સૌરાષ્ટ્રના વિકાસ માટે ‘અવાર-નવાર’ કોલમમાં શ્રી ડો. નાનક ભટ્ટ લખે છે 6કે સૌરાષ્ટ્રની નદીઓને પરસ્પર જોડવી જોઈએ અને એમાં નર્મદાનાં પાણી, નહેર વાટે નાંખવાં જોઈએ. નદીઓનાં જોડાણોને આપણે ‘વોટરગ્રીડ’ કહીએ છીએ. માજી વડા પ્રધાન શ્રી મોરારજી દેસાઈનું એક ઉમદા સ્વપ્ન હતું કે દેશની મોટી બારમાસી નદીઓ જેવી કે ગંગા, જમના, નર્મદા, ગોદાવરી તથા તુંગભદ્રા જેવી નદીઓને, નહેરો વાટે પરસ્પર જોડવામાં આવે. આમ થવાથી સમગ્ર ભારતમાં કયારેય પાણીની અછત રહે નહિ. પરંતુ આ મહાકાય પ્રોજેકટ ઉપર અત્યારે તો સૌનું મૌન જ છે.
આપશ્રી ત્યાં ભરૂચના દરિયાકિનારા અને ભાવનગરના દરિયાકિનારા વચ્ચે એક મહાકાય બંધ બાંધવાનો ખૂબ જ ખર્ચાળ પ્રોજેકટ કે જેનું નામ ‘કલ્પસર યોજના’ આપવામાં આવેલ છે એની પ્રગતિ કેટલી થઇ તથા એમાં કેટલું આગળ વધાયું છે, એની હાલ તો કોઇ જાણકારી નથી.એટલું ખરું કે આ ભરૂચ-ભાવનગર વચ્ચેના દરિયાઈ બંધ માટે ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ, સારો એવો રસ દાખવેલો હતો અને બંધ માટેનું ભૂમિપૂજન પણ થયેલું હતું.આ બંધ બાંધવાથી હાલ જે ખંભાનો ખારા પાણીનો અખાત છે તે જતે દહાડે મહાવિશાળ, મીઠા જળના સરોવરમાં તબદિલ થઇ જશે અને એ સરોવરમાં નર્મદા, મહિસાગર તથા સૌરાષ્ટ્રની નદીઓનું પાણી ઠલવાતું રહેશે.
એટલે વરસાદી પાણીની અછત કયારેય રહેશે નહિ. આવા મીઠા પાણીના ભરેલા સરોવરમાંથી નહેરો દ્વારા તથા પાઈપ લાઈનો દ્વારા સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં પાણી પહોંચાડી શકાશે. બંધ ઉપર રેલ્વે લાઈન પણ હશે અને રોડ પણ હશે.એટલે દક્ષિણ ગુજરાતમાંથી ભાવનગર તરફ પહોંચવા માટેની સુવિધા પણ મળશે. ડો.અનિક કાણેની ડિઝાઈન કરેલા આ કલ્પસર યોજના સાકાર પામે તો, ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રની કાયાપલટ જરૂર થઇ શકે. સૌરાષ્ટ્રની જમીન ખૂબ ફળદ્રુપ છે. સૌરાષ્ટ્રવાસીઓ મજાકમાં કહેતા હોય છે કે ‘જો અમને ખેતી માટે પૂરતું પાણી મળે તો અમે ‘માણસ’ પેદા કરી શકીએ. માટે કરીને સૌરાષ્ટ્રની પાણીની અછતને દૂર કરવા માટે ખંભાતના અખાતને નાથવાની આ કલ્પસર યોજનાને ઝડપથી આગળ ધપાવવી જોઈએ.
સુરત – બાબુલાલ નાઈ- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
એક દિવસની અભિવ્યકિત પ્રેમ છે?
વેલેન્ટાઇન ડે વિશ્વમાં પ્રેમ દિન તરીકે ઉજવાય છે. પરસ્પર પુષ્પોની આપ-લે કરી પ્રેમની અભિવ્યકિત કરાય છે અને જુઓ તો ખરા આપણે ત્યાં કામદેવના હાથમાં પણ પુષ્પોનું જ ધનુષ્ય બાણ દર્શાવ્યું છે કેવો યોગાનુયોગ પ્રેમ શું માત્ર એક દિવસની જ અભિવ્યકિતનું નામ છે? ખરેખર તો પ્રેમ આત્માથી પરમાત્મા સુધી દોરી જનાર સર્વવ્યાપક સંવેદનાનું નામ છે પણ આપણે તો સૌ માત્ર સ્ત્રી પુરુષ વચ્ચે પાંગરતા પ્રેમને જ પ્રેમ સમજી રહ્યા છીએ. અમસ્તું જ કંઇ પુષ્પ પ્રેમની અભિવ્યકિતનું પ્રતીક નથી. ખરેખર તો પ્રેમ પુષ્પની સુવાસિતની જેમ જ પ્રસરતો હોવો ઘટે. પુષ્પની સુવાસની જેમ જ તે સર્વવ્યાપક હોવો ઘટે. તે જ સાચુકલો પ્રેમ હોઈ શકે, બાકી આજકાલ પ્રેમના નામે જે પ્રપંચો તરકટો ચાલી રહ્યા છે તે આપણે સૌ જોઇ રહ્યાં છીએ. તે અન્ય બીજું કંઇ પણ હોઈ શકે પણ તમે જ કહો તેને પ્રેમ કહી શકાય ખરો?
નવસારી – ગુણવંત જોષી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.