ખેડૂતોમાં ભારે નારાજગી ફેલાઈ છે
સાવલી :
સાવલી તાલુકામાં કમોસમી વરસાદથી કપાસ, તમાકુ, ડાંગર, દિવેલા, શાકભાજી, સોયાબીન સહિતના પાકને મોટું નુકસાન થયું છે. રાજ્ય સરકારે આ નુકસાનીને ધ્યાને લઈ પાક સહાયનું પેકેજ જાહેર કર્યું હોય એટલામાં, ઓનલાઇન અરજી માટે ખુબ જરૂરી એવા 7/12 અને 8-અના ઉતારા મેળવવા ખેડૂતો આજે મોટી સંખ્યામાં સાવલી તાલુકા સેવા સદન અને વિવિધ જનસેવા કેન્દ્રોમાં ઉમટી પડ્યા હતા.પરંતુ, સેવા સદનમાં સર્વર ડાઉન થતા ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો. લાંબી કતારોમાં કલાકો સુધી ઊભા રહેવા છતાં ઉતારા ન મળતા ખેડૂત વર્ગમાં ભારે રોષ જોવા મળ્યો.
બીજી તરફ, સમગ્ર તાલુકાનાં જનસેવા કેન્દ્રોમાં પણ ઈન્ટરનેટ ધીમું રહેતા અને સર્વર વારંવાર બંધ પડી જવાથી કામકાજ અટવાઈ જવાના બનાવો સામે આવ્યાં. પરિણામે, સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો મેળવવાની પ્રક્રિયા જ સ્થગિત થઈ ગઈ છે.

ખેડૂત ગિરિશભાઈ પટેલે જણાવ્યું કે “સવારથી લાઈનમાં ઊભાં છીએ, પરંતુ સર્વર ચાલે ત્યારે જ કામ થશે એવો જવાબ મળે છે. ખેડૂતોનું સમય અને પૈસા બન્ને વેડફાઈ રહ્યા છે. સરકાર તાત્કાલિક પગલાં ભરે તેવી અમારી માંગ છે.”
સ્થિતિ એટલી બગડી ગયા પછી, સેવા સદન સહિત તમામ કેન્દ્રોએ ભીડ સંભાળવામાં મુશ્કેલી અનુભવવી પડી રહી છે. ખેડૂતો દ્વારા માંગ ઉઠી છે કે તંત્ર તરત સર્વરની સમસ્યાનો ઉકેલ લાવે જેથી પાક વળતર મેળવવાની પ્રક્રિયા ઝડપી અને સરળ બને.