Godhra

કાંકણપુરની કોલેજમાં ડૉ. એસ. એસ. રખિયાણિયાના ગઝલસંગ્રહ ‘મહેકી હવાના ઘર તરફ’નું વિમોચન

(પ્રતિનિધિ) ગોધરા, તા. 10
કાંકણપુર સ્થિત જે.એલ.કે. કોટેચા આર્ટ્સ એન્ડ શ્રીમતી એસ.એચ. ગાર્ડી કોમર્સ કોલેજ ખાતે પ્રો. ડૉ. એસ. એસ. રખિયાણિયા (શ્યામ ઠાકોર)ના દ્વિતીય ગઝલસંગ્રહ *‘મહેકી હવાના ઘર તરફ’*નું વિમોચન સાહિત્યપ્રેમી માહોલમાં સંપન્ન થયું હતું. આ ગઝલસંગ્રહનું વિમોચન સુખ્યાત કવિ જયેન્દ્ર શેખડીવાળા અને જાણીતા ચિત્રકાર તથા અભિનેતા કનુ પટેલના કરકમળે કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆતમાં કોલેજના આચાર્ય જગદીશ પટેલે ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. આ પ્રસંગે કવિ જયેન્દ્ર શેખડીવાળાએ સંગ્રહના મુખપૃષ્ઠથી માંડીને ગઝલોમાં વ્યક્ત થયેલા કાવ્યસૌંદર્ય, ભાવવિશ્વ અને ભાષાશિલ્પ અંગે પોતાની આગવી શૈલીમાં વિસ્તૃત વાત કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમણે ગઝલસંગ્રહની ભરપૂર પ્રશંસા કરી સૌને તે વાંચવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.
અતિથિ વિશેષ કનુ પટેલે પોતાના વક્તવ્યમાં ગઝલસંગ્રહ અંગે પ્રશંસાત્મક વિચારો વ્યક્ત કર્યા હતા તેમજ પોતે લખેલી પ્રસ્તાવનાની શાંત અને સંવેદનશીલ અભિવ્યક્તિ વિશે વાત કરી હતી. તેમના અભિનયસભર પ્રસ્તુતીએ ઉપસ્થિત સૌને મોહી લીધા હતા.
પુસ્તકના લેખક ડૉ. એસ. એસ. રખિયાણિયાએ પોતાની સાહિત્ય સર્જન યાત્રા અને ગઝલ રચનાની પ્રક્રિયા અંગે વિચારપ્રેરક વક્તવ્ય આપ્યું હતું. આ સાહિત્યિક કાર્યક્રમને સફળ બનાવવા માટે મેનેજિંગ ટ્રસ્ટી મૌલિનભાઈ શાહે શુભેચ્છાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ. પી. એમ. અમીને કર્યું હતું. વિમોચન પ્રસંગે કોલેજના સ્ટાફમિત્રો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

રિપોર્ટર: આશિષ બારીયા

Most Popular

To Top