર ભારતમાં નથી પણ પાકિસ્તાનમાં છે.આ ટિપ્પણી બાદ સુપ્રીમ કોર્ટે સ્વતઃ સંજ્ઞાન લીધું હતું અને કર્ણાટક હાઈકોર્ટ પાસેથી રિપોર્ટ માગ્યો હતો. ન્યાયાધીશ શ્રીશાનંદે પોતાની ટિપ્પણી પર દિલગીરી વ્યક્ત કરી અને કહ્યું હતું કે તેમનો હેતુ કોઈ વ્યક્તિ કે સમુદાયને દુઃખ પહોંચાડવાનો નહોતો. સુપ્રીમ કોર્ટે તેમની માફી સ્વીકારી હતી અને કેસનો નિકાલ કર્યો હતો પરંતુ એમ પણ કહ્યું કે ભારતના કોઈ પણ ભાગને ‘પાકિસ્તાન’ કહેવું દેશની અખંડિતતાની વિરુદ્ધ છે.
આ બધામાં ગુજરાત પાછળ કેમ રહી જાય! 2015માં ગુજરાતમાં હાર્દિક પટેલના નેતૃત્વમાં પાટીદાર અનામત આંદોલન થયું હતું. આ મામલે હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો કેસ પણ દાખલ કરવામાં આવ્યો હતો. જે બાદમાં સરકારે પાછો ખેંચી લીધો હતો. ડિસેમ્બર 2015માં આ કેસની સુનાવણી દરમિયાન ગુજરાત હાઇકોર્ટના જજ જે.બી. પારડીવાળાએ એક ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આજે દેશ સામે સૌથી મોટો ખતરો ભ્રષ્ટાચાર છે. અનામત માટે લોહી વહેવડાવવા અને હિંસાનો આશરો લેવાને બદલે, દેશવાસીઓએ તમામ સ્તરે ભ્રષ્ટાચાર સામે ઊભા થવું જોઈએ. અનામતે લોકોમાં વિભાજનનાં બીજ વાવનારા રાક્ષસની ભૂમિકા ભજવી છે. કોઈ પણ સમાજમાં યોગ્યતાનું મહત્ત્વ ઓછું કરીને આંકી શકાય નહીં. તેથી, યોગ્યતાને મહત્ત્વ આપવું જોઈએ – યોગ્યતા પર ભાર મૂકવો અને તેને પુરસ્કાર આપવો એ સમાજમાં સારા ગણાતા લક્ષ્યોને પ્રાપ્ત કરવાનો એક માર્ગ છે. પરિસ્થિતિની વિડંબના એ છે કે ભારત કદાચ એકમાત્ર એવો દેશ છે, જ્યાં કેટલાક નાગરિકો પોતાને પછાત કહેવડાવવાની લાલસા રાખે છે. જસ્ટિસ પારડીવાળાની આ ટિપ્પણીએ વિવાદ ઊભો કર્યો હતો. બાદમાં ગુજરાત હાઈકોર્ટે તેને કાર્યવાહીમાંથી દૂર કર્યું હતું. બીજો એક મુદ્દો છે, જેના પર થોડા મહિના પહેલાં ઘણો વિવાદ થયો હતો. આ મામલો કોઈ પણ બેન્ચની ટિપ્પણી સાથે સંબંધિત નથી પણ આ નિવેદન હાઈકોર્ટના જજનું છે. જસ્ટિસ શેખર યાદવ. 8 ડિસેમ્બરના રોજ, વિશ્વ હિન્દુ પરિષદના કાનૂની વિભાગે અલ્હાબાદ હાઈકોર્ટના લાઈબ્રેરી હોલમાં એક કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આમાં જસ્ટિસ શેખર યાદવને પણ બોલાવવામાં આવ્યા હતા. તેમણે ભાષણ આપ્યું અને જે કહેવામાં આવ્યું તેના પર લાંબો વિવાદ થયો હતો. ન્યાયાધીશ શેખર યાદવે કહ્યું હતું કે, એમ કહેવામાં કાંઈ ખોટું નથી કે આ ભારત છે. હિન્દુસ્તાનમાં રહેતા બહુમતી લોકો અનુસાર દેશ ચાલશે. આ જ કાનૂન છે. કાનૂન તો ભૈયા, બહુમતીથી જ ચાલે.
આ દરમિયાન ન્યાયાધીશ શેખર યાદવે ‘સમાન નાગરિક સંહિતા એક બંધારણીય અનિવાર્યતા છે’ વિષય પર બોલતા કહ્યું હું કે, જો દેશ એક છે, બંધારણ એક છે, તો કાયદો એક કેમ નથી? જસ્ટિસ શેખર યાદવે એમ પણ કહ્યું કે ‘કટ્ટરપંથીઓ’ દેશ માટે ખતરનાક છે. તેમણે એવું પણ કહ્યું, જે લોકો કટ્ટરપંથી છે, આ શબ્દ ખોટો છે પણ તે કહેવામાં કોઈ ખંચકાટ નથી કારણ કે તેઓ દેશ માટે ઘાતક છે. તેઓ એવા લોકો છે જે જનતાને ગેરમાર્ગે દોરે છે. તેઓ એવા લોકો છે જે દેશને પ્રગતિ કરતો રોકવા માગે છે. તેમનાથી સાવધ રહેવાની જરૂર છે. – -દીપક આશર

