કવાંટમાં આજરોજ વિશ્વમાં પ્રસિધ્ધિ પામેલા ગેર મેળા મા લાખોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. વહીવટી તંત્ર દ્વારા ગેર મેળામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આદિજાતિ વિકાસ મંત્રી ડો. કુબેર ડીંડોર તેમજ અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરમારે પણ મેળાની મજા માણી હતી.

ગુજરાત રાજ્યના છેવાળાનો તાલુકો કવાંટ જ્યાં ત્રણ રાજ્યની સરહદનો સંગમ થાય છે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદે આવેલા કવાંટ તાલુકામાં ૧૩૩ ગામોનો સમાવેશ થાય છે. આ આદિવાસી બહુલ્ય ધરાવતો વિસ્તાર છે.

કવાંટ તાલુકામાં ૯૦% આદિવાસી પ્રજા ખેતી પર નભે છે. અહીં આદિવાસી પ્રજામાં હોળી પર્વનું ખૂબ જ મહત્વ છે. હોળીના ત્રીજા દિવસે કવાંટ નગરમાં વિશ્વ પ્રસિદ્ધ થયેલા ગેરના મેળામાં કવાંટ તાલુકા તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રની આદિવાસી પ્રજા પરંપરાગત વેશભૂષા ધારણ કરીને લોક નૃત્ય કરીને પ્રજાને મંત્રમુગ્ધ કરે છે.

આ ગેર મેળામાં ઘેરૈયાઓનો આદિવાસી લોક નૃત્ય અને પહેરવેશ જોવાલાયક હોય છે. ઘેરૈયાઓ શરીર પર સફેદ ટપકા, માથા પરનો મોર મુગટ, કમર પર ઘુઘરા લટકાવે છે અને ઢોલના તાલે વાસળીના સુરે તાલથી તાલ મિલાવીને આદિવાસી લોક નૃત્ય કરે છે .

ઘેરૈયાઓ ખભા ઉપર ચડીને ટાવર બનાવે છે અને લોકનૃત્ય કરે છે જેના કારણે લોકો મંત્રમુગ્ધ થઈ જાય છે. કવાંટનો ગેરનો મેળો જે વિશ્વ પ્રસિદ્ધિ પામેલો છે જેના કારણે દર વર્ષે વિદેશી પર્યટકો પોતાના કેમેરામાં ફોટા કેદ કરવા માટે આવે છે.

આજરોજ કવાંટ ગેર ના મેળામાં લાખોની સંખ્યામાં માનવ મેદની ઉમટી પડી હતી. સરકારી વહીવટી તંત્ર દ્વારા ગેર મેળામાં લોકોને પીવાની પાણીની સુવિધા તેમજ અન્ય સુવિધા પૂરી પાડવા માટે આયોજન કરવામાં આવ્યું હતું. તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કવાંટ ગેરનો મેળો યોજાયો હતો.

