પડોશી યુવાને બીભત્સ ચેનચાળા કર્યા, આરોપીના ભાઈએ કારના કાચ તોડી નાખ્યા
મારી સાથે સંબંધ નહીં રાખે તો વિડિયો ફોટા વાયરલ કરીને જાનથી મારી નાખીશ એવી ધમકી આપી
વડોદરા: કરજણ તાલુકાના ગંધારા ગામમાં પડોશમાં રહેતી પરિણીતાની છેડતી કરીને ધમકી આપી પડોશી બંધુઓએ પરિણીતાના પતિને પણ મારઝુડ કરીને કારના કાચ તોડી નાંખી ₹6,000 નું નુકસાન કર્યું હતું.
કરજણ તાલુકાના ગંધારા ગામે રહેતી પરિણીતાના પડોશમાં કુલદીપ સિંહ દેવેન્દ્રસિંહ પરમાર અને તેનો ભાઈ અર્પિતસિંહ રહે છે.16 એપ્રિલના રોજ પરિણીતા એના ઘરના વાડામાં વાસણ કરતી હતી ત્યારે કુલદીપ સિંહ અચાનક આવી ચડ્યો હતો અને ધમકીભર્યા સ્વરમાં કહેવા લાગ્યો હતો કે તું મને મળવા કેમ આવતી નથી, તો તું મને મળવા નહીં આવે તો તારા વિડિયો ફોટા મોબાઇલમાં વાયરલ કરી દઈશ. સમાજમાં આબરૂ જવાની બીકે પરિણીતા ચુપ રહીને ઘરમાં ચાલી ગઈ હતી. બીજા દિવસે પરણીતા કપડાં ધોતી હતી ત્યારે કુલદીપ કપડાં કાઢીને બીભત્સ ઇશારા કરતો હતો. 18મી તારીખે પરિણીતાનો પતિ પોતાની ફોરવીલર લઈને ભાણિયાને મૂકવા કરજણ જતો હતો ત્યારે કુલદીપ વેમરડી રોડ ઉપર મળ્યો હતો. પતિ સાથે મારી પત્નીને ગંદા ઇશારા કેમ કરે છે એવી વાતચીત દરમિયાન કુલદીપ સાથે ઝઘડો થયો હતો. તે અરસામાં તેનો ભાઈ લાકડાનો ડંડો લઈને ધસી આવ્યો હતો. પતિને ગળદાપાટુનો માર મારીને કારના કાચ તોડી નાખ્યા હતા. બંને ભાઈઓના હુમલાના કારણે પતિને હાથ પર ઇજાઓ પહોંચી હતી .ઢોરમાર ના કારણે ફફડી ઉઠેલો પતિ વધુ મારની બીકે ગામ છોડી પલાયન થઈ ગયો હતો. એક સપ્તાહ બાદ ગામમાં આવીને બંને હુમલાખોર ભાઈઓ વિરુદ્ધ પત્નીની છેડતીની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મારા મારી અને છેડતીનો ગુનો દાખલ કરીને બંને હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.