બોલિવૂડની ચમકતી દુનિયામાં સ્ટાર્સની લાઇફસ્ટાઇલ, બ્લોકબસ્ટર ફિલ્મો અને ગ્લેમરની પાછળ ઘણી એવી બાબતો છુપાયેલી છે જેની સેલેબ્રિટીઝ ચર્ચા કરી રહ્યાં છે. એક તરફ બે કલાક ચાલતી ફિલ્મ છે તો બીજી તરફ એ ફિલ્મ બનાવવા પાછળ લાગતો સમય. આ સમયને લઇ, આ સમયે ચર્ચા ચાલી રહી છે સ્ટાર્સનાં વર્કિંગ અવર્સ એટલે કામના કલાકો અને ઓવરટાઈમની. જો મોટા ભાગની જગ્યા એ કામના કલાકો ફિક્સ હોય છે તો ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કેમ નહીં? આ સવાલને ઉદાહરણ પૂરું પડતાં દીપિકા પાદુકોણ જે હમણાં બીગબજેટ ફિલ્મોની શોધમાં છે અને થોડા સમય પહેલા જ ‘દુઆ’ની મમ્મી બની છે તેણે પોતાને મળેલી ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાંગા અને પ્રભાસ સાથેની ફિલ્મ ‘સ્પિરિટ’ છોડી દીધી અને તેનું કારણ – તે કામ કરવાનો સમય 8 કલાકનો જ રાખવા માંગતી હતી.
(જો કે સામે તેને 20-25 કરોડ ફી પણ મળવાની હતી.) દીપિકાનું કહેવું એટલું જ હતું કે અમે પણ માણસ છે બીજા બધાની જેમાં અમારા પણ પરિવાર હોય, થાકી જવાય એટલે કામના કલાકો ફિક્સ કરવામાં આવે અને આનાથી બોલિવૂડમાં કામના કલાકો હોવા જોઈએ કે નહીં તેની ચર્ચા શરૂ થઇ. આ ડિબેટ શરૂ થતા જ ઘણા બધા એક્ટરોએ લાંબા કામના કલાકો, વીકમાં 6 થી 7 દિવસનું શૂટિંગ અને આરામ નહીં મળવા અંગે ખુલાસા કર્યા છે. આ ચર્ચા હવે માત્ર ઇન્સ્ટ્રી સુધી સીમિત નહીં રહેતા સોશ્યલ મીડિયા સુધી પહોંચી છે અને વચ્ચે પ્રોડક્શન હાઉસ, ફિલ્મ મેકર્સ અને ઑડિયન્સ પણ એમાં ભાગ લઇ રહ્યાં છે.
બોલિવૂડમાં એક સામાન્ય શૂટિંગનો સમય લગભગ 12થી 16 કલાક સુધીનો હોય છે. ઘણીવાર એમ પણ બને કે શૂટિંગ હજુ બાકી હોય ત્યારે આ કલાકો વધી જાય. એમાં દીપિકા એ એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, “અમારા માટે તો એક દિવસનો આરામ કોઈ લક્ઝરી જેવો છે. એક સમય એવો પણ હતો જ્યારે 18 કલાકનું શેડ્યૂલ પૂરુ કરી બીજા દિવસે પણ સવારે 6 વાગ્યે ફરી શૂટમાં જવું પડતું. “તે સમયે આને ‘પ્રોફેશનલિઝમ’ કેહવું કે શું તે મને ખબર પડતી નહી” તો છપાકમાં દીપિકા સાથે કામ કરેલું તેવા વિક્રાંતએ તેમાં હોંકારો પૂરાવતા કહ્યું કે “મારા લગ્નના બીજા જ દિવસે હું નવા વેબ શો માટે શૂટિંગ પર હતો. મને કાયમ લાગતું કે આપણે ઇમોશનલ વર્કર બની ગયા છીએ”
આ ડિબેટમાં સૌથી લેટેસ્ટ કોમેન્ટ છે રશ્મિકાની તેણે જણાવ્યું કે પુષ્પાની શૂટિંગ દરમ્યાન, ઘણીવાર તેને ઊંઘ માટે 3 કલાક પણ મળતા નહીં. ‘લાંબા દિવસો સુધી સતત કામ કરીએ પછી એકદમ એકલતા અનુભવાતી. સાઉથમાં અમે સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી કામ કરીએ છીએ, જાણે કે ઓફિસનો સમય હોય એમ જ. શૂટિંગ પછી, અમે પરિવાર સાથે સમય વિતાવીએ પણ બોલિવૂડમાં મને સમજાયું કે સવારે 9 થી રાત્રે 9 વાગ્યા સુધીની શિફ્ટ છે, 12 કલાક કામ છે. પણ અભિનેતા તરીકે હું આ બંને કામના કલાકો માટે તૈયાર છું કારણ કે કંપનીને આની જરૂર છે’ તો બીજી તરફ પ્રોડ્યૂસરોનું કહેવું છે કે શૂટિંગનો ખર્ચ, લોકેશન રેન્ટ, કેમરા સેટ અપ, સેટ પર હાજર બીજા 200-300 ક્રૂ મેમ્બર્સ; આ બધાનાં સમયનો પણ અમારે ધ્યાન રાખવું પડે, ત્યારે એક્ટરને ફિક્સ સમયમાં કામ કરાવવું વાસ્તવમાં શક્ય નથી.
આ આખી ચર્ચા આપણે જોવું જોઈએ કે, કલાકારને જો યોગ્ય વાતાવરણ આપવામાં આવે તો તેમનો ક્રાફટ વધુ સારો બની શકે છે. સતત 10-12 કલાક કેમેરા, લાઈટ, મેકઅપમાં રહ્યા પછી આરામ અને પરિવાર સાથે રહેવું પણ જરૂરી જ છે. તો સાથે એ પણ જોવું જોઈએ કે એક ફિલ્મ ફક્ત એક્ટર્સને કારણે નથી બનતી તેમનાં આવવાં પહેલા અને તેમના ‘પેક અપ’ બાદ પણ કેટલાયે કલાકો સુધી તેમના કરતા ખૂબ ઓછા પૈસામાં ખૂબ બધું કામ કરતાં ક્રૂ હોય છે. ડિરેક્ટર્સ અને પ્રોડ્યૂસરોની તરફથી જોતા ટાઈટ શેડ્યૂલ્સ, મોંઘા લોકેશન્સ અને ખરાબ વેધર કંડિશન્સમાં આ કામ પૂરું કરવું પડતું હોય છે. અને જ્યાં એક તરફ કોઈ ઉદ્યોગપતિ 70 કલાક કામની વાતો કરતા હોય, નિયમ પ્રમાણે અઠવાડિયામાં 48 કલાક કામ કરવાનું હોય ત્યાં આ ડિબેટનો કોઈ ખાસ અંત હાલ દેખાતો નથી પણ સિનેમા બદલાઈ રહ્યું છે. આ બધા વચ્ચે સારી ફિલ્મો સમયસર જોવા મળતી રહે તો જનતા જનાર્દન ખુશ. •