Vadodara

કરોડોના ખર્ચે ખરીદેલી 15 બોટ પુરમાં જ કામ આવી નહિ

પૂરના સંજોગોમાં બચાવ કામગીરી માટે ખરીદવામાં આવેલી 15 કરતાં વધુ સ્પીડ બોટ ધૂળ ખાતી પડી રહી



ગુજરાતમાં આ સપ્તાહની શરૂઆતથી વરસાદે ભારે વિનાશ વેર્યો છે, તેમાં પણ વડોદરામાં વિશ્વામિત્રી નદી ગાંડીતૂર બનતાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે, ગુરુવારે શહેરમાં વરસાદે થોડો વિરામ લેતાં લોકોએ રાહત અનુભવી હતી. પરંતુ આવા સમયે ભાજપના સરકારી તંત્રમાં સરકારી બાબુઓની ઘોર બેદરકારી સામે આવી છે.
વડોદરાવાસીઓ છેલ્લા ચાર દિવસથી પૂરના પાણીમાં ફસાયા હતા ત્યારે તેઓ સરકારી તંત્ર તરફથી બચાવ કામગીરીની આશા રાખી રહ્યા હતા, પરંતુ આ સમયે વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2016માં પૂરના સંજોગોમાં બચાવ કામગીરી માટે ખરીદવામાં આવેલી 15 કરતાં વધુસ્પીડ બોટ ધૂળ ખાતી પડી રહી હતી.

વડોદરાના લોકો હવે એક સૂરે બોલી રહ્યાં છે કે, વડોદરાને ડૂબાડવામાં કોર્પોરેશનના નફફટ શાસકોનો બહુ મોટો ફાળો છે અને પૂર વખતે સયાજીપુરા ખાતેની આરટીઓ કચેરીમાં ધૂળ ખાતી પડી રહેલી બોટોનો ઉપયોગ કરવાનું પણ શાસકોને યાદ આવ્યું નહોતું અથવા તો અધિકારીઓ અને નેતાઓએ આ બોટોનો ઉપયોગ કરવાની તસદી લીધી નહોતી.

મળતી વિગતો પ્રમાણે 2016માં આ બોટો કરોડોના ખર્ચે ખરીદવામાં આવી હતી. જેથી પૂરના સમયે બચાવ કામગીરી માટે તેનો ઉપયોગ કરી શકાય. આ પૈકી કેટલીક બોટોની ક્ષમતા 1200 કિલો વજન વહન કરવાની છે. એટલે કે આવી બોટમાં 15 થી 20 લોકોને આસાનીથી બેસાડી શકાય તેમ છે.
જોકે વડોદરા મંગળવાર અને બુધવારે અભૂતપૂર્વ પૂરનો સામનો કરી રહ્યું હતું ત્યારે આ બોટો પાણીમાં હોવાની જગ્યાએ આરટીઓ કચેરીના ખૂણામાં શેડની નીચે પડી રહી હતી. તેના પર ધૂળનો થર જામેલો જોવા મળી રહ્યો હતો. આ બોટોનો ઉપયોગ કરાયો હોત તો બે દિવસમાં હજારો લોકોને સલામત સ્થળે ખસેડી શકાયા હોત. આ ઘોર બેદરકારી બદલ જવાબદારો સામે કાર્યવાહી થવી જોઈએ તેવી માગ થઈ રહી છે.

Most Popular

To Top