બેનરમાં લખ્યું કોઈપણ પક્ષના નેતાઓએ ચૂંટણી બાબતે ગામમાં પ્રવેશ કરવો નહિં
હાંડોદ સહિત 20 ગામોના ખેડૂતોને એક્સપ્રેસ-વે અને રેલવે કોરીડોર સહિત 3 પ્રોજેક્ટમાં ગયેલી જમીનોનું યોગ્ય વળતર મળ્યું નથી
( પ્રતિનિધિ ) વડોદરા તા.21
આગામી લોકસભાની ચૂંટણી ટાણે હવે વિવિધ પ્રશ્નો મામલે લોકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે સરકારે એક્સપ્રેસ વે અને રેલવે કોરીડર પ્રોજેક્ટમાં મફતના ભાવે જમીન પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે થોડા દિવસ પૂર્વે વડોદરા શહેરમા લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામા આવ્યો હતો. જે બાદ હવે જિલ્લામાં વિરોધના વંટોળ ઉભા થયા છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંદોડ સહિતના ગામના ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળતા ગામમાં કોઈ પણ રાજકીય પક્ષોએ પ્રવેશ કરવો નહિં તેવા બેનરો લગાવી વિરોધ કર્યો હતો.
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના હાંડોદ ગામ સહિત 20 ગામોના ખેડૂતોને એક્સપ્રેસ-વે અને રેલવે કોરીડોર સહિત 3 પ્રોજેક્ટમાં ગયેલી જમીનોનું યોગ્ય વળતર ન મળતા લોકસભાની ચૂંટણીનો ગામોમાં બેનર મારી બહિષ્કાર કરતા તંત્ર દોડતું થયું છે. વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા,બોડકા,માંગરોલ, કણભા, હાંડોદ, ખાંધા, માણપુર, કોઠવાડા સહિત 20 જેટલા ગામોની સીમમાંથી દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે અને રેલવે કોરીડર પસાર થઈ રહ્યો છે. આ પ્રોજેક્ટ માટે સરકાર દ્વારા વિવિધ ગામોના ખેડૂતોની 300 એકર જમીન સંપાદન કરવામાં આવી છે. પરંતુ, ખેડૂતોને જમીનોનું યોગ્ય વળતર ન મળતા ખેડૂતો છેલ્લા કેટલાંક સમયથી સરકાર સામે લડત ચલાવી રહ્યા છે. ઘણી રજૂઆતો છતા આજદિન સુધી સરકાર દ્વારા ખેડૂતોના પ્રશ્નનો ઉકેલ નહી આવતા કરજણ તાલુકાના હાંડોદ, સાંપા સહિતના ગામોમાં ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે. કોઈ પણ રાજકીય પક્ષોએ ગામમાં પ્રવેશ કરવો નહિં તેવા બેનરો લગાવતા રાજકીય પક્ષોએ ખેડૂતોને સમજાવવા માટે દોડધામ કરી મૂકી છે. જે 20 જેટલા ગામોની જમીન સરકારના પ્રોજેક્ટોમાં ગઈ છે, તે તમામ ગામના લોકો દ્વારા પણ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવનાર હોવાનું જાણવા મળ્યું છે. જમીનો ગુમાવનાર ખેડૂતોને ગામના અન્ય લોકો પણ સહકાર આપી રહ્યા છે.
ખેડૂતે જણાવ્યું હતું કે,સરકારે અમારા ગામ સહિત આસપાસના 11 ઉપરાંત ગામોની જમીનો દિલ્હી-બોમ્બે એક્સપ્રેસ વે તેમજ રેલવે કોરીડોર સહિતના પ્રોજેક્ટો માટે મફતના ભાવે પડાવી લીધી છે. આ અંગે વિરોધ કરવામાં આવતા સરકારે આર.બી. ટેશનની નિમણૂંક કરી હતી. પરંતુ, આરબી.ટેશનમાં કેસ ચાલી ગયો હોવા છતાં, સરકાર દ્વારા વળતર અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. 36 હજારમાં અમારી જમીનો પડાવી લીધી છે. છેલ્લા 6 માસથી લડત આપી રહ્યા છે. પરંતુ, સરકાર દ્વારા પ્રશ્નોનો ઉકેલ લાવવામાં નહિ આવતા અમારા ગામ સહિત આસપાસના 11 ઉપરાંત ગામના લોકોએ ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી વિરોધ કર્યો છે. આજે સાંજ સુધીમાં તમામ ગામોમાં લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનરો લગાવી દેવામાં આવશે તેમ જણાવ્યુ હતુ.