Vadodara

કમિશ્નર અરુણ મહેશ બાબુની અધિકારીઓને આકરા શબ્દોમાં તાકીદ

રોડના કામમાં ‘ઝીરો ટોલરન્સ’: નબળી ગુણવત્તાવાળા રોડ મંજૂર નહીં થાય; ખોદકામ બાદ પુરાણમાં બેદરકારી નહીં ચલાવાય

વડોદરા મહાનગરપાલિકા કમિશ્નર અરુણ મહેશ બાબુની અધ્યક્ષતામાં આજે શહેરના વિકાસ કાર્યોની સમીક્ષા માટે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પાલિકાના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને કાર્યપાલક ઇજનેરોની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કમિશ્નરે ખાસ કરીને રોડના કામોની ગુણવત્તા અને પાણી, ડ્રેનેજ, તથા ગેસ લાઈન નાખ્યા બાદ રસ્તાના યોગ્ય પુરાણ પર ભાર મૂક્યો હતો.
કમિશ્નર અરુણ મહેશ બાબુએ અધિકારીઓને સ્પષ્ટપણે તાકીદ કરી હતી કે, રોડના કાર્યમાં બિલકુલ બેદરકારી ન રાખવામાં આવે. શહેરના નાગરિકોને ગુણવત્તાયુક્ત રસ્તા મળે તે સુનિશ્ચિત કરવું તે પાલિકાની પ્રાથમિકતા છે.
​ખાસ કરીને, રસ્તાઓ પર પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ લાઇન કે ગેસ લાઇન નાખવાના કામ બાદ જે ખોદકામ કરવામાં આવે છે, તેનું યોગ્ય અને નિર્ધારિત માપદંડો અનુસાર પુરાણ કરવું અનિવાર્ય છે. જો પુરાણ યોગ્ય રીતે કરવામાં નહીં આવે તો તે ભાગ બેસી જાય છે અને તેના કારણે નવા બનેલા રસ્તાઓ પણ ટૂંકા સમયમાં જ તૂટી જાય છે, જેનાથી જાહેર જનતાને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ મુદ્દે કોઈપણ પ્રકારની ઢીલાશ નહીં ચલાવવાની કમિશ્નરે સ્પષ્ટ સૂચના આપી હતી.
સમીક્ષા બેઠક દરમિયાન કમિશ્નરે રોડ કન્સ્ટ્રક્શનની ગુણવત્તા અંગે ગંભીરતા વ્યક્ત કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, ટેન્ડરમાં નક્કી કરાયેલા ધારાધોરણ મુજબનો સ્ટાન્ડર્ડ રોડ નહીં બને, તો તે કામ કોઈ પણ સંજોગોમાં મંજૂર નહીં થાય.
​ગુણવત્તાના માપદંડો જાળવવા માટે અધિકારીઓને સ્થળ પર સતત નિરીક્ષણ કરવા અને કોન્ટ્રાક્ટરો પાસેથી ગુણવત્તાયુક્ત કામ લેવા માટે કડક સૂચના આપવામાં આવી હતી. પાલિકા દ્વારા ચૂકવવામાં આવતા નાણાં સામે નાગરિકોને મજબૂત અને ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મળવું જોઈએ તેવો તેમનો આગ્રહ હતો.
કમિશ્નરે વિવિધ વિકાસ કાર્યોની પ્રગતિની સમીક્ષા કરી હતી અને નિર્ધારિત સમય મર્યાદામાં ઉચ્ચ ગુણવત્તા સાથે કામ પૂર્ણ કરવા માટે તમામ વિભાગોને સંકલન સાધવાની સૂચના આપી હતી.

Most Popular

To Top