તાલીબાનોએ અફઘાનિસ્તાન પર કબજો જમાવ્યો તેને એક સપ્તાહ પુરું થઇ રહ્યું છે ત્યારે હજી પણ કાબૂલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અંધાધૂંધીના દ્રશ્યો ચાલુ છે અને હજારો લોકો અફઘાનિસ્તાન છોડી જવા માટે ધસારો કરી રહ્યા છે.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈનિકો સંપૂર્ણપણે પાછા ખેંચી લેવા માટેની ૩૧ ઓગસ્ટની આખરી તારીખ નજીક આવી રહી છે ત્યારે લોકોની ચિંતા ઓર વધી રહી છે. અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના અનેક નાગરિકોને હજી બહાર કાઢવાના બાકી છે, આ ઉપરાંત આ વીસ વર્ષ દરમ્યાન જેમણે અમેરિકાને મદદ કરી હતી તેવા સેંકડો લોકો, જેમની સાથે તાલીબાનો બદલાની કાર્યવાહી કરી શકે છે તેવા લોકોને પણ બહાર કાઢવાના બાકી છે, આ લોકોને પોતાને ત્યાં આશરો આપવાની અમેરિકાએ જાહેરાત કરી છે.
કેટલાક અફઘાનો અમેરિકા સહિતના પશ્ચિમી દેશોમાં પહોંચી ગયા છે તો અનેક જણા હજી બાકી છે. બીજી બાજુ અન્ય અનેક અફઘાનો પણ અમેરિકા અથવા અન્ય કોઇ દેશમાં જતા રહેવા માટે ધસારો કરી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં રહેતા અન્ય દેશોના અનેક લોકોને સલામત બહાર કાઢવા માટે તેમના દેશોની સરકારો પણ પ્રયાસો કરી રહી છે અને આ વચ્ચે એરપોર્ટ પર ભારે ધસારો છે.
દસ્તાવેજી કાર્યોમાં વિલંબ, અન્ય ગુંચવાડાઓને કારણે લોકોને વિમાનમાં ચડાવવામાં વિલંબ થઇ રહ્યો છે અને એવા અનેક બનાવો બન્યા છે કે જેમાં વિમાનો તેમની ક્ષમતા કરતા ઓછા લોકોને જ લઇને ઉતાવળમાં રવાના થઇ ગયા હોય. અમેરિકાના એક વિમાનમાં ક્ષમતા કરતા ત્રણ ગણા જેટલા લોકો ઠાંસીને લઇ જવામાં આવ્યા હતા તેના કરતા આ તદ્દન વિપરી બાબત છે. દરમ્યાન, ભારત પોતાના અનેક નાગરિકોને કાબૂલથી બહાર કાઢવામાં સફળ રહ્યું છે અને હજી પણ પ્રયાસો ચાલુ જ છે.