Entertainment

કાજલ અગ્રવાલ ચાલે ધીમી ચાલ

કેટલીક અભિનેત્રીઓ હિન્દી ફિલ્મોમાં કામ કરે છે ત્યારે કોઈ મોટા એચિવમેન્ટની ઈચ્છાથી કામ કરતી નથી. તેમની કારકિર્દીનો બીજો તબક્કો શરૂ થઈ ગયો હોય ત્યારે એવા અચિવમેન્ટની ઈચ્છા કરવી પણ અતાર્કિક જ લાગે. કાજલ અગ્રવાલ વિશે વિચારતાં એવું જ થશે. ‘સિકંદર’માં તે આવી રહી છે. પણ તેનાથી તે કોઈ મોટું લક્ષ્ય ધરાવે છે એવું ધારવું નહીં. નિર્માતાને સલમાન સાથે બે હીરોઈન જોઈતી હતી અને તે પણ જરા નામવંત હોય એવી. રશ્મિકા તો હતી અને કાજલને ઉમેરવામાં આવી. સાઉથનાં દિગ્દર્શકને સાઉથની સ્ટાર હિન્દી માટે પણ મોટી લાગી શકે. કાજલ તેલુગુ ફિલ્મોની સફળતાને હિન્દીનાં પ્રેક્ષકો સામે ગણાવી ન શકે અને ‘ક્યું હો ગયાના’ નામની તેની પહેલી ફિલ્મમાં નાની જ ભૂમિકા હતી. તે જાણતી હતી કે હિન્દીમાં તો નવા નામથી જ શરૂઆત કરવાની છે. ત્યારથી આજ સુધી તેણે જે કર્યું તેમાં લાગે છે એવું કે હિન્દીમાં ટોપ પર જવું તેનાથી શક્ય નથી બન્યું. તે ‘સિંઘમ’, ‘સ્પેશિયલ 26’ જેવી નાયક કેન્દ્રી ફિલ્મોમાં આવી એટલે પણ તે હીરોની ગ્લેમર જરૂરિયાતથી વધારે ઓળખ બનાવી ન શકી. કાજલને આ વાતનો અફસોસ થવો જોઈએ. પણ સાઉથમાં હજુ પણ તે ચાલે છે. એટલે અફસોસ નથી કરતી. બાકી તે મુંબઈમાં જ જન્મી છે ને ભણી છે. હિન્દી ફિલ્મોને કાજલની જરૂરિયાત નથી એવું તો કહી શકાશે નહીં પણ તે જરૂરિયાત ઊભી કરી શકી નથી એ ચોક્કસ. બાકી સાઉથમાં તો બધા જ ટોપ સ્ટાર્સ સાથે તેની સફળ ફિલ્મો આવી છે. તેમાંની અમુક ફિલ્મોની હિન્દીમાં રિમેક થઈ તો તેની જગ્યાએ બીજી હીરોઈન આવી ગઈ. હા, ‘સિંઘમ’ મૂળ તમિલ ફિલ્મ હતી અને તેની હિન્દીમાં રિમેક થઈ ત્યારે તેનો ચાન્સ લાગી ગયેલો. બાકી હિન્દી જેવા શીર્ષક ધરાવતી તેલુગુ ફિલ્મોમાં તો તેણે ઘણું કામ કર્યું છે. એવી ફિલ્મોમાં ‘નાયક’, ‘સરદાર ગબ્બર સિંઘ’, ‘કૈદી નંબર 150’, ‘ખિલાડી નંબર 150’ વગેરે છે. જોકે, હિન્દી ફિલ્મોની કારકિર્દી તો ‘મુંબઈ સાગા’ વગેરેથી આગળ વધી છે. 2020માં ગૌતમ કિચલુને પરણી ચૂકેલી કાજલ અત્યારે તો નીલ નામના દિકરાની મમ્મી બની ચૂકી છે. કારકિર્દીનો બીજો તબક્કો કહીએ તે આ જ છે. એવામાં તે હીરો તરીકે પ્રૌઢ થઈ ચૂકેલા સલમાખાન સાથે આવે તો ન લાભ થાય કે ન ખોટ જાય. હા, આ ફિલ્મ પણ તે શ્રેયસ તળપદે સાથે ધ ઈન્ડિયા સ્ટોરી’માં જરૂર દેખાશે બાકી સાઉથની ફિલ્મોમાં કામ કરતી રહેશે.•

Most Popular

To Top