વાવ ગામ ગાયકવાડના વડોદરા રાજ્યમાં નવસારી પ્રાંતમાં આવેલું ગામ છે. જે આઝાદી બાદ સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં આવેલું છે. વડોદરા રાજ્યના વહીવટ દરમિયાનથી વાવ ગામમાં ગ્રામ પંચાયત, સાર્વજનિક પુસ્તકાલય, પ્રાથમિક શાળા વગેરે છે. સુરત શહેરથી 20 કિલોમીટર દૂર તો તાલુકા મથકથી ત્રણ કિલોમીટર દૂર આવેલું વાવ ગામ, જે સુરત જિલ્લામાંથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે નં.48ને ચીરીને પસાર થાય છે. આ ગામને સમૃદ્ધ બનાવવા ખૂબ જ મદદરૂપ થાય છે. હિન્દુ-મુસ્લિમની વસતી ધરાવતું આ ગામ કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ગામમાં પ્રથમ દેસાઈ (અનાવિલ બ્રાહ્મણ) બાદમાં આંજણા પાટીદાર ને તેમના બાદ ભાલીયા કોળી અને ભક્ત પરિવારો અહીં આવ્યા ને વસ્યા હતા. તેમજ હળપતિ, આદિવાસી, લુહાર, વાણીયા, દેવીપૂજક, કુંભાર, દરજી, વાણીયા, મૈસુરિયા, માહ્યાવંશી સહિતની વસતીથી ઘેરાયેલું ગામ છે. ગામના ભક્ત (પાટીદાર) જ્ઞાતિજનો તા

લુકા તેમજ તાલુકા બહાર આરોગ્ય, શૈક્ષણિક ક્ષેત્રે મહત્તમ યોગદાન પ્રદાન કરતા આવ્યા છે અને હાલ પણ કરી રહ્યા છે.
કામરેજ ચાર રસ્તા ભારતીય વિદ્યામંડળના પ્રમુખ અરવિંદભાઈ ભક્ત પણ વાવના છે

કામરેજ ચાર રસ્તા ખાતે બાળ મંદિરથી લઈને ગ્રેજ્યુએટ સુધીની શૈક્ષણિક સંસ્થા એવી ભારતીય વિદ્યામંડળ (રામકબીર શાળા)ના પ્રમુખ પણ વાવ ગામના અરવિંદભાઈ તુલસીભાઈ ભક્ત જ છે. તેઓ ઘણી સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે, જેમાં ચલથાણ વિભાગ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળીના ડિરેક્ટર, સંજીવની ચેરિટેબલ ટ્રસ્ટ(હોસ્પિટલ-ચલથાણ)ના ઉપપ્રમુખ, માજી પ્રમુખ દીનબંધુ હોસ્પિટલ (ખોલવડ), રામકબીર મંદિર ટ્રસ્ટ (મુંબઈ)ના ટ્રસ્ટી, ભક્તાશ્રમ નવસારીમાં ઉપપ્રમુખ, કબીરવડ(ભરૂચ)ના ટ્રસ્ટી, નનસાડ-ભરથાણા કોટન મંડળી લિ. (કામરેજ ચાર રસ્તા)ના ડિરેક્ટર, વાવ સહકારી પિયત મંડળીના માજી પ્રમુખ તરીકે હાલ સેવા આપી રહ્યા છે.

ગામની સમસ્યા

વાવ ગામ નેશનલ હાઈવે નં.48ને અડીને આવેલું હોવાથી ઘણીવાર નાના-મોટા અકસ્માતો થતા રહે છે. નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવે છે. જેને લઈને ગામ લોકો દ્વારા વારંવાર નેશનલ હાઈવે ઓથોરિટીને ઓવરબ્રિજ બનાવવા માટે માંગણીઓ કરવામાં આવી છે. છતાં પણ પ્રશાસન દ્વારા માત્ર આશ્વાસન જ આપવામાં આવે છે. અત્યાર સુધી ઓવરબ્રિજ માટે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી. નેશનલ હાઈવે ઓથોરિટીને ગ્રામ પંચાયત દ્વારા ગામની હદમાં હાઈવેના માર્જીનમાં આવતાં દબાણો દૂર કરવા માટે પણ લેખિતમાં જાણ કરવામાં આવી છે. પરંતુ હજી સુધી કંઈ જ થયું નથી.
એસ.ટી. બસ ન આવતાં ખાનગી વાહનનો સહારો લેવો પડે છે
ગામમાં રહેતા લોકોની અવરજવર માટે ખાનગી વાહનોમાં જવું પડે છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાત રાજ્ય માર્ગ અને પરિવહન વિભાગ (એસ.ટી.) દ્વારા ગામમાં વર્ષ 2018-19માં સ્વભંડોળમાંથી બસ સ્ટેન્ડ બનાવવામાં આવ્યું હતું. જે હાલ શોભાના ગાંઠિયા જેવું છે. કેમ કે અહીં એસ.ટી. બસ જ આવતી નથી.
જવાહરલાલ નહેરુ બે વાર વાવ ગામમાં આવ્યા હતા
વાવમાં વિતેલાં વર્ષોમાં મોટા મોટા રાજકીય નેતાઓ પણ આવતા હતા, જેમાં વાવ ગામની મુલાકાતે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ બે વાર આવ્યા હતા. તેમની સાથે ઈન્દિરા ગાંધી પણ આવ્યાં હતાં, જેમાં એકવાર તા.22-6-1960ના રોજ વારિગૃહ (પાણીની ટાંકી)નું ઉદઘાટન કરવા માટે આવ્યા હતા. તેમજ વડાપ્રધાન મોરારજી દેસાઈ તેમજ રાજ્યપાલ વી.વી.ગીરી પણ આવ્યા હતા.
ગામમાં આવેલી સોસાયટીમાં રહેતા વકીલો અને ડીવાયએસપી
ગામમાં આવેલી સોસાયટીઓમાં રહેતા વકીલાત કરતાં વિરેન્દ્રસિંહ છત્રસિંહ બોડાણા,જયદિપસિંહ અનિલસિંહ સોલંકી તેમજ નિમીષાબેન પટેલ તેમજ ગામમાં ભાલીયાવાડમાં રહેતા અને માજી સરંપચના પુત્ર એવા સુનિલ રાજુભાઈ ભાલીયા પણ પ્રેકટીસ કરે છે. તેમજ વાવ એસઆરપીએફ ગ્રુપ 11 માં ડીવાયએસપી તરીકે હરિધામ સોસાયટીમાં રહેતા રાકેશભાઈ રમેશભાઈ પટેલ નોકરી કરે છે.
સિંચાઈ વિભાગની કોલોની ખંડેર હાલતમાં

સિંચાઈ વિભાગની કોલોની વર્ષો અગાઉ બનાવવામાં આવેલી છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી ખંડેર હાલતમાં છે. જેની આસપાસ પણ પાણીના ભરાવાના કારણે કોઈ જતું પણ નથી. તો નેશલન હાઈવે નંબર 48ને અડીને ગેટકોનું 220 કેવીનું સબસ્ટેશન આવેલું છે. જ્યારે ગામમાં ભાલીયાવાડના નાકા પર જોખા ગામ જતાં રોડ પર પાણીની પરબ પણ બનાવવામાં આવેલી છે. જે અવરજવર કરતાં લોકોની તરસ છુપાવે છે.