બસના મુસાફર વેપારીને સવા લાખ રૂપિયાનું બિસ્કીટ પડ્યું ભાન આવતા જ વેપારીએ અજાણ્યા ગઠીયા વિરૂદ્ધ ગુનો નોંધાવ્યો.
વડોદરા: કરજણ પાસેથી બસમાં પસાર થતા વેપારીને કડવો અનુભવ થયો છે. બસમાં આગળની સીટ પર બેઠેલા બસમા સવાર અજાણ્યા શખ્સે સુરતના વેપારીને બિસ્કીટનું પેકેટ ખાવા માટે ધરીને નશીલા બિસ્કીટ ખાતા જ બેભાન બની ગયેલા વેપારીની સોનાની વિટીઓ રોકડ તેમજ સાડીઓ સહિત 1.22 લાખની મતા તફડાવીને પલાયન થઇ ગયો હતો.
કરજણ પોલીસ મથકમાં વેપારીએ અજાણ્યા શખ્સ વિરૂદ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, દિનેશકુમાર રતનલાલજી સોની, ઉં – 53 રહે. પુણાગામ, સુરતમા વેપાર કરે છે. 22મી એપ્રિલના રોજ વેપારી બસમાં મુસાફરી કરી રહ્યા હતા. તે દરમિયાન બસમાં તેમની આગળની સીટમાં મુસાફરી કરતા ઈસમે જાળ પાથરી હતી. સામાન્ય વાતચીત કર્યા બાદ પરિચય કેળવીને ભેજાબાજ તેમની બાજુની સીટ પર આવીને બેસી ગયો હતો. નિકટતા કેળવી ને અજાણ્યા શખ્સે વેપારીનો વિશ્વાસ જીતી લીધો હતો. ગઠિયાએ પોતાના પડીકામાંથી બિસ્કીટ ખાઇને પુરૂ કર્યું હતું. ત્યાર બાદ બિસ્કીટનું બીજું પડીકું કાઢીને વેપારીને ને ખાવા માટે સતત આગ્રહ કર્યો હતો. ભાન ભૂલેલા વેપારીએ બિસ્કીટનું બટકું મારતા જ ગણતરીની મિનિટોમાં બેભાન અવસ્થામાં સરી ગયા હતા. તક નો તુરંત લાભ ઉઠાવતા ગઠીયાએ વેપારીના આંગળીઓમા પહેરેલી બે સોનાની વીંટી કિં. રૂ. 1.20 લાખ, પેન્ટના ખિસ્સામાં મુકેલા રૂ. 2,400 રોકડા, બેગમાં મુકેલી સાડી મળીને કુલ રૂ. 1.22 લાખનો હાથફેરો કર્યો હતો. થોડોક સમય વિત્યા બાદ વેપારીને ભાન આવતા જ હાથ જોઈને ચોંકી ઉઠ્યો હતો. આંગળીઓમાં થી ગાયબ થયેલ વીટીઓ અને સામાન તથા રોકડ ગુમ થઈ ગયા હતા. સહ પ્રવાસીની તપાસ કરતા તે પણ પલાયન જણાયો હતો. જેથી શંકા જતા ફરિયાદી દ્વારા અજાણ્યા ઇસમ અંગેના સીસીટીવી ફૂટેજ પણ તપાસવામાં આવ્યા હતા. જો કે ગઠિયાના કોઈ સગડ ના મળતા બાદમાં આ અંગે પરિવારના સભ્યો જોડે ચર્ચા કરીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. સમગ્ર મામલે કરજણ પોલીસ મથકમાં અજાણ્યા શખ્સ વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે મામલે વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે.