અમેરિકાના 50% ડબલ ટેરિફની અસર ફક્ત વેપાર આંકડાઓ સુધી મર્યાદિત રહેશે નહીં – તે ભારતના મજૂરો, કારીગરો, નાના ઉદ્યોગો અને સામાન્ય ખરીદદારો સુધી પહોંચશે. કરોડો નોકરીઓને સીધી ધમકી જ છે એવું સમજી લેજો. બધા ભલે ગમે તે કહે – શું જાય છે પણ ખરેખર આંકડાઓ તપાસીએ ત્યારે આંખ પહોળી થઈ જાય એવી સ્થિતિ છે. વિવિધ ક્ષેત્ર મુજબ આકલન કરીએ તો ચિત્ર પાણીની જેમ સ્પષ્ટ છે. અમેરિકાએ ભારતમાંથી આવતાં ઉત્પાદનો પર 50% ટેરિફ (કસ્ટમ ડ્યુટી) લાદ્યો હતો, ત્યારે તે ફક્ત કંપનીઓ કે સરકારનો વિષય નહોતો – તે તમને એટલે કે સામાન્ય ભારતીય ગ્રાહક અને મજૂર વર્ગને સીધી અસર કરશે, નક્કી છે. સરળ ભાષામાં સમજીએ કે આનાથી કયાં ક્ષેત્રો સૌથી વધુ પ્રભાવિત થશે અને તેની રોજિંદા જીવન, નોકરીઓ અને કિંમતો પર શું અસર થશે.
સૌથી પહેલા વાત કરીએ, કાપડ અને ગાર્મેન્ટ ક્ષેત્રની. અમેરિકા ભારતીય રેડીમેડ ગાર્મેન્ટનો સૌથી મોટો ખરીદદાર છે. દર વર્ષે ભારતમાંથી અમેરિકામાં 1.3 લાખ કરોડ રૂપિયાથી વધુના કાપડની નિકાસ થાય છે. ડબલ ટેરિફ પછી ભારતીય કપડાં ત્યાં 50% વધુ મોંઘાં થઈ જશે, જેના કારણે અમેરિકન કંપનીઓ બાંગ્લાદેશ, વિયેતનામ અને મ્યાનમાર જેવા સસ્તા સ્ત્રોતો તરફ સ્થળાંતર કરશે, એ નક્કી છે.
તો, સામાન્ય માણસને કેવી રીતે અસર થશે, એ સમજીએ. ભારતમાં આ ક્ષેત્રમાં લાખો કામદારો (ખાસ કરીને મહિલાઓ) કામ કરે છે. હવે જો નિકાસ ઘટશે, તો સ્વાભાવિક રીતે ઓર્ડર પણ ઘટશે. જેના કારણે ફેક્ટરીઓ બંધ થઈ શકે છે. પરિણામે, નોકરીઓ ગુમાવવનો સમય આવશે. ભારતના કાપડ મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં લગભગ 45 મિલિયન (4.5 કરોડ) લોકો સીધા કે પરોક્ષ રીતે કપડાં ક્ષેત્ર સાથે સંકળાયેલા -છે.
બીજું ક્ષેત્ર છે રત્નો અને ઝવેરાત (હીરા, સોનું, ચાંદીના ઝવેરાત). અમેરિકા ભારતમાંથી સૌથી વધુ પોલિશ્ડ હીરા અને ઝવેરાત ખરીદે છે. 50% ટેરિફને કારણે, અમેરિકન ગ્રાહકો મોંઘા ઉત્પાદનો ખરીદશે નહીં અને ઓર્ડર ઘટવાનો ભય રહ્યો છે. આની સામાન્ય માણસ પર શું અસર થશે, એ સમજીએ. સુરત, જયપુર, કોલકાતા જેવા શહેરોમાં હજારો કારીગરો આ ઉદ્યોગ પર નિર્ભર છે. નાના વેપારીઓ અને હસ્તકલા કારીગરો ટેરિફથી સૌથી વધુ પ્રભાવિત થશે. GJEPC ઇન્ડિયાના અહેવાલ મુજબ, ભારતમાંથી અમેરિકામાં રત્નો-ઝવેરાતની વાર્ષિક નિકાસ 2.5 લાખ કરોડ રૂપિયા છે. આ આંકડા પરથી તમે પોતે જ નુકસાનનો અંદાજ લગાવી શકો છો.
