કવાટ તાલુકાના અમલવાટ ગામના રહેવાસી રાઠવા ગણેશભાઈ કવાટ નસવાડી રોડ પર એમજીવીસીએલની કચેરી સામે હોલસેલ અને રીટેલ અનાજ કરિયાણાનો ધંધો કરે છે અને રહે છે. જેમની દુકાનમાં રાત્રિના એક વાગ્યા દરમિયાન આકસ્મિક આગ લાગતા સંપૂર્ણ સામાન બળીને ખાક થઈ ગયો છે.
અમલવાટ ગામના રહેવાસી રાઠવા ગણેશભાઈ કવાંટ નસવાડી રોડ પર એમજીવીસીએલ કચેરીની સામે પ્રોવિઝન સ્ટોર ચલાવે છે જેઓ હોલસેલ અને રીટેલ માં ધંધો કરીને ગુજરાન ચલાવે છે. આગળના ભાગે દુકાન અને પાછળના ભાગે રહેઠાણ છે. રાત્રે તેઓ અસહ્ય ગરમી lના કારણે પોતાના પત્ની અને છોકરાઓ સાથે ઘરના ધાબા ઉપર સુવા માટે ગયા હતા ત્યારે રાત્રી એક કલાકે ઘરમાંથી ધુમાડો નીકળતા તેઓએ પોતાની પત્ની અને બાળકો સાથે તાત્કાલિક ધાબા ઉપરથી નીચે ઉતરીને જોતા સંપૂર્ણ દુકાન અને રહેઠાણનો ભાગ આગની લપેટમાં આવી ગયો હતો. તાત્કાલિક ફાયર બ્રિગેડમાં જાણ કરતા છોટાઉદેપુરથી ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી હતી. ફાયર બ્રિગેડના જવાનો દ્વારા ચાર કલાકની ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી. પરંતુ દુકાન અને ઘરવખરી સંપૂર્ણ બળીને ખાક થઈ ગઈ હતી. ગણેશભાઈના જણાવ્યા મુજબ હાલમાં લગ્ન પ્રસંગ ચાલી રહ્યા છે ત્યારે દુકાનના 3 લાખ રૂપિયા રોકડા તેમજ 18 લાખનો માલ સામાન સંપૂર્ણ બળીને ખાક થઈ ગયો હતો. આગ કારણે ગણેશભાઈ અને તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું