Business

કમી સુધારો

એક કુંભાર હતો. તે સુંદર માટીનાં વાસણો બનાવતો અને તેને વેચીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો.તેનો દીકરો ૧૪ વર્ષનો હતો. તે શાળામાં ભણવા જતો અને રજાના દિવસોમાં કુંભારના કામમાં મદદ કરતો અને પોતે પણ માટીના વાસણ બનાવવાનું શીખતો. કુંભારનો દીકરો જયારે જયારે માટીનાં વાસણ બનાવતો તે બનાવીને પોતાના પિતાને પૂછતો, ‘પિતાજી જોઈ લો, બરાબર બન્યું છે.’ કુંભાર દીકરાએ બનાવેલું વાસણ જોતો અને પછી જવાબ આપતો, ‘હા આમ તો બરાબર છે, પણ જરા એક વાર ચકાસી લે જરાક કમી છે તે દૂર થઇ જશે.’

દીકરો પિતાની વાત સાંભળીને ફરી એક વાર વાસણને બરાબર ચકાસીને આકાર આપતો.દર વખતે દીકરો જે બનાવતો, પિતાજીને પૂછતો, ‘બરાબર છે?’ અને કુંભાર દર વખતે કહેતો, ‘જો જરાક કમી છે બરાબર ચકાસીને સુધારી લે.’ દીકરો દર વખતે પિતાની સલાહ માની વાસણને ફરી એક વાર બરાબર આકાર આપતો. આમ વાસણ બનાવતાં બનાવતાં વર્ષો વીત્યાં અને દીકરો કુંભારની જેમ માટીનાં વાસણો બનાવવામાં પારંગત થઇ ગયો, છતાં તે દર વખતે નવું વાસણ બનાવતો ત્યારે પિતાને પૂછતો કે, ‘પિતાજી બરાબર છે…?’ અને આટલાં વર્ષો બાદ પણ કુંભાર , ‘થોડી કમી છે ફરો ચકાસી લે.’ તેવો જ જવાબ આપતો અને દીકરો ચકાસીને ફરી એક વાર આકાર આપી દેતો.

હવે તો કુંભારના દીકરાની કળા ખીલી ગઈ હતી તેના બનાવેલા વાસણોના વધુ પૈસા મળતા હતા.એક દિવસ દીકરાએ બહુ જ સુંદર મોટો ઘડો બનાવ્યો અને આદત મુજબ પિતાજીને બતાવીને પૂછ્યું, ‘પિતાજી બરાબર છે ને…’ કુંભારે દર વખત જેવો જ જવાબ આપ્યો, ‘જરાક કમી છે ચકાસી લે અને સુધારી લે …’ આ જવાબ સાંભળી દીકરાએ ઘડો ચકાસ્યો અને બરાબર આકાર આપી કહ્યું, ‘પિતાજી, તમે દર વખતે જરાક કમી છે.

ચકાસી લે તેમ જ કહો છો ક્યારેય એમ નથી કહેતા બરાબર છે …’ કુંભાર બોલ્યો, ‘જો દીકરા, મને તારી આવડત પર કોઈ શક નથી પણ તે પણ હકીકત છે કે કોઈ પણ કામ એક પણ કમી કે ખામી વિનાનું ન હોઈ શકે કારણ કે આપણે માણસ છીએ અને જયારે આપણે એમ માનવા લાગીએ કે મારા કામમાં કોઈ કમી કે ખામી હોઈ જ ન શકે તે અભિમાન આપણી પ્રગતિ અટકાવી દે છે. કોઇ પણ કામ વધુ સારી રીતે કરી જ શકાય છે અને તે માટે જાગ્રત રહેવું અને કરેલા કામને ફરી ફરી ચકાસતાં રહેવું જરૂરી છે તો આપણે પહેલાં કરતાં વધુ સારું કામ કરી આગળ વધી શકીએ છીએ.જે દિવસે એમ માનવા લાગીએ છીએ કે મારા કામમાં કોઈ કમી નથી ત્યારથી આપણી પ્રગતિ અટકી જાય છે.’ કુંભારે દીકરાને સફળતાનો ગુરુ મંત્ર સમજાવ્યો.

Most Popular

To Top