ત્રીજું ક્ષેત્ર છે – ફૂટવેર અને ચામડાની ચીજવસ્તુઓ (જૂતા, ચંપલ, બેગ). અમેરિકા ભારતમાંથી ચામડાની બનાવટોનો મોટો ખરીદદાર છે. ટેરિફમાં વધારાથી અમેરિકામાં ભારતીય ફૂટવેર મોંઘા થશે અને તેમનું વેચાણ ઘટશે. કાનપુર, આગ્રા, ચેન્નાઈ જેવા શહેરોમાં હજારો ઉત્પાદન એકમોને સીધી અસર થશે. પરિણામે ચામડાના ક્ષેત્રમાં કામ કરતા દૈનિક વેતન મજૂરોની આવક પર કાતર ફેરવાશે.
ચોથું ક્ષેત્ર – ફાર્માસ્યુટિકલ્સ અને આરોગ્ય સંભાળ. આ એક એવું ક્ષેત્ર છે, જેમાં ટ્રમ્પે ટેરિફમાં થોડી રાહત આપી છે. હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે આ ક્ષેત્રને શું રાહત મળી છે? જવાબ એ છે કે અમેરિકાએ દવાઓ અને ફાર્મા એપીઆઈ પર ટેરિફ વધાર્યો નથી, કારણ કે તે પોતે તેમના પર નિર્ભર છે. પરંતુ, જો બંને દેશો વચ્ચેના સંબંધો વધુ બગડે, તો ભવિષ્યમાં પણ તેની અસર થઈ શકે છે.
ફાર્માસ્યુટિકલ્સ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ફાર્મેક્સિલ)ના જણાવ્યા મુજબ, ભારત દર વર્ષે 30 અબજ ડૉલર (લગભગ 2.5 લાખ કરોડ રૂપિયા)ની દવાઓ અમેરિકામાં નિકાસ કરે છે. આવી સ્થિતિમાં જો આ ક્ષેત્ર પર ટેરિફ લાદવામાં આવે તો કેટલી અરાજકતા સર્જાશે, તેની કલ્પના કરવી મુશ્કેલ નથી.
પાંચમું ક્ષેત્ર સ્માર્ટફોન અને ઇલેક્ટ્રોનિક્સ છે. એપલ, સેમસંગ જેવી કંપનીઓ ભારતમાં ઉત્પાદન કરે છે અને તેને અમેરિકા મોકલે છે. આ ક્ષેત્રને હાલમાં ટેરિફ મુક્તિ મળી છે પરંતુ ખતરો હજુ પણ છે. જો ટેરિફ નીતિ વધુ કડક બને છે, તો ઇલેક્ટ્રોનિક ક્ષેત્રમાં રોકાણ બંધ થઈ શકે છે. અહીં પણ હજારોની રોજગારીને અસર થઈ શકે છે.
અમેરિકા દ્વારા ભારતીય ઉત્પાદનો પર આયાત ડ્યુટી (ટેરિફ)માં 50% સુધીનો વધારો ભારતના કામદારો, ઉદ્યોગો અને ગ્રાહકો પર સીધી અસર કરશે. સૌથી મોટો ફટકો રોજગારને પડશે, ખાસ કરીને કાપડ, ઝવેરાત, ફૂટવેર અને MSMI ક્ષેત્રોમાં. આ ક્ષેત્રો સાથે સંકળાયેલા કરોડો લોકોની નોકરીઓ જોખમમાં છે, કારણ કે અમેરિકા આ ઉત્પાદનોનો સૌથી મોટો ખરીદદાર છે. આખું આર્થિક ચક્ર સમજીએ તો, નિકાસમાં ઘટાડો થવાથી ભારતીય કંપનીઓની આવકમાં ઘટાડો થશે, જેની સીધી અસર પગાર, બોનસ અને નવી રોજગારીની તકો પર પડશે. ઘણી કંપનીઓ છટણીનો આશરો લઈ શકે છે અથવા પગારમાં કાપ જેવા કડક પગલાં લઈ શકે છે.

