બોરીયાવીના યુવકને ગાડી ઓએનજીસીના કોન્ટ્રાક્ટમા ભાડે મુકવાનું કહી લઇ ગયો હતો
બોરીયાવી ગામના યુવકનો ભેટો કરમસદના ગઠિયા સાથે થયો હતો. આ ગઠિયાએ ઓએનજીસીમાં કાર ભાડે મુકવાનું કહી દોઢ લાખની કાર લઇ ગયો હતો. બાદમાં ભાડુ કે કાર આપી નહતી અને વિશ્વાસઘાત કર્યો હતો. આ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધ્યો હતો.
બોરીયાવી ગામના પટાક વિસ્તાર પ્રાથમિક શાળાની બાજુમાં રહેતા સુનીલભાઈ સોમાભાઈ રાઠોડ નાસ્તાની દુકાન ચલાવે છે. તેઓએ વર્ષ -2019માં ઇકો ગાડી નં.જીજે 23 સીબી 3887 હપ્તેથી ખરીદી હતી. આ કાર તેઓ બહારગામની વર્ધી માટે ભાડે આપતો હતો. દરમિયાનમાં 9મી જૂન,2023ના રોજ સુનીલભાઇ બોરીયાવી ગામમાં હતાં, તે વખતે તેમના મિત્ર મહેન્દ્ર રતીલાલ પરમાર (રહે. પીપળાતા, તા. નડિયાદ) કે જે ફાયનાન્સમાં લોન રીકવરી એજન્ટનું કામ કરતો હતો. તેને મળ્યાં હતાં. તેઓએ કાર ઓએનજીસીના કોન્ટ્રાક્ટમાં મુકવી હોય તો મારા મિત્ર ભરત ઉગમસિંહ રબારી (રહે. કરમસદ)એ ઓફર આવેલી છે. તેમ કહેતા ભરત રબારી સાથે મોબાઇલ પર વાત કરી હતી. આ સમયે ભરતે ઓએનજીસીમાં ગાડીઓ મુકવાનો કોન્ટ્રાક્ટ મળેલો છે. તમારે ગાડી મુકવી હોય તો માસીક રૂ.20 હજાર ભાડુ મળશે. પેટ્રોલ, ડિઝલ અને ગેસ, મેન્ટેનન્સ, ડ્રાઇવરનો ખર્ચ અમારો રહેશે. કાર વાઘોડીયા આવીને આપી જાવ તેમ કહ્યું હતું. આથી, સાંજના સુનીલ તથા તેનો મિત્ર રાજેશ અંબાલાલ પટેલ, પિતરાઇ છગન રાઠોડ એમ ત્રણેય જણ ગાડી લઇ વાઘોડીયા બ્રીજ ખાતે પહોંચી ગયાં હતાં. તેઓ વાઘોડીયા બ્રિજ પર મળ્યાં હતાં, જ્યાં ગાડી આપી દીધી હતી.
આ ઘટનાના થોડા દિવસ બાદ કારનો હપ્તો ભરવાનો થતાં સુનીલભાઈએ ભાડા માટે ભરતને રીંગ કરી હતી. જેથી ભરતે પણ મહેન્દ્રના ખાતામાં રૂ.10 હજાર ઓનલાઇન ટ્રાન્જેકશનથી મોકલી આપ્યાં હતાં. બાકીના આવતા મહિને દસ હજાર આપીશ તેમ જણાવ્યું હતું. જોકે, કોન્ટ્રાક્ટ અંગે પુછતા ભરતે ગાડી એક વખત એન્ટ્રી થાય પછી કરાર થશે. જુલાઇ માસમાં ગાડીના ભાડાના પૈસા માગતાં ભરતે બહાના બાજી શરૂ કરી દીધી હતી. આમ, વિશ્વાસમાં લઇ મહિને રૂ.20 હજાર રૂપિયા ભાડુ આપવાનો વિશ્વાસ આપી ગાડી લઇ જઇ સાત – આઠ મહિનાથી ક્યાંક જતો રહ્યો હતો. આખરે છેતરપિંડી થયાનું જણાતાં સુનીલ રાઠોડે આણંદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે ભરત ઉગમસિંહ રબારી (રહે. શિવમ સોસાયટી, કરમસદ) સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.