ખાડાનું ખોદકામ કે મોતનો કૂવો? પાલિકાના કામમાં બેદરકારીનો ભોગ બન્યો કામદાર!
; બેદરકારી દાખવનાર કોન્ટ્રાક્ટર સામે કેમ પગલાં નહીં?
વડોદરા : શહેરના લક્ષ્મીપુરા-કરોડીયા રોડ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટર દ્વારા ચાલી રહેલા પાઇપલાઇનના લિકેજ સમારકામ દરમિયાન આજે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. સમારકામ માટે ખોદવામાં આવેલા ઊંડા ખાડામાં અચાનક માટી ધસી પડતાં એક શ્રમિક તેમાં ફસાઈ ગયો હતો. જોકે, આસપાસના જાગૃત નાગરિકોની ત્વરિત કાર્યવાહીના કારણે કામદારનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ, લક્ષ્મીપુરા-કરોડીયા રોડ પર છેલ્લા કેટલાક દિવસોથી પાણીની પાઇપલાઇનમાં લિકેજની સમસ્યા હતી. જેના નિરાકરણ માટે પાલિકાએ કોન્ટ્રાક્ટર મારફતે સમારકામ શરૂ કરાવ્યું હતું. કામદારો દ્વારા રોડ પર મોટો અને ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. આજે જ્યારે એક કામદાર ખાડામાં ઊતરીને કામ કરી રહ્યો હતો, ત્યારે અચાનક જ ખાડાની કિનારી પરની માટીનો મોટો જથ્થો ધસી પડ્યો હતો.
માટી ધસવાને કારણે કામદાર ખાડામાં દટાઈ ગયો હતો અને બહાર નીકળવાની સ્થિતિમાં નહોતો. અકસ્માત થતાં જ અન્ય કામદારો અને ત્યાં હાજર લોકોમાં ગભરાહટ ફેલાયો હતો.
સદનસીબે, આ ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક નાગરિકો મદદ માટે દોડી આવ્યા હતા. કોઈપણ જાતની રાહ જોયા વિના, લોકોએ તાત્કાલિક ધોરણે માટી હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હતી. લાંબી અને જહેમતભરી બચાવ કામગીરી બાદ, સ્થાનિક લોકોની મદદથી ફસાયેલા કામદારને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. બહાર કાઢવામાં આવેલા કામદારને નાની-મોટી ઇજાઓ થઈ હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તેનો જીવ બચી ગયો છે.
આ ગંભીર ઘટના બાદ વિવાદ સર્જાતા અને વધુ કોઈ અકસ્માત ન થાય તે માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા હતા. પાલિકાના અધિકારીઓએ ઘટનાસ્થળે પહોંચીને અધૂરા સમારકામના સ્થળની ફરતે સુરક્ષા હેતુથી બેરીકેડીંગ કરાવ્યું છે. જોકે, સ્થાનિકોએ કોન્ટ્રાક્ટર દ્વારા સમારકામમાં બેદરકારી દાખવવામાં આવી હોવાનો અને પૂરતી સુરક્ષા વ્યવસ્થા ન રાખવામાં આવી હોવાનો આક્ષેપ કર્યો છે.
આ ઘટનાએ શહેરમાં ચાલી રહેલા વિકાસ કાર્યો દરમિયાન કામદારોની સુરક્ષા અને જાહેર માર્ગો પર સલામતીના પ્રશ્નો ફરી એકવાર ઊભા કર્યા છે. પાલિકા આ મામલે કોન્ટ્રાક્ટર સામે કોઈ પગલાં લે છે કે કેમ, તે જોવું રહ્યું.