આ સાથે ફુગાવાનો ભય પણ છે. USમાંથી કાચા માલ અથવા ટેકનોલોજીનો ઉપયોગ કરતા ઉત્પાદનોમાં ઇનપુટ ખર્ચ વધવાની સંભાવના છે. આનો બોજ આખરે સામાન્ય માણસ પર પડશે. ખર્ચ અને ધિરાણના પડકારનો સામનો કરી રહેલા MSMI ક્ષેત્ર પર આ ટેરિફને કારણે વધુ દબાણ આવશે. નિકાસ ઘણા નાના ઉદ્યોગો માટે ખોટનો સોદો બની શકે છે.
નીતિની દૃષ્ટિએ, ભારત હવે નવા નિકાસ બજારો શોધવાના પડકારનો સામનો કરી રહ્યું છે – આપણે હવે આફ્રિકા, લેટિન અમેરિકા, દક્ષિણ પૂર્વ એશિયા જેવા પ્રદેશોમાં વેપાર વધારીને આ નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ કરવો પડશે. આ સમગ્ર પરિસ્થિતિએ ભારતને તેની વેપાર વ્યૂહરચના પર પુનર્વિચાર કરવાની ફરજ પાડી છે.
ખાસ કરીને MSMI અને શ્રમ-સઘન ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે, જ્યાં રોજગારને સીધી અસર થઈ શકે છે.
ઉપરાંત, અમેરિકી વહીવટીતંત્ર સાથે રાજદ્વારી વાટાઘાટો વધુ તીવ્ર બનાવવામાં આવી છે. ભારતીય દૂતાવાસ અને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ વોશિંગ્ટનમાં અમેરિકી પ્રતિનિધિઓ સાથે સતત સંપર્કમાં છે. આ ટેરિફ વિવાદનો રાજદ્વારી ઉકેલ શોધવાનો ઉદ્દેશ્ય છે, જેથી દ્વિપક્ષીય વેપાર અને સંબંધોમાં વધુ તણાવ ન વધે. આ ઉપરાંત, સરકાર નિકાસકારોને નવા બજારો સાથે જોડવાની રણનીતિ પણ બનાવી રહી છે. ખાસ કરીને આફ્રિકા, મધ્ય એશિયા અને મધ્ય પૂર્વ જેવા પ્રદેશોને નવી વ્યવસાયિક તકો તરીકે જોવામાં આવી રહ્યા છે. આ માટે વિવિધ મંત્રાલયો વચ્ચે સંકલન કરવામાં આવી રહ્યું છે, જેથી ભારતીય ઉત્પાદનો આ બજારોમાં ઝડપથી પ્રવેશ કરી શકે અને અમેરિકાથી થતાં નુકસાનની ભરપાઈ કરી શકાય.
ખરેખર ભારતનું અર્થતંત્ર મજબૂતીથી આગળ વધી રહ્યું છે. આમ છતાં અમેરિકાના 50% ડબલ ટેરિફની અસર ફક્ત વેપારના આંકડા સુધી મર્યાદિત રહેશે નહીં – તે ભારતના મજૂરો, કારીગરો, નાના ઉદ્યોગો અને સામાન્ય ખરીદદારો સુધી પહોંચશે. આ જ સમય છે કે ભારત વૈવિધ્યકરણ, નવી ભાગીદારી અને સ્થાનિક બજાર પર ધ્યાન કેન્દ્રિત કરે – અન્યથા સામાન્ય ભારતીયને વૈશ્વિક ટેરિફ રાજકારણનું સૌથી મોટું નુકસાન ભોગવવું પડશે.