Chhotaudepur

કવાંટના રાયસીંગપુરામાં જંગલી જાનવરનો હુમલો: ૫૫ વર્ષીય પ્રોઢને ફાડી ખાતા અરેરાટી

ચહેરા, છાતી સહિત શરીરના અનેક ભાગોમાં ગંભીર ઇજા, ઘટનાસ્થળે જ કરુણ મોત
છોટાઉદેપુર: કવાંટ તાલુકાના રાયસીંગપુરા ગામમાં જંગલી જાનવરના હુમલાની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ગામના હોળી ફળીયામાં રહેતા ૫૫ વર્ષીય અમરસિંગભાઈ કેવજીભાઈ રાઠવા પર અજાણ્યા જંગલી જાનવરે હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.
મળતી માહિતી મુજબ ગત તા. ૨૧/૦૩/૨૦૨૬ સાંજે ૫:૦૦ વાગ્યાથી લઈને તા. ૨૨/૦૩/૨૦૨૬ સવારના ૮:૦૦ વાગ્યા વચ્ચે આ ઘટના બની હતી. અમરસિંગભાઈ પોતાના ઘર નજીક આવેલ કોતર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જંગલી જાનવરે તેમને પકડીને નજીકના ખેતરના સેઢા સુધી ઘસડી ગયા હતા.
જંગલી જાનવરે અત્યંત ક્રૂરતાપૂર્વક હુમલો કરતાં તેમના ચહેરા, છાતી, હાથ-પગ તેમજ ગુપ્ત ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અને માંસ ફાડી ખાધું હતું. આ હુમલાના કારણે તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.
મૃતકના ભાઈ લસુડીયાભાઈ કેવજીભાઈ રાઠવાએ આ અંગે કવાંટ પોલીસ સ્ટેશનમાં જાણ કરતાં પોલીસે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ૨૦૨૩ ની કલમ ૧૯૪ મુજબ અકસ્માતે મોતનો ગુનો (અ.મોત નંબર ૦૮/૨૦૨૬) નોંધ્યો છે અને આગળની તપાસ હાથ ધરી છે.
આ ઘટનાને પગલે રાયસીંગપુરા સહિત આસપાસના પંથકમાં ભારે ફફડાટનો માહોલ સર્જાયો છે. સ્થાનિકોમાં જંગલી જાનવરોના વધતા ખતરા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

રિપોર્ટર: સંજય સોની

Most Popular

To Top