ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે વડોદરા કોર્પોરેશનનો મહત્વપૂર્ણ નિર્ણય
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) દ્વારા કમાટીબાગ નજીક બાલભવન પાસે આવેલો જૂનો બ્રિજ નવો બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ માટે અંદાજિત રૂ.8.65 કરોડનો ખર્ચની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાઈ હતી, જેને મંજુર કરી દેવાઈ છે. હાલનો બ્રિજ આશરે 25 વર્ષ જુનો છે અને તેનો રસ્તો સાંકડો હોવાથી ટ્રાફિક જામની સમસ્યા વધી છે. વર્તમાન બ્રિજ કાશીબા ચિલ્ડ્રન હોસ્પિટલથી નરહરી હોસ્પિટલ તરફ જોડે છે. તેની કુલ પહોળાઈ 11 મીટર છે, જેમાં 8 મીટર રોડ અને બંને બાજુ ફુટપાથ છે. હાલમાં, ફૂટપાથ ઉપર પાણીની લાઈન પસાર થતી હોવાથી તેને બંધ કરવામાં આવ્યો છે, જેના કારણે રસ્તો વધુ સાંકડો બની ગયો છે.
નવા બ્રિજની વિશેષતાઓ એ છે જે આ બ્રીજની લંબાઈ 208 મીટર, અપ્રોચ કાશીબા હોસ્પિટલ તરફ 76 મીટર અને નરહરી હોસ્પિટલ તરફ 81 મીટર જ્યારે વચ્ચેનો ભાગ 51 મીટર રહેશે. પહોળાઈની વાત કરવામાં આવે તો દરેક લેનની પહોળાઈ 9 મીટર રહેશે. નવા બ્રિજના નિર્માણ સાથે વડોદરામાં કમાટીબાગ અને આસપાસના વિસ્તારોમાં ટ્રાફિક દબાણ ઘટશે. શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને આ નવી સુવિધા શહેરીજનો માટે વધુ સુખદ બનશે. તંત્ર દ્વારા નવા અને જૂના બ્રિજના ફાઉન્ડેશનને સુરક્ષિત રાખવા માટે પણ વિશેષ સ્ટ્રકચર ઊભું કરવામાં આવશે.
