Vadodara

કપુરાઈ ચોકડી પાસે ટેમ્પોની અડફેટે આધેડ આવી જતા મોત


પ્રતિનિધિ. વડોદરા.
શહેરની નજીકથી પસાર થતા મુંબઈ હાઈ વે પર એક પણ દિવસ એવો નથી જતો કે નિર્દોષ વાહન ચાલક કે રાહદારી વાહન નીચે કચડાઈને મોત ને ભેટયો ના હોય. વરણામા પોલીસ દ્વારા પ્રાપ્ત વિગત મુજબ વડોદરા તાલુકાના કપુરાઈ ગામના દિવાન ફળિયામાં રહેતા ૨૮ વર્ષના શ્રમજીવી ઈમરાન વાઘેલાએ વરણામા પોલીસ મથકમાં જણાવ્યું હતું કે ગત ત્રીજી તારીખે સાંજે સાડા પાંચ વાગ્યે કપુરાઈ ચોકડી નજીક સ્મશાન પાસેના રોડ પરથી આઇસર ટેમ્પો પસાર થતો હતો. એના ચાલકે રસ્તો ઓળંગી રહેલા તેમના ૬૦ વર્ષના મોટા પપ્પા કાળીદાસ રાયસિંહ વાઘેલાને ટક્કર મારી દેતા ઉછળીને રોડ ઉપર પટકાયા હતા. જીવલેણ અકસ્માતના કારણે આખા શરીરે ગંભીર ઈજા પહોંચી હતી.નજીકમાં જ રહેતા તેમના પરિવારને જાણ થતા જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.અકસ્માત બાબતે વરણામા પોલીસ ને જાણ કરવામાં આવી હતી.પોલીસ આવે તે પહેલા જ કાલિદાસ ને લોહી લુહાણ હાલતમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું .
અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક ઘણા વર્ષોથી વિકલાંગ હતા. કામ અર્થે બહાર થી આવ્યા હતા અને ઘરે જવા રસ્તો ઓળંગતા હતા ત્યારે જ કાળ ભરખી ગયો. બે પુત્રોના પિતા વિવિધ પ્રકારની યોજનાઓના સરકારી ફોર્મ ભરીને નર્મદા ભુવન, કપુરાઇ તલાટી ની કચેરીમાં લોકોને મદદ કરતા હતા.

Most Popular

To Top