મગરની સંખ્યા વધી જતાં નર્મદાના કિનારે ઉતરવું મુશ્કેલ થઈ ગયું
નસવાડી: કવાંટ તાલુકાના હાફેશ્વર ગામે નર્મદા નદીમાં નહાવા પડેલા યુવાનને મગર ખેંચી જતા તેનું મોત થયું હતું. સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત બાદ યુવાનની લાશ બહાર કાઢી હતી. આ ઘટના બાદ તંત્ર સ્નાન કરવા માટે નદીના કિનારે ઓવારો બનાવી સ્નાન કરવાની વ્યવસ્થા ઉભી કરવાની માગ ઊઠી છે.
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકાના હાફેશ્વર ખાતે નર્મદા નદી વહે છે . હાફેશ્વર ગામના આમલાપાણી ફળિયાના ભીલ વિનેશભાઈ વાહરીયાભાઈ ઉંમર 25, નદી માં નાહવા માટે પડ્યો હતો. પરંતુ મગર ખેંચી જતા 12 કલાક સુધી તેની લાશ મળી ના હતી અને બીજા દિવસે સવારે તેની લાશ મળી આવી હતી. તેની લાશ શોધવામાં સ્થાનિક તરવૈયાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. જયારે નદી કિનારે મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા. પરિવારજનોએ પોતાનો વ્હાલસોયો પુત્ર ગુમાવતા નદી કિનારે ભારે રોકકળ મચાવી હતી. ગામના સરપંચ તેમજ ગ્રામજનોએ ભેગા મળી યુવાનની લાશ નદીમાંથી બહાર કાઢી હતી. ખાનગી ટેમ્પોમાં મૃતદેહ કવાંટ ખાતે લઇ જવામાં આવ્યો હતો. તંત્ર દ્વારા શબવાહિની પણ વ્યવસ્થા કરવામાં આવી ના હતી. જયારે કવાંટ પોલીસે અકસ્માત નો ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
હાફેશ્વર ખાતે શિવ ભગવાન નું મંદિર આવેલું છે. દર્શન કરવા આવતા ભક્તો નર્મદા નદી ના કિનારે સ્નાન માટે જાય છે. પરંતુ આ ઘટના બનતા હવે લોકો સરકાર પાસે હાફેશ્વર ગામે નર્મદા નદી ઉપર સ્નાન કરવા માટે એક ઘાટ બનાવી આપે તેવી પણ માંગ કરી રહ્યા છે. હાફેશ્વરમાં મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર માંથી બોટ મારફતે લોકો ખરીદી માટે આવે છે અને ફરી બોટ માં જાય છે તેવા લોકો ને કિનારે ઉતરવું પણ મુશ્કેલ થઇ ગયું છે. મગરો નો ભય હાફેશ્વર માં વધતો જાય છે