લંડનથી આવેલા મહિલાને અહીં આવવું નહીં તેવી ધમકી આપી
આણંદના કરમસદ ગામે રહેતા 65 વર્ષિય વૃદ્ધના વિદેશ રહેતા સંબંધીની જમીન બે ભાઇએ પચાવી પાડી હતી. આ બન્ને ભાઇએ વૃદ્ધને જમીન પર ન આવવા ધમકી પણ આપી હતી. આ અંગે વિદ્યાનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
કરમસદના નવા ધરામાં રહેતા મુકુન્દભાઈ શાંતિલાલ પટેલ (ઉ.વ.65) કેબલ નેટવર્કનો વ્યવસાય કરે છે. તેમના દુરના સગા કાશ્મીરાબહેન રાજેન્દ્રભાઈ ઇનામદાર (રહે.દહેગામ) હાલ લંડન રહે છે. આ કાશ્મીરાબહેને 1993માં કરમસદમાં જમીન ખરીદી હતી. તેઓએ આ જમીન ભુપેન્દ્રભાઈ ચુનીલભાઈ પટેલ પાસેથી વેચાણ રાખી હતી. જોકે, કાશ્મીરાબહેનને લંડન જવાનું હોવાથી જમીન સાચવવા માટે કૌશીક ઇનામદારને જવાબદારી સોંપી હતી. પરંતુ કૌશીકે તેમને ત્યાં કામ કરતાં કલ્પેશ રાવજી પરમાર, અલ્કેશ રાવજી પરમારને 2015માં જમીનમાં આવેલી ઓરડી રહેવા માટે આપી હતી. જેમાં કલ્પેશ, અલ્કેશ અને રંજનબહેન રહેતાં હતાં. આ કાશ્મીરાબહેન 2022માં પરત આવ્યા અને કરમસદ ખાતે તેમની જમીન જોવા માટે ગયાં તે સમયે કલ્પેશ, અલ્કેશ અને રંજન ઓરડીમાં રહેતાં હતાં. તેમને ઓરડી ખાલી કરવાનું કહેતાં, તેઓએ આ જગ્યા ભુપેન્દ્ર ચુનીભાઈ પટેલે આપેલી છે. તમારે અહીં આવવું નહીં. જોકે, કાશ્મીરાબહેન લંડન જતાં રહ્યાં હતાં. આ સમયે તેઓએ જમીનની પાવર ઓફ એટર્ની મુકુન્દ પટેલને લખી આપી હતી. મુકુંદભાઈએ કરમસદના બંટી પટેલ, અજીતભાઈ જે ક્ષત્રિય સમાજના આગેવાન હોવાથી સમાધાન માટે ગયાં હતાં. પરંતુ ત્રણેયે સમાધાન કર્યું હતું. આખરે આ અંગે કલેક્ટર કચેરીમાં ફરિયાદ દાખલ કરતાં તપાસ શરૂ થઇ હતી. જેમાં જમીન કાશ્મીરાબહેનની જ હોવાનું બહાર આવતાં કબજેદાર કલ્પેશ, અલ્કેશ અને રંજનબહેન સામે ગુનો નોંધવા હુકમ કર્યો હતો. જેના આધારે વિદ્યાનગર પોલીસે ત્રણેય સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.