વાહનોની સતત અવર-જવરને પરિણામે આવકમાં મસમોટો ઉછાળો જોવા મળ્યો :
રાજ્યમાં ટોલની મસમોટી કમાણી, એક જ વર્ષમાં રાજ્યના હાઈવે પરથી 5,450 કરોડની વસૂલાત :
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરા જિલ્લાના કરજણ ભરથાણા ટોલ પ્લાઝા સમગ્ર દેશમાં સૌથી વધુ કમાણી કરતું ટોલ પ્લાઝા બની ગયું છે. નેશનલ હાઈવે-48 પર વડોદરા અને ભરૂચ વચ્ચે સ્થિત આ ટોલ પ્લાઝા મુંબઈ-દિલ્હી મુખ્ય માર્ગ પર હોવાથી અહીં વાહનોની સતત અવર-જવર રહે છે. જેને પરિણામે તેની આવકમાં મસમોટો ઉછાળો જોવા મળ્યો છે.
તાજેતરના આંકડાઓ અનુસાર, ભરથાણા ટોલ પ્લાઝાની વાર્ષિક કમાણી 400 કરોડથી પણ વધુ નોંધાઈ છે. છેલ્લા 5 નાણાકીય વર્ષોમાં આ એક જ ટોલ પ્લાઝાએ સરકારની તિજોરીમાં કુલ 2,158.39 કરોડ જમા કરાવ્યા છે. વર્ષ 2024-25 ના આંકડાઓ પર નજર કરીએ તો, ગુજરાતના નેશનલ હાઈવે ટોલમાંથી કુલ 5,450.20 કરોડની આવક થઈ છે. જેનું વિશ્લેષણ કરતા ચોંકાવનારી વિગતો સામે આવી છે કે રાજ્યમાં સરેરાશ દરરોજ 14.93 કરોડ અને પ્રતિ મિનિટે આશરે 1.04 લાખ ની વસૂલાત કરવામાં આવે છે. ભરથાણા ટોલ પ્લાઝા માત્ર ગુજરાત જ નહીં પણ દેશના આર્થિક પરિવહન માર્ગનું મહત્વનું કેન્દ્ર સાબિત થયું છે,.
અગાઉ કરજણનું ભરથાણા ટોલ નાકુ ઘણી વખત વિવાદમાં જોવા મળ્યું છે. ટોલનાકા પર કામ કરતા કર્મચારીઓની ગેરવર્તણૂક , બેફામ વાણી વિલાસ, મારામારી જેવી ઘટનાને લઈ કેટલાક સામાજિક આગેવાનો અને ગ્રામજનો દ્વારા પણ ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ કરવામાં આવી હતી.
– ટોલની આવકના ચોંકાવનારા આંકડા,નાણાકીય વર્ષની કુલ ટોલ આવક ( કરોડમાં)
2020-21 :- 2,720.81
2021-22 :- 3,642.40
2022-23 :- 4,518.96
2023-24 :- 4,581.04
2024-25 :- 5,450.20
મુખ્ય ટોલ પ્લાઝાની આવક (2024-25):
1.ભરથાણા કરજણ: 472.50 કરોડ
2.ચૌર્યાસી: 410.55 કરોડ
3.વાસદ: 285.21 કરોડ
4.સામખિયાળી: 278.88 કરોડ
5.સૂરજબારી: 224.49 કરોડ