યુદ્ધના માહોલમાં રાષ્ટ્રીય સલામતી માટે કલેક્ટરે જાહેર કરેલા પ્રતિબંધો ભાજપના રાજકીય પીઠબળ હેઠળ ટેસ્ટ ઓફ વડોદરામાં આયોજકો ધોળીને પી ગયા
વીડિયો વાયરલ થતા જાહેરનામાના ગુનાના ભંગ બદલ પોલીસ ફરિયાદ નોંધાઇ, પણ ડ્રોન ઓપરેટરને બલિનો બકરો બનાવાયો
વડોદરા : વડોદરાના સેવાસી અંકોડિયા સ્થિત શિવાય ફાર્મમાં ટેસ્ટ ઓફ વડોદરા નામની ઇવેન્ટ ચાલી રહી છે. આ ઇવેન્ટમાં રાજ્ય સરકારના ડ્રોન નહીં ઉડાડવા તેમજ ફટાકડા નહીં ફોડવાના નિયમો નેવે મુકી દેવામાં આવ્યા છે. વડોદરા તાલુકા પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી, જેમાં ટેસ્ટ ઓફ વડોદરાના આયોજકો વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરીને વધુ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. બીજી તરફ ડ્રોનનો વીડિયો સોશિયલ મીડિયામાં વ્યાપક પ્રમાણમાં વાયરલ થતા પોલીસની ઊંઘ ઉડી ગઈ હતી. અને ડ્રોન ઉડાડનારને શોધી કાઢીને તેના વિરૂદ્ધ જાહેરનામા ભંગની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
24 દિવસ સુધી ચાલનારી ઇવેન્ટમાં વિવિધ આર્ટીસ્ટના લાઇવ પરફોર્મન્સ સહિતના કાર્યક્રમોની આયોજકો દ્વારા જાહેરાત કરવામાં આવી છે. હાલમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી પરિસ્થિતીના કારણે પ્રજાની સુરક્ષા અને સલામતી માટે જીલ્લા કલેક્ટરે ફટાકડા ફોડવા તેમજ ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ મૂકવાનું જાહેરનામું બહાર પાડ્યું છે..પરંતુ આ ઈવેન્ટના આયોજકોએ આ નિયમો પાળ્યા નથી. શનિવારે કાર્યક્રમ મા સાચેત અને પરંપરાના કાર્યક્રમનો શો ચાલુ હતો ત્યારે ડ્રોન દ્વારા વીડિયો વાયરલ કરવા માં આવ્યા હતા.
બીજી તરફ આ ઘટનાનો ડ્રોન વીડિયો વાયરલ થતા તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલિસે આયોજક નિકુજ પારેખને બોલાવીને તેની પુછપરછ કરતા તેણે જણાવ્યું કે આ વીડિયો આયોજકોની મંજુરી વગર લેવામાં આવ્યો છે. ડ્રોન વીડિયો બનાવનાર અક્ષય ચંદુભાઇ પરમાર વિરૂદ્ધ જાહેરનામાં ભંગનો ગુનો દાખલ કર્યો હતો.

આટલી કડક સિક્યુરિટી વચ્ચે ડ્રોન ઊડ્યું ક્યાંથી?
આયોજકોએ સમગ્ર ઇવેન્ટની સુરક્ષા અર્થે સિક્યુરિટી વ્યવસ્થા પણ રાખેલી છે તેમજ તાલુકા પોલીસ પણ ખડે પગે ફરજ બજાવે છે. છતાં જાહેરમાં ડ્રોન ઉડ્યું તે પોલીસ વિભાગના એક પણ જવાન કે અધિકારીઓની નજરે ચડ્યું જ નહીં. આતો ડ્રોન ના વિડીયો વાયરલ થયા એટલે પોલીસે આબરૂ બચાવવા અરજીના આધારે માત્ર ડ્રોન ઉડાડનાર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો મહત્વની બાબત તો એ છે કે ડ્રોન ઉડાવનારને બોલાવ્યો કોણે ? આટલી સિક્યુરિટી વચ્ચે ડ્રોન લઈને આવ્યો કેવી રીતે? અને કોના ઇશારે ડ્રોન ઉડાવ્યા તે બાબતના એક પણ જવાબ પોલીસ કે સરકારી તંત્ર પાસે છે જ નહીં.
નિયમોના ભંગ બદલ 16 મુદ્દાની અરજી કલેક્ટરમાં પણ કરવામાં આવી
શહેરના નાગરિકે નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે 16 મુદ્દાની અરજી કલેકટર અને તાલુકા પોલીસ મુથકને આપેલી હતી. તાલુકા પોલીસે તો ગુનાહિત કૃત્ય ઉપર ઢાંક પીછોડો કરી રહ્યા હોય તે મુજબની કાર્યવાહી કરી .પરંતુ કલેક્ટરના જાહેરનામાંનો ભંગ થયો છે તે બાબતે કલેક્ટર કચેરી તરફથી શું પગલાં લેવાય છે તે જોવું રહ્યું. અરજીમાં એમ પણ જણાવ્યું છે કે વિશ્વમાં લોક ચાહના મેળવી ચૂકેલી ipl જો દેશના હિત ખાતર રદ કરવી પડે તો આવી ઇવેન્ટને પરવાનગી કોણે આપી? ભાજપનો એક પણ દિગ્ગજ નેતા વિરોધ પણ ના કરી શક્યો? આવી ઇવેન્ટ માટે રાજ્યનું એવું તો કયું મોટું માથું છે કે જેના ઇશારે વડોદરા ના નેતાઓ મોઢામાં મગ ભરીને બેસી ગયા.